Get The App

ચાની નિકાસમાં વૃદ્ધિ છતાં ઊદ્યોગ સામે વિવિધ પડકારો

Updated: Feb 22nd, 2026

GS TEAM

Google News
Google News
ચાની નિકાસમાં વૃદ્ધિ છતાં ઊદ્યોગ સામે વિવિધ પડકારો 1 - image

- ચામાં ભાવ વૃદ્ધિની સરખામણીએ ઉત્પાદન ખર્ચમાં થયેલી વધુ વૃદ્ધિ

ભારતની ચા બજાર તથા ઉદ્યોગ ક્ષેત્રે પ્રવાહો પલટાતા જોવા મળ્યા છે. ભારતની ચામાં ચીન, ઈરાક તથા યુનાઈટેડ આરબ અમિરાતના યુએઈના દેશોની માગ વધતાં ૨૦૨૫ના વર્ષમાં ભારત ખાતેથી ચાની કુલ નિકાસ વધી ૨૮ કરોડ  કિલોની રેકોર્ડ સપાટીએ પહોંચી હતી. ભારત ખાતેથી વિશેષરૂપે આસામ ઓર્થોડેક્સ ચાની નિકાસમાં  નોંધપાત્ર વૃદ્ધી દેખાઈ છે. જોકે નિકાસમાં વૃદ્ધી સામે ભારતના ચા ઉદ્યોગ સામે વિવિધ પડકારો પણ ઊભા થયા છે. ચાના બગીચાઓમાં કામ કરતા શ્રમજીવીઓના સંદર્ભમાં લેબર કોસ્ટ ઊંચી ગઈ છે તથા વિવિધ ઈનપુટ ખર્ચાઓ વધતાં કુલ ઉત્પાદન ખર્ચ વધી ગયો છે. કલાઈમેટ ચેન્જની અસર ઉત્પાદન પર પડતી પણ જોવા મળી છે. ચાની કુલ નિકાસ ૨૦૨૫માં ૨૮૦૪થી ૨૮૦૫ લાખ કિલો થઈ છે.

૨૦૨૪-૨૫ના નાણાં  વર્ષમાં દેશમાંથી ચાની કુલ નિકાસ આશરે ૨.૮૫ ટકા જેટલી વધી છે. આ ગાળામાં ઉત્તર-ભારતની ચાની નિકાસમાં ૮.૧૫ ટકાની વૃદ્ધી થઈ હતી જ્યારે સામે દક્ષિણ ભારતની ચાની નિકાસમાં પીછેહટ પણ દેખાઈ હતી. આસામની રાજ્ય સરકાર ત્યાંના ચા ઉદ્યોગને નોંધપાત્ર પીઠબળ આપી રહી છે.  તથા ત્યાં ઓર્થોડોક્સ ચાનું ઉત્પાદન વધારવા સરકારે પ્રોત્સાહન પણ વધાર્યું હોવાના સમાચાર મળ્યા હતા. ત્યાંથી ચાની નિકાસમાં ૪૦૦ લાખ કિલોની વૃદ્ધી થયાના વાવડ મળ્યા હતા. દરમિયાન, ચામાં ઉત્પાદન ખર્ચ વધતાં ઉદ્યોગ સામે પડકારો પણ વધ્યા છે. ચાના ઘણા બગીચાવાળાઓ ઉત્પાદન કોસ્ટ કરતા ઓછા ભાવોએ ચાનું વેંચાણ કરી રહ્યાના વાવડ પણ વહેતા થતાં બજારમાં અજંપો પણ વધ્યો છે.

