Get The App

ખોવાયો છે.... ગેરંટી નામનો શબ્દ ગુમ થઈ ગયો છે

Updated: Oct 26th, 2025

GS TEAM

Google News
Google News
ખોવાયો છે.... ગેરંટી નામનો શબ્દ ગુમ થઈ ગયો છે 1 - image

- સ્માઇલ ઇન્ડેક્સ-વ્યર્થશાસ્ત્રી

- બિચારા ગ્રાહક સુરક્ષા ધારાને જ સૌથી વધુ સુરક્ષાની જરુર છે

બજારમાં ઠેર ઠેર પોસ્ટર લાગ્યાં: 'ગુમ થઈ ગઈ છે... ગેરંટી ખોવાઈ ગઈ છે...'

તરત જ બજારમાં દોડધામ મચી ગઈ. મોટા ભાગના વેપારીઓને એક જ સવાલ થયો કે આપણે તો એકેય ચીજની હવે ગેરંટી આપતા જ નથી, તો પછી આ ગેરંટી આપી કોણે, જે હવે  પાછી ગુમ પણ થઈ ગઈ છે?

બજાર ચોકીની પોલીસ પણ ધંધે લાગી. 'આટલા મોટા બજારમાંથી કોઈ વસ્તુ  ગુમ થઈ જાય મતલબ કે એ કાં તો છૂપી રીતે બજારમાં આવી હશે ને અથવા તો છૂૂપી રીતે વેચાઈ હશે.'

બે-ચાર દિવસ વોચ રાખ્યા બાદ એક રાતે પોલીસે આ પોસ્ટર લગાડતા એક મુફલિસ જેવા  માણસને પકડી લીધો. તેના લઘરવઘર દીદાર જોઈને જ પોલીસ તાડૂકી, 'લ્યા, તારી તો બજારમાં પગ મૂકવાની પણ હેસિયત નથી લાગતી,  તારી શેની  ગેરંટી ગુમ થઈ?'

પેલો મુફલિસ કહે, 'દંડો નહીં મારો એવી ગેરંટી આપો તો કહું.'

પોલીસવાળા હસવા માંડયા, 'લ્યા, ગેરંટી ગુમ થઈ ગઈ છે અને હવે  પાછી નવી ગેરંટી માગે છે?'

પેલો માણસ કહે, 'હું મારી પોતાની ગેરંટીની વાત નથી કરતો. હું તો એમ કહેવા માગું છું કે જુઓ, આખા બજારમાંથી ગેરંટી નામનો શબ્દ જ ગાયબ થઈ ગયો છે. હવે કોઈ વેપારી કોઈપણ ચીજની ગેરંટી આપવા તૈયાર નથી.'

પોલીસવાળા પણ વિચારમાં પડયા. આ ચર્ચા સાંભળી એક વેપારી આગળ આવ્યા. 'લ્યા, સાવ ગપ્પાં ન માર. અમારી તો દરેક ચીજ પર વોરંટી હોય છે.'

પેલો મુફલિસ હસતાં હસતાં કહે, 'અસલના જમાનામાં હિંદી ફિલ્મોમાં હમશકલ જોડિયા ભાઈઓની વાર્તા આવતી હતી, પરંતુ તેમાં એક ભાઈ હીરો હોય અને બીજો વિલન. આ તમારી વોરંટી એ બોલવામાં તો ગેરંટીની જોડિયા બહેન લાગે છે, પરંતુ ગેરંટી હીરો હતી જ્યારે  તમારી વોરંટી વિલન.  અગાઉ વેપારીઓ બેધડક કહેતા કે વસ્તુ ખરાબ નહીં નીકળે તેની અમારી ગેરંટી, ઊભાઊભ વસ્તુુ બદલી આપીશું. હવે તો વોરંટીમાં જાતભાતની શરતો લાદો છો અને પાછું તેમાં પણ મુદ્દત કે અમુક સમય પછી અમુક વોરંટી નહીં મળે. ગમે તેવી મોંઘા ભાવની ચીજ લ્યો તો પણ છ મહિના કે વરસની વોરંટી ન હોય.'

પોલીસવાળા  કંટાળીને કહે, 'લ્યા ભાષણ બંધ કર. સમાજ સેવા બંધ કર. તને વ્યક્તિગત શું તકલીફ પડી એ કહે.'

પેલો મુફલિસ કહે, 'બસ, આ ભાષણવાળી વાતની જ તકલીફ છે. બજારમાં હવે કોઈ ચીજની ગેરંટી નથી તો પણ આ નેતાઓ તેમના ભાષણમાં વિકાસ અને જનકલ્યાણની ગેરંટી આપતા જ ફરે છે.'

નેતાઓનો વાંક નીકળતાં પોલીસવાળાએ ગુસ્સે થઈને મુફલિસને દંડો ફટકાર્યો. ત્યાં દંડાના જ બે ટુકડા થઈ  ગયા. પેલો મુફલિસ કહે, 'જુઓ, તમારા પોલીસના દંડામાં પણ હવે કોઈ ગેરંટી આવતી નથી.'

આટલું કહીને મુફલિસ નાઠો... પરંતુ તેના કરતાં બમણા જોરથી તો વેપારીઓ ભાગ્યા.

સ્માઈલ ટિપ 

સૌથી શ્યોર ગેરંટી ચાઈનીઝ વસ્તુઓમાં છે, એ તકલાદી નીકળશે એની સો ટકા ગેરંટી હોય છે.