Business Plus

હેરકટના નામે બેન્કોનું મૂંડન કરાવે એ લોન નકસલ

By GS Team
30 Aug 20263 mins read
TukuTouch Logo
કેટલાક ટાલિયા ગ્રાહકો બેન્કમાં હેરકટની માંગ સાથે પહોંચ્યા. તેમને લાગતું હતું કે બેન્ક 22,000 કરોડની લોનમાં 90-99% હેરકટ આપીને 6 કરોડની કરી આપે છે. બેન્ક અધિકારીએ સમજાવ્યું કે ધંધો ન ચાલે ત્યારે થોડી રકમમાં પતાવટ કરવી તેને 'હેરકટ' કહેવાય. ગ્રાહકોએ પૂછ્યું કે બેન્કો પાસેથી લોન લઈને બેન્કોને નવડાવવાના ધંધા માટે લોન મળશે કે કેમ? બેન્ક અધિકારીએ પોલીસ બોલાવવાની ધમકી આપી.

Summarized by AI; it may make mistakes. Check important info

હેરકટના નામે બેન્કોનું મૂંડન કરાવે એ લોન નકસલ

સ્માઇલ ઇન્ડેક્સ - વ્યર્થશાસ્ત્રી
કેટલાક ચકચકિત ટાલ ધરાવનારા ગ્રાહકો એક બેન્કમાં પહોંચી ગયા. 'અમારે હેરકટ જોઈએ છીએ.'
બેન્કવાળા ચોંકી ગયા.'ભલા માણસ, આ બેન્ક છે. અમે કેશનો વ્યવહાર કરીએ છીએ પણ એ કેશ એટલે રોકડ… નોટો, સમજ્યા? તમે જે કેશકર્તન માટે આવ્યા છો એ વાળ કાપવાનું કામ અહીં થતું નથી.'
'ઓ ભાઈ, અમને તો ખબર પડી છે કે બેન્ક લોનમાં હેરકટ આપે છે. હમણા એક ભાઈની લોન ૨૨,૦૦૦ કરોડની લોનમાં કાંઈક ૯૦-૯૯ ટકા હેરકટ આપીને છ કરોડની કરી આપી છે ને કાંઈ.'
બેન્ક ઓફિસર હસતાં હસતાં કહે, 'ઓહો, એ હેરકટ? જુઓ ભાઈ, એમાં તો એવું છે કે તમારે પહેલાં ધંધા માટે લોન લેવી પડે. પછી તમારો ધંધો ન ચાલે તો તમારે આવીને અમને કહેવાનું કે લોન ભરાય તેમ નથી . હવે અમે એક પણ રુપિયો માફ ન કરીએ તો ઉદ્યોગપતિ ડૂબી જાય અને અમારા પણ બધા પૈસા ડૂબી જાય. એના કરતાં અમે થોડી રકમમાં પતાવટ કરી લઈએ . આમ કોઈનું માથું જ ઉતારી લેવાને બદલે નાની રકમ લઈ જવા દઈએ તેને હેરકટ કહીએ છીએ.'
'ટૂંકમાં કોઈ વાળ કપાવા જાય તો પહેલાં તેના માથે પાણી છાંટવામાં આવે છે. જ્યારે તમારા કિસ્સામાં તો તમે પોતે જ હેરકટ કરીને બાકી લોનના નામનું નાહી નાખો છો એમ ને?' એક ગ્રાહકે ઉશ્કેરાઈને પૂછ્યું.
બેન્ક અધિકારી જવાબ આપે તે પહેલાં બીજા ગ્રાહકે સવાલ કર્યો. 'આ તમારી સ્ટાઈલનું હેરકટ લેવું હોય તો કયા કયા ધંધા એલાઉડ છે?'
આ સવાલનો જવાબ પણ ત્રીજા ગ્રાહકે જ આપી દીધો. 'જે ધંધા ડૂબવાની સૌથી વધારે શક્યતા હોય તે તમામ ધંધામાં આ લોકો હેરકટ કરી આપે છે.'
આ વખતે બેન્ક અધિકારી જરા તાડૂક્યા. 'ના હો, સાવ એમ નથી. એમ તો લોન આપતાં પહેલાં અમે બધા કાગળિયા બરાબર જોઈએ છીએ.'
'પણ, આટલી બધી લોન ડૂબી ગઈ એનો મતલબ એ કે કાં તો તમે કાગળિયા બરાબર જોયા ન હતા અથવા તો તમને કાગળ જોતાં જ આવડતા નથી. કોઈ તમને મૂર્ખ બનાવી ગયું.' ગ્રાહકો હસવા લાગ્યા.
બેન્ક અધિકારી કંટાળ્યા. 'અરે યાર, તમારે જોઈએ છે શું? લોન જોઈએ છીએ? કે પહેલાં લીધેલી કોઈ લોનની માંડવાળ કરવી છે? તમારો કોઈ ધંધો છે, હજારો-કરોડનો?'
'એક કામ કરો સાહેબ, માની લ્યો કે અમારો ધંધો જ બેન્કો પાસેથી લોન લઈને બેન્કોને નવડાવવાનો છે. તો આ ધંધો કરવા માટે પણ તમે અમને લોન આપો ખરા? જુઓ, અમે પ્રામાણિક છીએ. પહેલેથી કહી દઈએ છીએ કે લોન નથી ભરવાના. તમારે હેરકટ આપવું જ પડશે. બોલો, કેટલાની લોન આપો છો?'
બેન્ક અધિકારી ગભરાતાં ગભરાતાં કહે, 'આવું ન હોય. દેશમાં નીતિનિયમો, કાયદો એવું બધું પણ છે. હવે તમે અહીંથી વિદાય નહીં થાઓ તો મારે પોલીસને જાણ કરવી પડશે.'
'હા, હવે જઈએ છીએ. ખાલી અમારા છેલ્લા એક સવાલનો જવાબ આપો કે લોનના નામેે હેરકટ લઈને બેન્કનું જ મૂંડામણ કરી નાખનારાને લોન નકસલ કહેવાય કે નહીં?'
બેન્ક અધિકારીએ મોટેથી પોક મૂકી. ગ્રાહકો હસતાં હસતાં રવાના થયા.
સ્માઈલ ટિપ
જૂની કહેવતઃ ભાગતા ભૂતની લંગોટી ભલી
નવી કહેવતઃ નહિ ભાગતા ભાઈબંધની પણ લંગોટી ભલી