For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બજેટમાં કૃષિ ઉદ્યોગની રાહતો ઉપર મંડાયેલી મીટ

Updated: Jan 22nd, 2023

Article Content Image

- કોમોડિટી કરંટ - જયવદન ગાંધી

પહેલી ફેબુ્રઆરીએ રજૂ થનાર યુનિયન બજેટ-૨૦૨૩ કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે કોમોડિટીઝ સેકટર માટે ખાસ કરીને કૃષિ ક્ષેત્રના પ્રોત્સાહન ઉપર વિશેષ ફોકસ સાથે એગ્રી ઈનપુટ તથા ખેડૂત આવક વધારવાના મિશન ઉપર સરકારનું જોર વધુ રહેશે તેવું જણાઈ રહ્યું છે. સરકાર નેચરલ ઓર્ગેનિક ખેતી ઉપર ભાર મુકી રહી હોવાથી આગામી નાણાંકીય વર્ષમાં ફર્ટીલાઈઝર સબસીડીમાં ખર્ચ ઘટાડાની નીતિ સાથે ખર્ચ લગભગ ૧.૪ થી ૧.૫ લાખ કરોડ રૂપિયા સુધી મર્યાદિત રહેશે તેવી અપેક્ષા છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારે ટેકાના ભાવોમાં ઉત્તરોત્તર વધારો કરવાનો હેતુ ખેડૂતોની આવકોમાં વધારો કરવાનો રહ્યો છે. જોકે સરકારનું લક્ષ્ય હજુ પૂર્ણ થયેલ નહિ હોવાથી આ વર્ષે ઉપરોક્ત બંને ફેકટર્સ ઉપર સરકારનો ભાર વધુ રહે તેમ છે. છેલ્લા ચાર વર્ષોમાં ટેકાના ભાવોમાં ચાર ટકાથી માંડીને ૧૩ ટકા સુધી વધારો કર્યો છે. અનાજની ચીજોમાં છ ટકા, તેલીબીયાં તથા કઠોળમાં છ થી સાત ટકાનો વધારો કર્યો છે. વિશ્વ અનાજ વર્ષ નિમિત્તે બાજરીના ભાવોમાં ૧૧ ટકાનો અને રાગીના ટેકાના ભાવોમાં ૧૩ ટકાના વધારા સાથે અનુક્રમે ૨૩૫૦ અને ૩૫૭૮ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવો જાહેર કર્યા છે. ઘઉંના ટેકાના ભાવો ૨૧૨૫ પ્રતિ ક્વિન્ટલ કરતાં આજકાલ ખુલ્લા બજારના ભાવો ત્રણ હજારની સપાટી કુદાવી ગયા છે. ઘઉંનો પુરવઠા ઓછો હોવાથી સતત તેજીનો માહોલ પકડાયો છે. પૂર્વ ભારતની મોટાભાગની કૃષિ બજારોમાં ઘઉંના માલોની અછત વર્તાઈ રહી છે. સરકારે ગરીબ વર્ગને ઘઉંનો જથ્થો આપવાનો પણ બંધ કર્યો છે. ફ્લોર મિલરો પાસે ઘઉંનો સ્ટોક ઓછો હોવાના સંકેતો છે. ગયા વર્ષ દરમ્યાન ઘઉંના ભાવોમાં સરેરાશ ૧૬ ટકાનો અને આટાના ભાવોમાં ૧૯ ટકાનો વધારો જોવા મળ્યો છે. જોકે આ વર્ષે રવિ સીઝનમાં ઘઉંના વાવેતરમાં સરેરાશ દોઢેક ટકાનો વધારો થયો હોવાથી ઉત્પાદન પણ લક્ષ્ય પ્રમાણે રહેશે તેવી ધારણા છે. સરકારે પોતાની પાસે રહેલો ઘઉંનો સ્ટોક હજુ સુધી ખુલ્લા બજારમાં વેચાણ અર્થે નહિ કરતાં આ મહિનાની શરૂઆતથી ઘઉંના બજારમાં અનેક તર્કવિર્તક સાથે ભાવો સતત ઉછળી રહ્યા છે.

બીજી તરફ તેલીબીયાંમાં પણ આત્મનિર્ભર બનવા સરકારે કવાયત કરતાં આ વર્ષે તેલીબીયાંના પાકોનું વાવેતરમાં નોંધપાત્ર વધારો થયો છે. તેલીબીયાંના પાકોમાં ખેડૂતોને સારા ભાવો મળે તે હેતુથી આગામી નવા બજેટમાં ફુડ પામ ઓઈલ ઉપર ૫ થી માંડીને ૭.૫ ટકા સુધી ડયુટી સરકાર વધારે તેવી ગણત્રી છે. હાલમાં ૧૨.૫ ટકા કસ્ટમ ડયુટી છે. દેશની ખાદ્યતેલોની જરૂરિયાત પૂર્ણ કરવામાં હાલમાં ૬૦ ટકા જથ્થો આયાત કરવો પડી રહ્યો છે. ઈન્ડોનેશિયા તથા મલેશિયા જેવા દેશોમાં પામ તેલની આયાત મોટે પાયે થાય છે. જ્યારે સોયા ઓઈલ આર્જેન્ટીના, બ્રાઝીલ તથા અમેરિકાથી અને સનફ્લાવરની આયાત રશિયા, યુક્રેન જેવા જેવા દેશોમાંથી થાય છે. દેશમાં પામ ઓઈલ ૬૦ ટકા, સોયાબીન ૨૫ ટકા અને સનફ્લાવર ૧૨ થી ૧૫ ટકા આયાત થાય છે.

આગામી બજેટમાં કપાસ તથા ખાંડ ઈન્ડસ્ટ્રીઝ પણ રાહત માટે સરકાર સમક્ષ માગણીઓની રજૂઆતો થઈ છે. કપાસ ઉપર લાગતી ઈમ્પોર્ટ ડયુટી રદ કરવાની અને રેમિશન ઓફ ટેક્સ ઓન એક્સપોર્ટ સ્કીમનો અમલ કરવાની સાથે સાથે હેજીંગ માટે વિશેષ પ્લેટફોર્મની સગવડ અને વિદેશમાં વાયદાની ફ્રી ટ્રેડીંગની સુવિધા આપવાની પણ રજૂઆતો ઉઠી છે. 

ખાડ ઉદ્યોગ પણ ઉપરોક્ત રેમિશન સ્કીમ (RODTEP)  લાગુ કરવાની તથા ટેકાના ભાવોમાં વધારો કરવાની માંગ કરી છે. છેલ્લે ૨૦૧૯ માં ભાવોમાં વધારો કર્યો હતો. આ ઉપરાંત ઈથોનોલ ઉત્પાદન ઉપર મિલોને આર્થિક સહાય આપવાની પણ રજૂઆત થઈ છે.મસાલા બજારમાં જીરૂ સૌથી ટોપ ઉપર રહેવાની સાથે બજાર ૩૩૦૦૦ ની સપાટી કુદાવી લાલચોળ તેજી સાથે ટોક ઓફ માર્કેટ રહ્યું છે.


Gujarat