- ઘઉંનો નવો પાક વધી 1210 લાખ ટનનો રેકોર્ડ સર્જશે એવી આશા
દેશમાં અનાજ બજાર તથા વિશેષરૂપે ઘઉં બજારમાં તાજેતરમાં સમીકરણો ઝડપથી બદલાતા જોવા મળ્યા છે. સરકારે આ પૂર્વવે ઘઉં તથા ઘઉંના ઉત્પાદનો માટે નિકાસ છૂટ આપી છે પરંતુ આવી નિકાસછૂટ અપાયા પછી તુરંત અમેરિકા-ઈરાન-ઈઝરાયલનું યુદ્ધ શરૂ થતાં તથા તાજેતરમાં આ યુદ્ધનો વ્યાપ મધ્ય-પૂર્વના દેશો સુધી ફેલાતાં હાલ તુરત નિકાસ વિષયક પ્રગતી રુંધાઈ હોવાનું અનાજ બજારના જાણકારો જણાવી રહ્યા હતા. દરમિયાન, ભારતે ઘઉંની નિકાસ પર છેલ્લા આશરે ચાર વર્ષ સુધી પ્રતિબંધ લાદયા પછી તાજેતરમાં ૨૫ લાખ ટન ઘઉંની નિકાસ કરવાની છૂટ આપી હતી તથા ઘઉંના ઉત્પાદનોની પણ નિકાસ કરવાની છૂટ આપી હતી. જોકે હવે વૈશ્વિક સ્તરે યુદ્ધ સમાપ્ત થશે પછી નિકાસ બજારમાં ચહલ પહલ ફરી શરૂ થશે એવી શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. દરમિયાન, ભારતમાં ઘઉંનો પાક વર્તમાન પાક વર્ષ (જુલાઈથી જૂન)માં આશરે ૧૨૦૦ લાખ ટન આવવાની શક્યતા બતાવાઈ છે. સરકારી લક્ષ્યાંક ૧૧૯૦ લાખ ટનનો છે અને હકીકતમાં ઘઉંનો પાકઆ લક્ષ્યાંકથી વધુ આવવાની આશા જાણકારો બતાવી રહ્યા છે. આ વર્ષે ઘઉંના વાવતેરનો વિસ્તાર વધ્યો છે તથા હવામાન પણ સાનુકૂળ રહ્યું હોવાથી મોટા-બમ્પર પાકની આશા વધી છે. ઘઉંના પાક માટે ડિજીટલ સર્વે તથા મેન્યુઅલ સર્વેમાં બન્ને પ્રકારના સર્વેમાં ઘઉંના પાકનો અંદાજ ૧૨૦૦ લાખ ટનનો મૂકવામાં આવ્યો છે. ઘઉં ઉત્પાદક વિવિધ રાજ્યોમાંથી પણ આ અંદાજને સમર્થન આપતા પ્રતિભાવો મળી રહ્યા હોવાનું બજારના તજજ્ઞાો જણાવી રહ્યા હતા.
દેશમાં ૨૦૨૪-૨૫ના પાક વર્ષમાં ઘઉંનો પાક ૧૧૭૭થી ૧૧૭૮ લાખ ટન આસપાસ થયો હતો તે હવે ૨૦૨૫-૨૬ના પાક વર્ષમાં વધી રેકોર્ડ ૧૨૦૦ લાખ ટન થવાની ગણતરી બતાવાતી થઈ છે. દરમિયાન, ઘઉંનો વૈશ્વિક પાક આ વર્ષે આશરે ત્રણ ટકા ઘટી આશરે ૮૧ કરોડ ટન થવાની શક્યતા ધી ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન દ્વારા તાજેતરમાં દર્શાવાઈ હતી. વૈશ્વિક સ્તરે ઘઉંના વાવેતરનો વિસ્તાર ઘટયો છે જ્યારે ભારતમાં વાવેતરનો વિસ્તાર વધ્યો છે એ જોતાં ભારતમાં ઉત્પાદન વધતાં ભારતના ઘઉંની વિશ્વ બજારમાં નિકાસ વધવાની આશા અનાજ બજારના જાણકારો બતાવી રહ્યા હતા. જોકે યુદ્ધ સમાપ્તી ક્યારે થાય છે તેના પર અનાજ બજારના નિકાસકારોની નજર રહી છે.
દરમિયાન, કૃષી મંત્રાલય દ્વારા તાજેતરમાં રજૂ કરવામાં આવેલા નવા અંદાજ મુજબ દેશમાં ઘઉંનો નવો પાક આ વર્ષે વધી ૧૨૦૨થી ૧૨૦૩ લાખ ટન આવવાની શક્યતા છે. ચણાનો પાક ૧૧૭થી ૧૧૮ લાખ ટન થવાનો અંદાજ છે. ચણાનો પાક પાછલા વર્ષે ૧૧૧થી ૧૧૨ લાખ ટન થયો હતો.


