દેશના ઝવેરીબજારમાં તાજેતરમાં હોળી- ધુળેટી પૂર્વે સોના- ચાંદીના ભાવ બેતરફી વધઘટ વચ્ચે એકંદરે ઉંચા જતા જોવા મળ્યા હતા. સામાન્યપણે હોળી પૂર્વે કમુરતાના માહોલમાં ઝવેરીબજારોમાં માગ ધીમી પડતી હોય છે. પરંતુ તાજેતરમાં વિશ્વબજારમાં કિંમતી ધાતુઓના ભાવ આંચકા પચાવી ફરી વધી ગયાના સમાચાર વચ્ચે ઘરઆંગણાના બજારોમાં પણ સોના- ચાંદી ઉપરાંત પ્લેટીનમના ભાવમાં પણ ફરી આગેકૂચ દેખાઈ હતી. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ઉછળી ઉંચામાં એક તબક્કે ૫૨૪૫થી ૫૨૫૦ ડોલર સુધી પહોંચી ગયાના સમાચાર તાજેતરમાં દરીયાપારથી મળ્યા હતા. વિશ્વબજારમાં વધતા ઘરઆંગણે કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં હોળી- ધૂળેટી પૂર્વે ઝવેરીબજારોમાં ભાવ ઉંચા જતા જોવા મળ્યા હતા.
અમદાવાદ ઝવેરીબજારોમાં સોનાના ભાવ વધી ઉંચામાં ૧૦ ગ્રામના રૂ.૧૬૫૦૦૦ નજીક પહોંચી ગયા હતા. અમદાવાદ ચાંદીના ભાવ વધી કિલોના રૂ.૨૬૦૦૦૦ બોલાયા હતા. વિશ્વબજારમાં ચાંદીના ભાવ વધી ઔંશના ઉંચામાં ૯૨ ડોલરની સપાટી કુદાવી ગયાના સમાચાર મળ્યા હતા. વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરના ગ્લોબલ ઈન્ડેક્સમાં તાજેતરમાં બેતરફી વધઘટ દેખાઈ હતી અને ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ૯૭થી ૯૮ વચ્ચે ફરતો જોવા મળ્યો હતો અને તેના પગલે વૈશ્વિક સોનામાં ફંડોની સક્રિયતા વધ્યાના વાવડ મળ્યા હતા. જોકે વિશ્વબજારમાં કિંમતી ધાતુઓમાં ઉછાળા આવી રહ્યા હતા પરંતુ આવા ઉછાળાઓ અલ્પજીવી તથા ઉભરા જેવા આવી રહ્યા હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું.
વિશ્વબજારમાં સોનાના ભાવ ઉંચા મથાળેથી આશરે ૧૦૦ ડોલર ઘટયાના નિર્દેશો મળ્યા હતા. જ્યારે વૈશ્વિક ચાંદીના ભાવ જે ઉંચામાં ઔંશના ૯૧ ડોલર ઉપર ગયા હતા તે ત્યારબાદ ઉંચા મથાળેથી પ્રત્યાઘાતી ઘટી નીચામાં ૮૫.૯૫ ડોલર સુધી પણ ટ્રેડ થતા જોવા મળ્યા હતા. જો કે ત્યારબાદ વિતેલા સપ્તાહના ઉત્તરાર્ધમાં સોના-ચાંદીના ભાવ ફરી ઉછળતા જોવા મળ્યા હતા.


