- બુલિયન બિટ્સ-દિનેશ પારેખ
- અમેરિકામાં આ સપ્તાહમાં જાહેર થનારા વ્યાજ દરમાં ઘટાડા પર ખેલાડીઓની નજર: નવા વર્ષમાં ભાવ 5000 ડોલર થવાની શક્યતા: જે.પી. મોર્ગન
દેશના ઝવેરીબજારોમાં તાજેતરમાં ધનતેરસ તથા દિવાળી ટાંણે સોના તથા ચાંદીના ભાવમાં રેકોર્ડ તેજીને બ્રેક વાગી હતી તથા બજાર ભાવ ટોચ પરથી ઝડપી ગબડતાં તહેવારો ટાંણે રહેતી મોસમી માગ અપેક્ષાથી વધુ જોવા મળી હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. દિવાળી પૂર્વે ઝવેરીબજારોમાં રેકોર્ડ તેજી જોવા મળી હતી એ દરમિયાન કિંમતી ધાતુઓના ભાવમાં રોજેરોજ નવી ઉંચી સપાટી જોવા મળતી હતી એ વખતે ઝવેરીબજારમાં જાણકારો એવી ભીતી બતાવતા હતા કે ધનતેરસ તથા દિવાળીમાં રહેતી માગને અસર પડશે. જોકે ત્યારબાદ દિવાળીના દિવસો પૂર્વે ઝવેરીબજારમાં તેજી અટકી ઝડપી પ્રત્યાઘાતી ઘટાડો જોવા મળતાં ધનતેરસ તથા દિવાળી દરમિયાન ઝવેરીબજારોમાં મોસમી તથા પરંપરાગત માગ અપેક્ષાથી વધુ જોવા મળી હતી એવું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. જોકે દિવાળીના તહેવારો હવે પુરા થઈ ગયા છે તથા હવે આગળ ઉપર શરૂ થનારી લગ્નસરાની મોસમ પર ઝવેરીબજારોના ખેલાડીઓની નજર રહી છે. આ વર્ષે તહેવારોમાં જોકે ભાવ ઊંચા રહેતાં સોનામાં ઓછા વજનના તથા ઓછા કેરેટના માલોમાં વિશેષમાગ જોવા મળી હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. હવે લગ્નસરાની મોસમમાં ઝવેરીબજારોમાં ભાવ સપાટી કેવી રહે છે તેના પર બજારની નજર રહી છે.
દરમિયાન, ઝવેરીબજારોના જાણકારોના જણાવ્યા મુજબ વિશ્વબજારમાં તાજેતરમાં સોના- ચાંદીના ભાવ રેકોર્ડ તેજી વચ્ચે નવા ઉંચા મથાળાને આંબી ગયા પછી ઝડપી નીચા આવતાં તેના પગલે ઘરઆંગણે આયાત થતી કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ પણ વધતી અટકી ઝડપી નીચી ઉતરતાં દેશના ઝવેરીબજારોમાં કિંમતી ધાતુઓના ભાવ ટોચ પરથી ઝડપી ગબડી ઉંધા માથે પટકાયા હોય એવી સ્થિતિ જોવા મળી હતી. વિશ્વબજાર ઘટતાં તથાં ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવ વધ્યા મથાળેથી ઘટાડા પર રહેતાં આયાતી કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ દબાણ હેઠળ દેખાઈ હતી એવું જાણકારો જણાવી રહ્યા હતા. મુંબઈ બુલીયન બજારમાં સોનાના ભાવ ઉંચા મથાળેથી આશરે રૂ.પાંચ હજાર તૂટયા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ ઉંચા મથાળેથી કિલોદીઠ રૂ.૧૦થી ૧૫ હજાર જેટલા ગબડતાં તથા ટૂંકા ગાળામાં આવી મોટો ઘટાડો આવતાં તેજી પછી તાજેતરમાં ટૂંકા ગાળામાં જોવા મળેલા મોટા ભાવે ઘટાડાએ પણ રેકોર્ડ બનાવ્યો હોવાનું બજારના એનાલીસ્ટોએ જણાવ્યું હતું. દરમિયાન, વિશ્વબજારમાં સોનાના ભાવ તાજેતરમાં ઉછળી ઉંચામાં ઔંશદીઠ ૪૩૭૦થી ૪૩૭૫ ડોલર થઈ ગયા હતા અને આ ભાવના કારણે તેજીનો નવો રેકોર્ડ સર્જાયો હતો. જોકે ત્યારબાદ સોનાના વૈશ્વિક ભાવ ઉંચી ટોચ પરથી આશરે ૩૭૦થી ૩૭૫ ડોલર ગબડી નીચામાં ભાવ ૪૦૦૦ ડોલરની સપાટી નજીક પહોંચી ગયા ગતા અને ત્યારબાદ ભાવ ફરી ઉંચકાઈ ૪૧૪૫થી ૪૧૫૦ ડોલર સુધી પણ ક્વોટ થતા જોવા મળ્યા હતા. વિશ્વબજારમાં ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ વધતાં વૈશ્વિક સોનામાં ઉંચા મથાળે ફંડોની નફારૂપી વેચવાલી વધ્યાના વાવડ મળ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં સોના પાછળ ચાંદીના ભાવમાં પણ રેકોર્ડ તેજી પછી રેકોર્ડ ઘટાડો પણ નોંધાયાના વાવડ મળ્ય ાહતા. વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના ઉંચામાં ૫૩ ડોલર નજીક પહોંચી જતાં ૧૯૮૦ પછી નવી ટોચ દેખાઈ હતી પરંતુ ત્યારબાદ ભાવ ટોચ પરથી ઝડપી તૂટી નીચામાં ૫૦ ડોલરની અંદર ઉતરી ભાવ ૪૭.