- ઊભી બજારે - દિલીપ શાહ
- વૈશ્વિક સોનું ઔંસના 5000 ડોલર નજીકઃ આ વર્ષે ભાવ ૬૦૦૦થી ૭૦૦૦ ડોલર થશેઃ લંડન બુલિયન મર્ચન્ટ્સ એસોસીએશને કરેલી આગાહી
દેશના ઝવેરીબજારોમાં તાજેતરમાં રેકોર્ડ બ્રેક તેજી આગળ વધતાં સોના-ચાંદીના ભાવમાં સ્પ્રિંગ જેવા નવા ઉછાળાઓ જોવા મળ્યા હતા. તથા ઝવેરી બજારોમાં રોજેરોજ તેજીનું તોફાન ચાલુ રહેતાં જૂના રેકોર્ડ તોડી બીજા જ દિવસે બજારમાં નવા રેકોર્ડ સર્જાતા પણ જોવા મળ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઝડપથી આગળ વધી ઔંસના ઊંચામાં ૫૦૦૦ ડોલર નજીક પહોંચી જતાં બજારના ખેલાડીઓ અવાક બની ગયા હતા. વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઉછળી ઔંસના ઉંચામાં ૧૦૦ ડોલર તરફ ધસતા જોવા મળ્યા હતા તથા ભાવ ૧૦૦ ડોલરની નજીક પહોંચી ગયા હતા. વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓમાં તોફાની તેજી અવિરત આગળ વધતાં તથા ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયો ગબડતાં તથા રૂપિયાસામે ડોલરના ભાવ ઉછળતાં દેશમાં ઈંમ્પોર્ટ થતી કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટમાં તાજેતરમાં નોંધપાત્ર વૃદ્ધી થઈ હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. આના પગલે દેશના ઝવેરી બજારોમાં તેજીનું તોફાન સતત ચાલુ રહ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. અમદાવાદ ઝવેરી બજારમાં તાજેતરમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ વધુ રૂ.૧૪થી ૧૫ હજાર ઉછળ્યા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં તાજેતરમાં સોનાના ભાવ વધી ઉંચામાં રૂ.૧ લાખ ૬૦ હજારની સપાટીએ પહોંચી જતાં નવો ઈતિહાસ સર્જાયો હતો જ્યારે અમદાવાદ ઝવેરી બજારમાં તાજેતરમાં ચાંદીના ભાવ કિલોના વધુ રૂ.૪૪થી ૪૫ હજાર ઉછળી ઉંચામાં ભાવ રૂ.૩ લાખ પાર કરી રૂ.૩ લાખ ૨૦ હજાર સુધી પહોંચી ગયા હતા! ચાંદીના ભાવ બે લાખથી વધી ત્રણ લાખની જે સફરે ગયા હતા તે સફર બહુ જ ટૂંકાગાળામાં મંઝીલે પહોંચી ગઈ હતી અને ત્યારબાદ પણ અભૂતપૂર્વ તેજી વણથંભી આગળ વધી હતી.
વૈશ્વિક ચાંદીના ભાવ ઔંસના ૯૦ ડોલર આસપાસના મથાળેથી વધુ ઉંચા જઈ ઉંચામાં ભાવ ૯૯ ડોલરની સપાટી કુદાવી ભાવ ૯૯.૩૮ ડોલર સુધી પહોંચી ગયા હતા. ચાંદીમાં ૧૦૦ ડોલરની સપાટી નજીક આવતાં તથા સોનામાં ૫૦૦૦ ડોલરની સપાટી નજીક આવતાં બજારના ખેલાડીઓ અધ્ધર શ્વાસે આ તોફાની ચાલને જોતા જ રહી ગયા એવું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. ઝવેરી બજારોના ઈતિહાસમાં વૈશ્વિક સ્તરે તેમ જ ઘરઆંગણે તેજીનું આવું તોફાન આ પૂર્વે ક્યારે પણ જોવા મળ્યું નથી, એવું બજારના પીઢ ઝવેરીઓએ જણાવ્યું હતું. ૨૦૨૫માં તેજીનું તોફાન શરૂ થયા પછી ૨૦૨૬ના નવા વર્ષમાં પણ આવું તોફાન ઝડપથી આગળ વધતાં જાન્યુઆરીમાં પણ મોટી તેજી નોંધાઈ છે તથા હવે બજારની નજર ભારતના નાણાંપ્રધાન દ્વારા ફેબુ્રઆરીના આરંભમાં રજૂ થનારા કેન્દ્ર સરકારના બજેટ પર રહી છે. દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના ઉછળી ઉંચામાં ભાવ ૨૭૦૦ ડોલર પાર કરી ૨૭૨૧ ડોલર સુધી પહોંચ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ઉંચામાં ૧૯૦૦ ડોલર પાર કરી ગયા હતા. મુંબઈ બુલિયન બજારમાં સોનાના ભાવ વધી જીએસટી વગર ઉંચામાં રૂ.૧ લાખ ૫૫ હજાર સુધી ઉછળ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ વધી જીએસટી વગર કિલોના ઉંચામાં રૂ.૩ લાખ ૨૦ હજાર સુધી જતાં રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. મુંબઈ બજારમાં પ્લેટીનમના ભાવ ઉછળી ૧૦ ગ્રામના જીએસટી વગર રૂ.૮૬થી ૮૭હજારને આંબી ગયા હતા. કોપરના ભાવમાં પણ રેકોર્ડ તેજી આગળ વધતી દેખાઈ હતી. દરમિયાન, લંડન બુલિયન મર્ચન્ટસ એસોસીએશનના જણાવ્યા મુજબ ૨૦૨૬ના નવા વર્ષમાં વિશ્વ બજારમાં સોનાના ભાવ ઉંચામાં ૬૦૦૦થી ૭૦૦૦ ડોલર થવાની શક્યતા છે. જ્યારે વૈશ્વિક ચાંદીના ભાવ ઉંચામાં ૧૦૦ ડોલરની ઉપર જઈ ૧૫૦ ડોલરની પણ ઉપર જવાની શક્યતા છે!વૈશ્વિક પ્લેટીનમના ભાવ વધી નવા વર્ષમાં ઉંચામાં ૩૦૦૦ ડોલર સુધી ઉછળવાની શક્યતા પણ એસોસીએએશનના સૂત્રોએ દર્શાવી હતી તથા પ્લેટીનમના પગલે વિશ્વ બજારમાં પેલેડીયમના ભાવ પણ ઉછળતા જોવા મળશે એવું સૂત્રોએ જણાવ્યું હતું.


