Get The App

કોફીના ભાવમાં ત્રણ મહિનામાં નોંધપાત્ર ઘટાડોઃ વિશ્વ બજારમાં પણ પીછેહટ

Updated: Feb 22nd, 2026

GS TEAM

Google News
Google News
કોફીના ભાવમાં ત્રણ મહિનામાં નોંધપાત્ર ઘટાડોઃ વિશ્વ બજારમાં પણ પીછેહટ 1 - image

- ઊભી બજારે - દિલીપ શાહ

-  અમેરિકા તરફ સ્પેશિયાલીટી કોફી તથા ઈન્સટન્ટ કોફીની નિકાસ વધવાની શક્યતા 

દેશમાં કોફી બજાર તથા ઉદ્યોગ ક્ષેત્રે સમીકરણો તાજેતરના વર્ષોમાં ઝડપથી બદલાતા જોવા મળ્યા છે. જોકે ભારતમાં હજી પણ પરંપરાગત પીણા તરીકે ચાનો વપરાશ વધુ થઈ રહ્યો છે પરંતુ હવે દેશવ્યાપી ધોરણે ખાસ કરીને મોટા શહેરો તથા નગરોમાં વિશેષરૂપે યુવા વર્ગમાં કોફીની માગ વધતી જોવા મળી છે. આ પૂર્વે કોફીનો વપરાશ મુખ્યત્વે દેશના દક્ષિણના રાજ્યોમાં જ વિશેષ જોવા મળતો હતો પરંતુ હવે દેશવ્યાપી ધોરણે શહેરોમાં  કોફીની માગ વધી છે તથા કોફીના વિશિષ્ટ કેન્દ્રો પણ ઊભા થતા રહ્યા છે. દરમિયાન, દેશમાં ૨૦૨૫-૨૬ના પાક વર્ષમાં આરંભથી ખાસ કરીને અરેબીકા કોફીના ભાવ નીચા ઉતરતા જોવા મળ્યા છે તથા આ ગાળામાં અરેબીકા કોફીના ભાવ આશરે ૧૫થી ૨૦ ટકા જેટલા ઘટયાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. દેશમાં કોફીનો પાક વર્ષ નવેમ્બર-૨૦૨૫માં શરૂ થયો હતો. દરમિયાન, એક બાજુ અરેબીકા કોફીના ભાવ તૂટી રહ્યા હતા ત્યારે બીજા તરફ આ ગાળામાં રોબસ્ટા કોફીના ભાવમાં સરખામણીએ ધીમી પીછેહટ જોવા મળી હતી. વિશ્વ બજારના સમાચાર મુજબ બ્રાઝીલમાં અરેબીકા કોફીની સપ્લાયમાં તાજેતરમાં નોંધપાત્ર વૃદ્ધી થયાના વાવડ મળ્યા હતા. વિશ્વ બજારમાં કોફીના ભાવ રતલદીઠ ૩.૭૫ બ્રિટીશ પાઉન્ડથી ઘટી ૩ પાઉન્ડની સપાટીએ ઉતરી ગયા હતા. દરમિયાન, ઘરઆંગણે દક્ષિણ ભારતના ઉત્પાદક મથકોએ અરેબીકા કોફીના ફાર્મગેટ ભાવ ૫૦ કિલોની ગુણીના જે નવેમ્બર ૨૦૨૫માં રૂ.૨૯૦૦૦થી ૨૯૪૦૦ આસપાસ રહ્યા હતા તે ભાવ ત્યાર બાદ ઘટતા રહી તાજેતરમાં નીચામાં રૂ.૨૪૦૦૦ સુધી ટ્રેડ થતા જોવા મળ્યા છે. આજ રીતે અરેબીકા ચેરીના ભાવ આ ગાળામાં રૂ.૧૪૦૦૦થી ૧૫૭૦૦ની સપાટીથી ઘટી નીચામાં તાજેતરમાં રૂ.૧૨૦૦૦ સુધી બોલાતા થયાના વાવડ મળ્યા હતા.

