Get The App

યુદ્ધના માહોલ વચ્ચે સોના-ચાંદીમાં વિશ્વ બજાર પાછળ બેતરફી અફરાતફરી

Updated: Mar 29th, 2026

GS TEAM

Google News
Google News
યુદ્ધના માહોલ વચ્ચે સોના-ચાંદીમાં વિશ્વ બજાર પાછળ બેતરફી અફરાતફરી 1 - image

- ઊભી બજારે - દિલીપ શાહ

- ક્રૂડતેલ ઉછળતાં તથા ડોલર સામે રૂપિયો ગબડતાં  બજાર પર મિશ્ર અસર દેખાઈ

દેશના ઝવેરી બજારોમાં તાજેતરમાં સોના-ચાંદીના ભાવમાં  બેતરફી ખાસ્સી ઉછળકૂદ દેખાઈ હતી. ઈરાન-ઈઝરાયલ -અમેરિકાના યુદ્ધના માહોલમાં વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં મોટી અફડાતફડી જોવા મળી હતી અને ઘરઆંગણાના ઝવેરી બજારો આવી અનિયમિત વૈશ્વિક ચાલને અનુસરતા જોવા મળ્યા હતા. વિશ્વ બજારમાં  સોનાના ભાવ ઔંસના ૪૪૯૦થી ૪૪૯૫ ડોલરથી તૂટી તાજેતરમાં એક તબક્કે નીચામાં ૪૦૯૯થી ૪૧૦૦ ડોલર સુધી જતા રહ્યા હતા તે ભાવ ત્યારબાદ ફરી ઉછળી ઉંચામાં ૪૬૦૦ ડોલરની ઉપર જઈ ૪૫૩૫ ડોલર હતા, એવું વિશ્વ બજારના જાણકારોએ જણાવ્યું હતું. ઈરાન યુદ્ધમાં અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે તાજેતરમાં હંગામી ધોરણે યુદ્ધ વિરામ જાહેર કર્યા પછી ઈરાને આ પ્રશ્ને અમેરિકા સાથે કોઈ વાતચીત થઈ નથી એવું જણાવતાં વિશ્વ બજારના ખેલાડીઓ મુંઝવણમાં મુકાયા હતા.  આના પગલે બુલિયન બજારો ઉપરાંત કરન્સી બજારો તથા ક્રૂડતેલના બજારોમાં પણ બેતરફી વ્યાપક વધઘટ તાજેતરમાં જોવા મળી હતી.  દરમિયાન, વિશ્વ બજાર પાછળ ઘરઆંગણાના ઝવેરી બજારોમાં પણ તાજેતરમાં કિંમતી ધાતુઓના ભાવ તૂટયા પછી  ઝડપથી ફરી ઉછળતા જોવા મળ્યા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં ચાંદીના ભાવ તાજેતરમાં કિલોના એક તબક્કે ઝડપી  તૂટી નીચામાં રૂ.૨૧૫૦૦૦ સુધી જતા રહ્યા હતા તથા મુંબઈ બુલિયન બજારમાં એક તબક્કે ચાંદીના ભાવ નીચામાં જીએસટી વગર રૂ.૨૦૧૫૦૦ સુધી ઉતરી ગયા હતા તથા ચાંદી વાયદા બજારમાં નીચલી સર્કિટ લાગતાં તાજેતરમાં એક તબક્કે નીચામાં ભાવ રૂ.બે લાખની સપાટીની અંદર જતા રહ્યા હતા.  જોકે ત્યારબાદ ચાંદીના ભાવ આંચકા પચાવી નવેસરથી ઉછળતા જોવા મળ્યા હતા.

અમદાવાદ ઝવેરી બજારમાં ચાંદીના ભાવ નીચામાં જે રૂ.૨૧૫૦૦૦ થઈ ગયા હતા તે ઉછળી ઉંચામાં રૂ.૨૪૫૦૦૦ સુધી ટ્રેડ થતા જોવા મળ્યા હતા જ્યારે મુંબઈ બજારમાં જીએસટી વગર ભાવ વધી ચાંદીના રૂ.૨૩૫૦૦૦ સુધી ઉછળ્યા હતા. જીએસટી સ ાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. ચાંદી વાયદાના ભાવ જે નીચામાં રૂ.બે લાખની અંદર જતા રહ્યા હતા તે ત્યારબાદ નીચા મથાળેથી સ્પ્રિંગની જેમ ઉછળ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંસના ૬૭.૯૦થી ૬૭.૯૫ ડોલરથી ગબડી નીચામાં ભાવ ૬૧ ડોલર સુધી તાજેતરમાં ઉતરી ગયા હતા પરંતુ ત્યારબાદ વૈશ્વિક ચાંદીના ભાવ ફરી ઉછળી ઉંચામાં ૭૪.૫૦થી ૭૪.૬૦ ડોલર થઈ ૭૧.૨૫ ડોલર રહ્યાના સમાચાર મળ્યા હતા. દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૪૮૨૦૦થી ૧૪૮૫૦૦ની સપાટી પરથી તૂટી તાજેતરમાં એક તબક્કે નીચામાં ભાવ રૂ.૧૪૦૨૦૦થી ૧૪૦૫૦૦ સુધી જતા રહ્યા હતા પરંતુ ત્યારબાદ ભાવ ફરી ઉછળી ઉંચામાં રૂ.દોઢ લાખને આંબી ગયાના નિર્દેશો મળ્યા હતા. જ્યારે મુંબઈ બુલિયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર જે નીચામાં રૂ.૧૩૪૫૦૦થી ૧૩૫૦૦૦ સુધી ઉતર્યા પછી ઝડપી વધી ઉંચામાં ભાવ રૂ.૧૪૬૦૦૦ની સપાટી ઉપર ટ્રેડ થતા જોવા મળ્યા હતા. ક્રૂડતેલના ભાવમાં પણ તાજેતરમાં બેતરફી ચાલ દેખાઈ હતી. વિશ્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડ તેલના ભાવ બેરલના ઉંચામાં ૧૧૪થી ૧૧૫ ડોલર સુધી ઉછળ્યા પછી નીચામાં ભાવ ૯૬ સુધી જતા રહ્યા હતા અને ત્યારબાદ ભાવ ફરી વધી ઉંચામાં ૧૧૧થી ૧૧૨ ડોલર રહ્યા હતા! યુદ્ધનો માહોલ તથા આવા માહોલમાં અમેરિકા અને ઈરાન દ્વારા કરાતા વિરોધાભાસી નિવેદનો વચ્ચે વિવિધ બજારોમાં વ્યાપક અફડાતફડી જોવા મળી છે તથા બજારના તજજ્ઞાો પણ સ્તબ્ધ બની તમાશો જોતા રહ્યા હતા. મુંબઈ કરન્સી બજારમાં રૂપિયો તૂટતાં ડોલરના ભાવ ઉંચામાં રૂ.૯૫ની ઐતિહાસિક સપાટી નજીક પહોંચી જતાં તેની ઈંમ્પેક્ટ પણ તાજેતરમાં ઝવેરી બજાર પર દેખાઈ હતી તથા ઈંમ્પોર્ટ કોસ્ટ ઉંચે ગઈ હોવાનું બજારના તજજ્ઞાોએ જણાવ્યું હતું.