૫૦થી ૪૭.૬૦ ડોલર થઈ ગયા હતા અને ત્યાર પછી ભાવ ફરી વધી ૪૮.૭૫થી ૪૮.૮૦ ડોલર રહ્યાના સમાચાર આવ્યા હતા. વિશ્વબજાર પાછળ દેશના ઝવેરીબજારોમાં પણ તેજીના વળતા પાણી જોવા મળ્યા હતા. મુંબઈ બુલીયન બજારમાં તાજેતરમાં સોનાના ભાવ તૂટી નીચામાં ૧૦ ગ્રામના જીએસટી વગર રૂ.૧૨૩૦૦૦ની અંદર જતા રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ ઘટી કિલોદીઠ જીએસટી વગર નીચામાં રૂ.૧૫૨૦૦૦ની અંદર ઉતરી ગયા હતા. મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં અન્ય કિંમતી ધાતુઓના ભાવ પણ વધ્યા પછી ગબડતા જોવા મળ્યા હતા. વૈશ્વિક પ્લેટીનમના ભાવ ઔંશના ૧૬૬૫થી ૧૬૭૦ ડોલર સુધી જતા રહ્યા હતા તથા ત્યારબાદ ભાવ ઘટી નીચામાં ૧૫૦૦ ડોલરની અંદર પણ ટ્રેડ થતા દેખાયા હતા. વૈશ્વિક પેલેડીયમના ભાવ ઉંચામાં રૂ.૧૫૦૦ ડોલરની સપાટી પાર કરી ગયા પછી નીચામાં ૧૪૦૦ ડોલરની અંદર જતા રહ્યા હતા.
દરમિયાન, ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ વધી ઉંચામાં ૯૯ની સપાટી કુદાવી ગયો હતો જ્યારે મુંબઈ કરન્સી બજારમાં ડોલરના ભાવ વધ્યા મથાળેથી ઘટી રૂ.૮૮ની અંદર ઉતર્યા હતા. અમેરિકામાં હવે ૨૮ તથા ૨૯ ઓક્ટોબરે મળનારી ફેડરલ રિઝર્વની મિટિંગ પર વિશ્વબજારની નજર રહી છે. આ મિટિંગમાં ત્યાં વ્યાજના દરમાં વધુ ઘટાડો કરવામાં આવશે એવી શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. ત્યાં વ્યાજના દર ઘટશે તો વૈશ્વિક ડોલરનો ઈન્ડેક્સ ફરી નીચો ઉતરશે અને વૈશ્વિક સોનાના ભાવ ફરી ઉંચા જશે એવી ગણતરી પણ બજારનો અમુક વર્ગ બતાવી રહ્યો હતો. દરમિયાન, અમેરિકામાં બેરોજગારીના દાવા વધ્યા છે. ચીન તથા અમેરિકા વચ્ચે વેપાર વિષયક તણાવ તાજેતરમાં વધ્યો છે ત્યારે ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર કરાર પર પણ ખેલાડીઓની નજર રહી હતી. અમેરિકાએ એશિયાના ક્રૂડ ઓઈલ પર નવા અંકુશો તાજેતરમાં જાહેર કરતાં વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવમાં ઝડપી ૫થી ૬ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો અને તેના પગલે વિશ્વબજારમાં સોનાના ભાવ પ્રત્યાઘાતી આંચકાને પચાવી ફરી ઉંચા જતા જોવા મળ્યા હતા. બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ વધી બેરલના ઉંચામાં ૬૬ ડોલર ઉપર ગયા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવમાં તાજેતરમાં જોવા મળેલા મોટા કડાકામાં છેલ્લા ૧૨ વર્ષનો રેકોર્ડ તૂટયો હતો અને ત્યારબાદ ભાવ ફરી બાઉન્સ બેક થતા પણ જોવા મળ્યા હતા. ચાંદીના ભાવમાં તાજેતરમાં જોવા મળેલો પ્રત્યાઘાતી ઘટાડો છેલ્લે ૨૦૨૧માં આટલા મોટા પ્રમાણમાં નોંધાયો હતો. વૈશ્વિક સોના- ચાંદીના ભાવ ટોચ પરથી ૬થી ૮ ટકા તાજેતરમાં તૂટી ગયા હતા. જોકે જે.પી. મોર્ગનના જણાવ્યા મુજબ ૨૦૨૬ના નવા વર્ષમાં સોનાના ભાવ ફરી વધી ઉંચામાં ૫૦૦૦ ડોલર ઉપર જવાની શક્યતા જણાય છે.