દરમિયાન, કોફીના ભાવ નવી મોસમના આરંભથી ઘટાડા તરફી રહેતાં કોફી ઉગાડતાં પ્લાન્ટર્સને  ખાસ્સો ફટકો પડયો છેૈ. એક બાજુ કોફીના ઉત્પાદન ખર્ચમાં વૃદ્ધી થઈ છે ત્યારે બીજી તરફ બજાર ભાવ નીચા ઉતરતા જોવા મળ્યા છે! આના પગલે કોફીના પ્લાન્ટર્સમાં અજંપો વધ્યો હોવાનું કર્ણાટક પ્લાન્ટર્સ એસોસીએશનના અધ્યક્ષે જણાવ્યું હતું. કોફીના પ્લાન્ટેશનમાં કામ કરતા શ્રમજીવીઓ તથા ખેત મજૂરોના વેતનમાં પણ ખાસ્સી વૃદ્ધી થઈ હોવાનું તેમણે ઉમેર્યું હતું.  અરેબીકા કોફીની મોટાભાગની કાપણી (હાર્વેસ્ટીંગ) પુરી થઈ ગઈ છે તથા રોબસ્ટા કોફીની કાપણી હવે થોડા સપ્તાહમાં પુરી થઈ જવાની ગણતરી જાણકારો બતાવી રહ્યા હતા. બ્રાઝીલમાં કોફીનો પાક ૧૬થી ૧૭ ટકા ઊંચો અંદાજાયો છે. બ્રાઝીલ તથા ભારત ઉપરાંત વિયેતનામ, ઈન્ડોનેશિયા, યુગાન્ડા, ઈથીઓપીયા, સેન્ટ્રલ અમેરિકા વિ. દેશમાં કોફીની  સપ્લાય વધી છે. તથા બજાર ભાવ દબાણ હેઠળ જોવા મળ્યા છે. જો કે ભાવ ઘટતાં કોફીમાં નીચા મથાળે ગ્લોબલ ટ્રેડર્સ તથા રોસ્ટર્સની માગ તથા પૂછપરછો વધતી જોવા મળી છે. નીચા ભાવે કોફી ઉગાડતા પ્લાન્ટર્સની વેચવાલી પણ હવે ઘટયાના વાવડ મળ્યા હતા. કોફીના ઉત્પાદક મથકોને પ્રવર્તતા ભાવ તથા વપરાશી (કન્ઝયુમર) મથકોએ પ્રવર્તતા ભાવ વચ્ચે નોંધપાત્ર તફાવત પણ જોવા મળ્યો છે. 

દરમિયાન, ભારત તથા અમેરિકા વચ્ચે થયેલા વેપાર કરારના પગલે ભારતમાંથી અમેરિકા તરફ સ્પેશિયાલિટી કોફીઝ તથા ઈન્સ્ટન્ટ કોફીની નિકાસમાં વૃદ્ધી થવાની ગણતરી કોફી બજારના જાણકારો જણાવી રહ્યા હતા. આ કરારના પગલે ૨૫ ટકાવાળી ડયુટી ઝીરો થઈ હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. સરકાર હસ્તકના કોફી-બોર્ડના સીઈઓ દ્વારા અમેરિકા દ્વારા કરાયેલા ડયુટી ઘટાડાને આવકાર આપવામાં આવ્યો છે. ભારતથી વિવિધ કોફીની કુલ નિકાસ૨૦૨૫માં આશરે ૩ લાખ ૮૦થી ૮૫ હજાર ટન આસપાસ થઈ હતી. જો કે આ કુલ નિકાસ પૈકી ભારતથી અમેરિકા તરફ કોફીની નિકાસ માત્ર ૧૦ હજાર ૭૦૦થી ૮૦૦ ટનની થઈ હતી!