- ઊભી બજારે - દિલીપ શાહ
- તીરુપુર ક્ષેત્રના નિકાસકારોને રૂ.15 હજાર કરોડના નિકાસ ઓર્ડરો ગુમાવવા પડયાઃ યુએસમાં નાતાલની ખરીદી પણ મોંઘી બનશે
દેશમાં કાપડ ઉદ્યોગ તથા બજારોમાં તાજેતરમાં સમીકરણો બદલાતા જોવા મળ્યા છે. ખાસ કરીને અમેરિકાના પ્રમુખપદે ટ્રમ્પના આગમન બાદ ટેરીફ વિષયક છાશવારે થતા એલાનોના પગલે કાપડ બજારમાં તથા ટેકસટાઈલ અને ગારમેન્ટ ઉદ્યોગમાં અંજપો પણ તાજેતરમાં વધ્યો હોવાનું ટેકસટાઈલ અને ગારમેન્ટ ઉદ્યોગમાં અંજંપો પણ તાજેતરમાં વધ્યો હોવાનું ટેક્સટાઈલ ક્ષેત્રના જાણકારો જણાવી રહ્યા હતા.
આ પૂર્વે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ દ્વારા ભારતના ટેકસટાઈલ ક્ષેત્ર પર ૫૦ ટકા ટેરીફનો બોજ ઝીંકી દેવાયો હતો અને ત્યાર પછીના ગાળામાં અમેરિકાના પ્રમુખ આ પ્રશ્ને રાહત આપશે કે નહિં એ વિશે ઉલ્ટા સુલ્ટી સમાચારો આવતા રહેતાં બજારોમાં મુંઝારો પણ વધ્યાનું જાણકારોએ જણાવ્યું હતું. જોકે આ દરમિયાન ભારતના વેપાર તથા સરકારના પ્રતિનિધિઓ અમેરિકા ગયા હતા તથા અમેરિકાના આગેવાન પ્રતિનિધિઓ ભારત આવ્યા હોવા છતાં આ પ્રશ્ને મડાગાંઠ જેવી સ્થિતિ ચાલુ રહી હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. આ લખાય છે ત્યારે કાપડ બજાર તથા ઉદ્યોગની નજર ભારત તથા અમેરિકા વચ્ચે થનારા વેપાર કરાર પર રહી છે.
દરમિયાન, અમેરિકાની ટેરીફ આ વર્ષે ૨૭ ઓગસ્ટથી લદાયા પછીના ગાળામાં તીરુપુર વિસ્તારના ટેક્સટાઈલ નિકાસકારોને આશરે રૂ.૧૫ હજાર કરોડના નિકાસ ઓર્ડરો ગુમાવવા પડયા હોવાનું આ ક્ષેત્રના તજજ્ઞાો જણાવી રહ્યા હતા. ઉત્પાદન ક્ષમતામાં આશરે ૨૫થી ૩૦ ટકાનો ઘટાડો આ ગાળામાં જોવા મળ્યો છે. આ વર્ષે દિવાળીની રજાઓ પછી આ ક્ષેત્રમાં કામ કરતા બિહાર, ઓરિસ્સા તથા પશ્ચિમ બંગાળના કામદારો ઉદ્યોગમાં ફરી કામ કરવા પાછા આવ્યા નથી એવું કાપડ ઉત્પાદકોના આ ક્ષેત્રના જાણકારોએ જણાવ્યું હતું. આવા માહોલમાં ભારતમાં આ ક્ષેત્રે બેરોજગારી વધવાની તથા અમેરિકામાં કાપડના વપરાશકારોને ઉંચા ભાવ ચૂકવવાનો વારો નવા વર્ષમાં ૨૦૨૬માં આવે એવી ગણતરી તજજ્ઞાો બતાવી રહ્યા હતા.
