Get The App

ખાદ્યતેલોમાં ઈમ્પોર્ટ પર આધાર ઘટાડવા હાથ ધરવામાં આવેલી ક્વાયત

Updated: Feb 1st, 2026

GS TEAM

Google News
Google News
ખાદ્યતેલોમાં ઈમ્પોર્ટ પર આધાર ઘટાડવા હાથ ધરવામાં આવેલી ક્વાયત 1 - image

- ઊભી બજારે - દિલીપ શાહ

- આયાત ઘટશે તો વધતી વેપાર ખાધને કાબુમાં રાખી શકાશેઃ તેલંગણામાં પામની ખેતી વધારવા શરૂ કરાયેલા પ્રયત્નો

ભારતમાં નવેમ્બર તથા ડિસેમ્બર ૨૦૨૫ના બે મહિના દરમિયાન, વિવિધ ખાદ્યતેલોની કુલ આયાત ૨૫ લાખ ૧૩થી ૧૪ હજાર ટન જેટલી થઈ હતી જે પૈકી નવેમ્બરમાં આવી આયાત આશરે ૧૧ લાખ ૫૦ થી ૫૧ હજાર ટન તથા ડિસેમ્બરમાં આવી આયાત આશરે ૧૩ લાખ ૬૨થી ૬૩ હજાર ટન આસપાસ થઈ હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.૨૦૨૪માં નવેમ્બર તથા ડિસેમ્બરમાં આવી આયાત કુલ ૨૮ લાખ ૪૩થી ૪૪ હજાર ટન થઈ હતી એ  જોતાં ૨૦૨૫માં આ બે મહિનામાં આવી આયાત ઘટી ૨૫ લાખ ૧૩થી ૧૪ હજાર ટન આસપાસ થઈ છે. આમ આયાત પર આધાર ઘટી રહ્યાના સંકેતો પણ વહેતા થયા છે. દેશમાં ડિસેમ્બરમાં પામતેલની આયાત આશરે સવા લાખ ટન ઘટી પાંચ લાખ ૬થી ૭ હજાર ટન આસપાસ થઈ છે. નવેમ્બરમાં આવી આયાત ૬ લાખ ૩૧થી ૩૨ હજાર ટન નોંધાઈ હતી. દેશના વિવિધ બંદરો ખાતે આયાતી પામતેલનો સ્ટોક ડિસેમ્બર ૨૦૨૫માં આશરે ૧ લાખ ૭૪ હજાર ટન ઘટી સાડા ચાર લાખ ટન આસપાસ નોંધાયો હતો. દરમિયાન, દેશમાં સોયાતેલની ઈમ્પોર્ટ ડિસેમ્બરમાં જો કે વધી ૫ લાખ ૪થી ૫ હજાર ટન જેટલી આવી હતી જે નવેમ્બર ૨૦૨૫માં આશરે ૩ લાખ ૭૦થી ૭૧ હજાર ટન જેટલી નોંધાઈ હતી. આ દરમિયાન, દેશમાં સનફલાવર તેલની ઈમંપોર્ટ પણ વધી હતી. દેશમાં ડિસેમ્બરમાં સનફલાવર તેલની આયાત નવેમ્બરની સરખામણીએ નોંધપાત્ર વધી બમણી થઈ હતી.  સન ફલાવર તેલની આયાત નવેમ્બર ૨૦૨૫માં ૧ લાખ ૪૩ હજાર ટન જેટલી આવી હતી તે ડિસેમ્બરમાં ખાસ્સી વધી ૩ લાખ ૫૦ હજાર ટન જેટલી આવી હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. દરમિયાન, દેશમાં તાજેતરમાં રવિ મોસમમાં  રાયડા-મસ્ટર્ડના વાવેતર હેઠળનો વિસ્તાર આશરે ૨.૭૦થી ૨.૮૦ ટકા જેટલો વધ્યો હોવાના વાવડ મળ્યા હતા.

ભારતની ગણના કૃષી પ્રધાન દેશ તરીકે કરવામાં આવે છે. પરંતુ આઝાદીના આટલા દાયકાઓ વિતી ગયા છતાં પણ હજી ઘણી કૃષી ચીજો માટે આપણે આયાત પર આધાર રાખવો પડે છે એવું કૃષી બજારોના જાણકારો જણાવી રહ્યા હતા. ખાદ્યતેલોના સંદર્ભમાં ઘરઆંગણે માગ કરતાં સ્થાનિક ઉત્પાદન ઓછું હોતાં આપણે દરિયાપારથી વિવિધ ખાદ્યતેલોની   ઈમ્પોર્ટ કરતાં રહ્યા છીએ આ ઉપરાંત દેશમાં વિવિધ કઠોળની ઈમ્પોર્ટ પણ આપણે કરીએ છીએ. જો કે દેશમાં વિવિધ તેલિબિંયાનું ઉત્પાદન ઘરઆંગણે વધારવા તથા આયાતી ખાદ્યતેલોમાં ઈમ્પોર્ટ પરનો આધાર ઘટાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા હવે ગંભીર પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે. અખિલ ભારતીય ખાદ્યતેલ વેપારી મહાસંઘ તેલિબિય તથા ખાદ્યતેલોના ક્ષેત્રમાં આત્મનિર્ભરતા મેળવવા માટે નેશનલ ઓઈલ સીડસ કોન્ફરન્સ-પરિષદનું આયોજન સરકાર દ્વારા દિલ્હી ખાતે કરવામાં આવનાર છે.  ખાદ્યતેલોમાં આપણે આયાત પર આધાર રાખતા હોવાથી આંતરરાષ્ટ્રીય બજારોમાં ભાવોમાં થતી ઊથલપાથલની તાત્કાલિક અસર ભારતના તેલ તથા તેલિબિંયા બજારો પર પડતી જોવા મળે છે. આના પગલે ખાદ્યતેલોનો વપરાશ કરતા ઉપભોક્તાઓને પણ નાહકના પડકારનો સામનો કરવો પડે છે.આયાત પર આધારના પગલે ભારતના વિદેશ વેપારનું સંતુલન પણ જળવાતું નથી તથા દેશમાં વેપાર ખાધ વધતી જોવા મળી છે.

આ પૂર્વે દક્ષિણ ભારતમાં ખાસ કરીને તેલંગણામાં પામની ખેતીનો વ્યાપ વધારવા તથા તેના પગલે દેશમાં થતી પામતેલની ઈંમ્પોર્ટ ઘટાડવા સરકારે વિશેષ પ્રયત્નો કર્યા હતા.