- ખેડૂતો જરૂરિયાત કરતા વધુ ખરીદી કરતા જોવા મળ્યા : દેશમાં હાલ વિવિધ ખાતરનો કુલ સ્ટોક 180 લાખ ટનનો મનાય છે
ઈરાન-ઈઝરાયલ-અમેરિકા વોરના માહોલમાં દેશ-વિદેશના વિવિધ બજારો પર તથા ઉદ્યોગો પર અસર જોવા મળી છે. કૃષી ક્ષેત્રે અનિવાર્ય ગણાતા વિવિધ ફર્ટીલાઈઝર્સના પુરવઠા પર પણ ની અસર દેખાઈ છે. દરમિયાન, ભારતમાં ફર્ટીલાઈઝર્સનો સ્ટોક હાલ આશરે ૧૮૦ લાખ ટનનો મનાઈ રહ્યો છે. જો કે કૃષી ક્ષેત્રના જાણકારોના જણાવ્યા મુજબ જૂન મહિનાથી શરૂ થનારી આગામી ખરીફ મોસમમાં ભારતમાં વિવિધ ખાતરોની કુલ જરૂરિયાત આશરે ૩૯૦ લાખ ટનની મનાઈ રહી છે. આમ સપ્લાય ડેફીસીટ જણાઈ રહી છે તથા આવી સપ્લાય ડેફીસીટ એપ્રિલ તથા મે મહિનામાં સરભર કરવા પ્રયત્નો શરૂ થયા છે. ગયા વર્ષે આ સમયે દેશમાં વિવિધ ખાતરનો કુલ સ્ટોક ૧૪૭ લાખ ટનનો હતો તથા પાછલી ખરીફ મોસમમાં દેશમાં વિવિધ ખાતરની કુલ માગ આશરે ૩૬૧ લાખ ટનની નોંધાઈ હતી. આગામી ખરીફ મોસમમાં કૃષી ક્ષેત્રે આશરે ૩૯૦ લાખ ટનના વિવિધ ખાતરની માગ ઊભી થવાની ગણતરી જાણકારો બતાવતા હતા. ૨૦૨૫ની ખરીફ મોસમમાં ખાતરનું કુલ વેંચાણ ૩૬૧ લાખ ટન થયું હતું. દેશમાં ગયા વર્ષ કરતાં આ વર્ષે ખાતરનો સ્ટોક વધુ રહ્યો હોવાનો દાવો ફર્ટીલાઈઝર્સ મિનિસ્ટ્રી કરી રહી છે. ભારતમાં ખાતર ક્ષેત્રે યુરિયાની જે કુલ માગ રહે છે એ પૈકી ૩૦ ટકા મમાગ વેસ્ટ એશિયામાંથી આવતો પુરવઠો પુરી કરે છે તથા ડાય-એમોનિયમ ફોસ્ફેટ (ડીએપી)માં આવી ટકાવારી ૩૦ ટકા અને લીકવીડ નેચરલ ગેસ એલએનજીમાં આવી ટકાવારી આશરે ૫૦ ટકા જેટલી રહી છે. ખાતર ઉત્પાદનમાં આ ચીજો મૂળભૂત જરૂરિયાતોની રહી છે. વેસ્ટ એશિયામાં યુદ્ધનો માહોલ હોતાં હવે ભારતમાં રશિયા, મોરોક્કો, ઈન્ડોનેશિયા વિ. ખાતેથી આવું ખાતર મેળવવાના પ્રયત્નો સરકાર દ્વારા શરૂ કરાયાના વાવડ મળ્યા છે.
દરમિયાન, ખાતર સપ્લાયની ડેફીસીટ સરભર કરવા એમોનિયમ ફોસ્ફેટ, ટ્રીપલ સુપર ફોસ્ફેટ તથા સિંગલ સુપર ફોસ્ફેટ વિ. વિકલ્પ સ્વરૂપના ખાતરનો વપરાશ વધારવા પણ પ્રયત્નો શરૂ કરાયા છે. રશિયા, મોરોક્કો, ઓસ્ટ્રેલિયા, ઈન્ડોનેશિયા, મલેશિયા, જોર્ડન, કેનેડા, અલ્જીરીયા, ઈજીપ્ત, ટોગો વિ. દેશોમાંથી ભારતમાં ખાતરની ઈમ્પોર્ટ વધારવાના પ્રયત્નો પણ શરૂ કરાશે એવા સંકેતો મળ્યા હતા. દરમિયાન યુરીયાનું ઉત્દન કરતા અમુક ઉત્પાદક એકમોમાં તાજેતરમાં મેન્ટેનન્સના કારણે ઉત્પાદન ઘટયું હતું પરંતુ હવે આવી મેન્ટેનન્સની કામગીરી પૂરી થતાં હવે આવા ઉત્પાદક એકમોમાં યુરિયાનું ઉત્પાદન ફરી વધવાની આશા જાણકારો બતાવી રહ્યા હતા. દરમિયાન, ફર્ટીલાઈઝરનું ઉત્પાદન કરતા એકમોને ગેસની સપ્લાય જે તાજેતરમાં ઘટી હતી તે હવે ફરી વધી હોવાના વાવડ પણ મળ્યા હતા. જો કે ગેસના ભાવ વધતાં ખાતર ઉત્પાદનનો ખર્ચ વધ્યો છે. ફર્ટીલાઈઝર ઉત્પાદકોને સલ્ફરનો વધુ પુરવઠો પુરો પાડવા ઘરઆંગણાની રિફાઈનરીઓને જણાવ્યું છે. દરમિયાન વોરના માહોલમાં દેશના ખેડૂતો દ્વારા જરૂરિયાત કરતાં વધુ પ્રમાણમાં વિવિધ ફર્ટીલાઈઝર્સની ખરીદી કરતા થયાના વાવડ પણ મળ્યા છે. અંદાજીત માગ કરતાં વેંચાણ તાજેતરમાં વધુ થયાના નિર્દેશો મળ્યા છે. ૨૮ ફેબુ્રઆરીથી ૨૩ માર્ચ વચ્ચેના ગાળામાં દેશમાં યુરિયાનું વેંચાણ ૨૦થી ૨૧ લાખ ટન થયું છે જે ગયા વર્ષે માર્ચમાં ૧૬થી ૧૭ લાખ ટન થયું હતું. ડાયએમોનિયમ ફોસ્ફેટ તથા મુરીઅટ ઓફ પોટાશના સંદર્ભમાં પણ આ વર્ષે આ ગાળામાં અપેક્ષીત માગ કરતાં વેંચાણમાં નોંધપાત્ર વૃદ્ધી જોવા મળી છે. વિવિધ ફર્ટીલાઈઝર્સની ઉંચી માગ વિશેષરૂપે તેલંગણા, મધ્ય-પ્રદેશ, ઉત્તર-પ્રદેશ તથા મહારાષ્ટ્રમાં નોંધાઈ છે.