ચાના કુલ ઉત્પાદન ખર્ચમાં ચાના બગીચાઓમાં કામ કરતા ખેતમજૂરોના વેતનની ટકાવારી વધી આશરે ૬૦ ટકા થઈ ગઈ છે. ચા ઉપરાંત ફર્ટીલાઈઝર્સ. કોલસો, જંતુનાશક દવાઓ, ઈલેક્ટ્રીસિટી વિ.નો ખર્ચ પણ વધ્યો છે. ચાના એક કિલોના કોસ્ટીંગમાં પાવર (ઉર્જા)નો ખર્ચ વધી આશરે રૂ.૧૦થી ૧૧ (કિલોદીઠ) થઈ ગયો છે. ચાના ભાવમાં વૃદ્ધીની સરખામણીએ ઉત્પાદન ખર્ચમા વૃદ્ધી વધુ ઉંચી થઈ છે. ચાના બગીચાઓમાં મોસમ દરમિયાન શ્રમજીવીઓની અછત પણ  વધતી જોવા મળી છે. આ ઉપરાંત અનિયમિત વરસાદ તથા તાપમાનમાં વૃદ્ધી તેમ જ જીવાતના ઉપદ્રવના કારણે ચાના બગીચાઓમાં પેદાશ તથા ગુણવત્તા પર પણ પ્રતિકૂળ અસર પડી જોવા મળી છે. સસ્તી ચાની ઈમ્પોર્ટ તથા બ્લેન્ડેડ-ચાના લેબલીંગમાં થતી ગેરરીતિઓના કારણે પણ ચા ઉત્પાદકો સામે નવા પડકારો ઊભા થયા છે. વૈશ્વિક સ્તરે ચાના ઉત્પાદક દેશોમાં ભારત બીજા ક્રમાંકે આવે છે જ્યારે ચા ક્ષેત્રે ડાયરેકટ રોજગારી ૧૦ લાખથી વધુ વર્કરો મેળવતા રહ્યા છે.

દરમિયાન, પશ્ચિમ બંગાળમાં ચાના બગીચાઓના માલિકોએ નહિં વપરાતી જમીન પર ટાઉનશીપ, આઈટી પાર્ક, લોજીસ્ટીક હબ વિ. ઊભા કરવાની મંજૂરી આપવા માટે બંગાળ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કર્યાના વાવડ પણ મળ્યા છે. વધતા ખર્ચ તથા વધતા નુકશાનને સરભર કરવા રાજ્ય સરકારે આવી મંજૂરી આપવી જરૂરી છે અને આ માટે  ચાના બગીચાવાળાઓએ બંગાળ સરકારને આવી રજૂઆત કરી હોવાનું ચા બજારના જાણકારો જણાવી રહ્યા હતા. સીટીસીના બદલે ઓર્થોડોક્સ ચાનું ઉત્પાદન વધારવા સરકારે સબસીડી તથા પ્રોત્સાહનો આપવા જરૂરી હોવાનું પણ બજારના સૂત્રોએ જણાવ્યું હતું. બંગાળમાં ડુઅર્સ વિસ્તારમાં ૧૭૮ ચાના બગીચાઓ આવેલ છે. જ્યારે તેરાઈ વિસ્તારમાં ૪૫ બગીચાઓ  તથા દાર્જિંલિંગ વિસ્તારમાં આશરે ૮૪ જેટલા ચાના બગીચાઓ રહ્યો છે. બંગાળમાં આ ક્ષેત્રે  ત્રણ લાખથી વધુ કામદારો રોજીરોટી  મેળવે છે. દરમિયાન, તાજેતરમાં કોચી-કેરળ ખાતે બદલાતા હવામાન વચ્ચે ચાના ઉત્પાદન પર અસર પડતાં ત્યાં યોજાતા કુન્નુર ઓકશનોમાં ચાની સપ્લાય ઓછી રહ્યાના વાવડ મળ્યા હતા. નિલગીરી વિસ્તારમાં ચાના છોડવાઓ પર વિશેષ અસર દેખાઈ હતી. કોચી ઓકશનોમાં ચાના ભાવ વધ્યા છે. ત્યાં તાજેતરમાં ઓકશનોમાં ખાસ કરીને ઓથોડેક્સ ચાના ભાવ ઉંચા જતા જોવા મળ્યા હતા.