તીરપુરમાં ઘણાં એવા ઉત્પાદકો છે જેઓ કુલ ઉત્પાદન પૈકી આશરે ૩૦થી ૩૫ ટકા ઉત્પાદનોની નિકાસ અમેરિકા તરફ કરે છે જ્યારે બાકીના ઉત્પાદનો આવા ઉત્પાદકો દ્વારા યુરોપ, જાપાન, ઓસ્ટ્રેલિયા તથા વેસ્ટ એશિયાના દેશો તરફ નિકાસ કરવામાં આવે છે.
ઘણાં આવા ઉત્પાદકો દ્વારા કુલ ઉત્પાદનના ૧૦૦ ટકા નિકાસ અમેરિકા તરફ કરવામાં આવે છે જ્યારે ઘણા એવા પણ ઉત્પાદકો છે જેઓ માટે આવી નિકાસની ટકાવારી આશરે ૨૦થી ૨૫ ટકાની પણ રહી છે. અપેરલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના સૂત્રોના જણાવ્યા મુજબ અમેરિકાના જડ વલણના પગલે નિકાસકારોની દૈનિક ધોરણે સરેરાશ રૂ.૪૫ કરોડનું નુકશાન છેલ્લા આશરે ૩ મહિનાથી થઈ રહ્યું છે. દરમિયાન, ઘણાં ટેક્સટાઈલ નિકાસકારો હવે અમેરિકાના બદલે અન્ય દેશો તરફ પણ નજર દોડાવતા થઈ ગયા છે. જો કે આ બદલાવ માટે ઘણો સમયનિકળી જવાની શક્યતા છે. એવું પીઢ તજજ્ઞાોએ જણાવ્યું હતું. તથા આ ગાળામાં ભારતમાં બેરોજગારી વધવાની શક્યતા પણ ચર્ચાતી રહી છે. અમેરિકાના પ્રમુખે ભારત પર પ્રથમવાર ટેરીફ ઝીંકી ત્યારે ૨૫ ટકા પૈકી ભારતના નિકાસકારો ૧૬ ટકા આવો બોજ સહન કરતા હતા તથા બાકીનો બોજ અમેરિકાના આયાતકારો સહી લેતા હતા.
જોકે ત્યારબાદ ટ્રમ્પે ભારત પર ટેરીફ વધુ વધાર્યા પછી ભારતના નિકાસકારોને ૨૫ ટકા બોજ સહન કરવાનો વારો આવ્યો છે.ઘણાં કલાયન્ટો હવે ઓર્ડરો કેન્સલ કરતા થયા છે, હવે આવા કલાયન્ટો ભારતના બદલે બંગલાદેશ, કમ્બોડિયા, વિયેતનામ વિ. તરફ વળતા થઈ ગયા છે. અમેરિકાના પ્રમુખની આકરી ટેરીફ નીતિના કારણે અમેરિકાના વપરાશકારોએ પણ વધુ ભાવ ચૂકવવાનો વારો આવનાર છે.
હકીકતમાં અમેરિકામાં નાતાલના તહેવારોમાં જ તહેવારોની ખરીદીમાં અ મેરિકાના વપરાશકારો તથા ગ્રાહકોને આવી ભાવ વૃદ્ધીનો સામનો કરવો પડશે એવી સ્થિતિ દેખાઈ રહી છે. ટેકસટાઈલ નિકાસકારોના નફાઓ પર દબાણ પણ વધ્યું છે. વેપાર કરારમાં વિલંબ થશે તો ૨૦૨૬નું નવું વર્ષ અનિશ્ચિતતાઓના માહોલમાં શરૂ થવાની ભીતિ પણ જાણકારો બતાવી રહ્યા છે.
ભારતને થઈ રહેલા વેપાર નુકશાન સામે બંગલાદેશ, વિયેતનામ,શ્રીલંકા, થાઈલેન્ડ વિ. દેશો માટે લાભદાયક માહોલ સર્જાઈ રહ્યાના સંકેતો પણ મળ્યા હતા.


