- ઊભી બજારે - દિલીપ શાહ
- વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ઉંચામાં ૪૬૪૫ ડોલર થયા પછી નીચા ઉતર્યાઃ ચાંદી ૯૨ ડોલર પાર કરી પ્રત્યાઘાતી ઘટયાના નિર્દેશો
દેશના ઝવેરીબજારોમાં તાજેતરમાં આગઝરતી તેજી વેગથી આગળ વધતાં સોના-ચાંદીના ભાવમાં સ્પ્રિંગ જેવા નવા ઉછાળાઓ નોંધાયા હતા તથા બજારભાવ રોજેરોજ ઉછળતા રહી જૂના રેકોર્ડ તોડી નવા રેકોર્ડ બનાવતા જોવા મળ્યા હતા. તેજીનું આવું તોફાન આ પૂર્વે ઝવેરી બજારના ઈતિહાસમાં ક્યારે પણ જોવા મળ્યું નથી એવું બજારના જૂના તથા પીઢ વેપારીઓએ જણાવ્યું હતું. દેશના ઝવેરી બજારોમાં ૨૦૨૫ના વિતેલા વર્ષમાં રેકોર્ડ બ્રેક તેજી જોવા મળ્યા પછી બધાની ધારણા એવી હતી કે ૨૦૨૬ના નવા વર્ષમાં તેજીનું તોફાન ધીમું પડવાની ગણતરી જાણકારો બતાવતા હતા પરંતુ તેમ થવાના બદલે ૨૦૨૬ના નવા વર્ષના આરંભથી જ સોના-ચાંદીના ભાવમાં નવા મોટા ઉછાળાઓ નોંધાતા બજારના ખેલાડીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. તાજેતરમાં ખાસ કરીને ચાંદીના ભાવમાં તીવ્ર ઉછાળાઓ જોવા મળ્યા હતા અને જાણે સોનાના ભાવ ચાંદીની તેજીને અનુસરી રહ્યા હોય એવી સ્થિતિ જોવા મળી હતી. મુંબઈ બુલિયન બજારમાં ચાંદીના કિલોના ભાવ રૃ.૨૪૭૮૦૦થી વધુ ઉછળી તાજેતરમાં ઉંચામાં રૃ.૨ લાખ ૮૨ હજાર નજીક પહોંચી ગયા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંસના ૭૯.૮૫થી ૭૯.૯૦ ડોલરના મથાળેથી વધુ ઉછળી પ્રથમ તબક્કે ૮૦ ડોલર તથા ત્યારબાદ ૮૫ ડોલરની અને ત્યાર પછી જોતજોતામાં ૯૦ ડોલરની સ પાટી કુદાવી જતાં બજારના તજજ્ઞાો પણ અવાક થઈ ગયા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઉંચાંમાં ઔંસના ૯૨ ડોલરની પાર જઈ ૯૨.૨૦થી ૯૨.૨૫ ડોલર સુધી ઉછળ્યાના સમાચાર હતા. જોકે ત્યાર પછી ભાવ ઘટી ૮૭.૬૭ થઈ ૮૯.૪૮ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં હવે ચાંદીના ભાવ ઝડપથી ઔંસના ૧૦૦ ડોલરને આંબી જવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. અને વિશ્વ બજારમાં ચાંદીના ૧૦૦ ડોલરના ભાવ થશે તો ભારતમાં ચાંદીના ભાવ વધુ ઉછળી કિલોના રૃ.સાડા ત્રણ લાખ થઈ જાય તો નવાઈ નહિં એવું જાણકારો જણાવી રહ્યા હતા.
દરમિયાન, અમેરિકા તથા ઈરાન વચ્ચે તણાવ વધતાં તથા અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે વેનેઝુએલા પછી હવે ગ્રીનલેન્ડ તથા કોલમ્બીયા તરફ પણ લાલ આંખ કરતાં વૈશ્વિક સ્તરે અજંપો વધ્યો છે તથા તેના પગલે વિશ્વ બજારમાં સોનામાં ફંડોની સેફ-હેવન સ્વરૃપની ખરીદી પણ વધી છે અને સોનામાં તેજી આગળ વધતાં ચાંદીની અભૂતપૂર્વ તેજીને પીઠબળ મળ્યું હોવાનું તજજ્ઞાોએ જણાવ્યું હતું. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૫૦૫થી ૪૫૧૦ ડોલરવાળા વધુ ઉછળી ઉંચામાં ભાવ ૪૬૦૦ ડોલરની સપાટી કુદાવી ઉંચામાં ભાવ ૪૬૪૦થી ૪૬૪૫ ડોલર સુધી પહોંચી જતાં નવો રેકોર્ડ સર્જાયો હતો. જો કે ત્યારબાદ ભાવ નીચટામાં ૪૫૫૮૨ થઈ ૪૬૧૩ ડોલર રહ્યા હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે મુંબઈ બુલિયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૧૦ ગ્રામના ઉંચામાં રૃ.૧ લાખ ૪૨ હજાર ઉપર જતા રહ્યા હતા. જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. નવા વર્ષમાં સોનાના વૈશ્વિક ભાવ ઉછળી ૫૦૦૦ ડોલર થઈ જવાની ગણતરી વિશ્વ બજારના વિવિધ ઈન્વેસ્ટમેન્ટ બેન્કરો બતાવી રહ્યા હતા. ભારતના ઝવેરી બજારોમાં હવે સોનામાં દોઢ લાખ રૃપિયાના ભાવ પર નજર રહી હતી. ચાંદીના વાયદા બજારમાં ભાવ તાજેતરમાં ત્રણ લાખની નજીક રૃ.૨ લાખ ૯૦ હજાર સુધી પહોંચી ગયાના વાવડ પણ મળ્યા હતા. પ્લેટીનમ વધી ૨૪૦૦ ડોલર તથા પેલેડીયમ વધી ૧૮૦૦ ડોલર ઉપર ગયું હતું.ત્યારબાદ જો કે ભાવમાં ઘટાડો થયો હતો. દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ઉંચામાં રૃ.૧૪૬૦૦૦ તથા ચાંદીના ભાવ ઉંચામાં રૃ.૨૮૦૦૦૦ સુધી પહોંચ્યા હતા.


