Get The App

સોના-ચાંદી પછી હવે પ્લેટીનમમાં તેજીનો દોરીસંચારઃ રૂપિયા એક લાખ થવાની શક્યતા

Updated: Mar 15th, 2026

GS TEAM

Google News
Google News
સોના-ચાંદી પછી હવે પ્લેટીનમમાં તેજીનો દોરીસંચારઃ રૂપિયા એક લાખ થવાની શક્યતા 1 - image

- ઊભી બજારે - દિલીપ શાહ

- વૈશ્વિક સ્તરે પ્લેટીનમમાં માગ કરતા ઓછા પુરવઠા વચ્ચે સપ્લાય ડેફીસીટની સ્થિતિ ચાર વર્ષથી જોવા મળી છે

દેશમાં તથા દરિયાપારના બજારોમાં તાજેતરમાં સોના તથા ચાંદીના ભાવમાં મોટી ઉછળકુદના પગલે ઈન્વેસ્ટરો તથા ખેલાડીઓનું ધ્યાન પ્લેટીનમ તથા પેલેડીયમ જેવી અન્ય કિંમતી ધાતુઓ તરફ ફંટાયું હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.  સોનાના ભાવ તાજેતરમાં નવી ઉંચી સપાટીએ પહોંચતાં તેની પાછળ ચાંદીના ભાવ પણ ઝડપી ઉંચકાતાં યુદ્ધના માહોલમાં આવેલી તેજીમાં પ્લેટીનમ તથા પેલેડીયમ બજારમાં પણ ખાસ્સી ભાવ વૃદ્ધી દેખાઈ હોવાનું દરિયાપારથી મળેલા નિર્દેશોમાં જોવા મળ્યું હતું. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ તાજેતરમાં ઉછળતા રહી ઔંસના ૨૦૦૦ ડોલર વટાવ્યા પછી ૨૧૦૦  ડોલર અને ત્યારબાદ ૨૨૦૦ ડોલરની સપાટીની પણ ઉપર જતાં બજારમાં ખાસ્સી ચર્ચા સંભળાઈ  હતી.  

ઉંચામાં ભાવ તાજેતરમાં ૨૨૫૦ ડોલર નજીક ટ્રેડ થતાં દેખાયા હતા. પ્લેટીનમની તેજીના પગલે વિશ્વ બજારમાં અન્ય કિંમતી ધાતુ પેલેડીયમના ભાવમાં પણ તેજીનો સંચાર થતાં પેલેડીયમના ભાવ વધી ઔંસના ઉંચામાં ૧૭૦૦ ડોલર પાર કરી ગયા હતા. આગળ ઉપર તેજીના માહોલમાં પ્લેટીનમના ભાવ વધુ વધી ઉંચામાં ૨૫૦૦ ડોલર તથા પેલેડીયમના ભાવ ઉંચામાં ૨૦૦૦ ડોલર સુધી પહોંચી જશે એવી ગણતરી બજારના ખેલાડીઓ બતાવી રહ્યા હતા. 

દરમિયાન, વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે મુંબઈ ઝવેરી બજારમાં પ્લેટીનમના ભાવ ઉછળી ૧૦ ગ્રામના રૂ.૭૦ હજારની સપાટી કુદાવી ગયા  હતા. આ પૂર્વે સોનાના ભાવ લાખ રૂપિયા ઉપર તથા ચાંદીના ભાવ ચાર લાખ ઉપર ગયા પછી હવે પ્લેટીનમના ભાવ લાખ રૂપિયા ઉપર પહોંચી જવાની શક્યતા દેશના ઝવેરી બજારોમાં ચર્ચાતી સંભળાઈ હતી.

એક વર્ષ અગાઉ વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના ૯૬૦થી ૯૬૫ ડોલર રહ્યા હતા તે એક વર્ષમાં નોંધપાત્ર ઉછળ્યા છે. સોનાના ભાવ એક વર્ષમાં ૮૧ ટકા વધ્યા છે  ત્યારે પ્લેટીનમના ભાવ એક વર્ષમાં ૧૬૦ ટકા ઉછળ્યા છે. એક વર્ષ અગાઉ દેશના ઝવેરી બજારોમાં પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૨૬થી ૨૭ હજાર બોલાતા હતા તે હવે રૂ.૭૦ હજાર બોલાતા થયા છે. વૈશ્વિક સ્તરે ઈલેક્ટ્રીક વાહનોની માગ તાજેતરના વર્ષોમાં વધતી જોવા મળી છે અને આવા વાહનોમાં પ્લેટીનમનો વપરાશ પણ વધતો જોવા મળ્યો છે. પ્લેટીનમ તથા પેલેડીયમની બજારોમાં ઓટો ઉત્પાદકોની માગ વધતી જોવા મળી છે. વૈશ્વિક સ્તરે છેલ્લા ૩-૪ વર્ષમાં પ્લેટીનમમાં માગ કરતા સપ્લાય ઓછી જેવી ડેફીસીટ જેવી સ્થિતિ જોવા મળી છે.

દરમિયાન, વૈશ્વિક સ્તરે પ્લેટીનમની કુલ સપ્લાય ૨૦૨૨માં ૭૩.૮૦ લાખ ઔંસ નોંધાઈ હતી જ્યારે તેની સામે કુલ માગ ૬૨.૮૦ લાખ ઔંસ રહી હતી. જો કે ત્યાર પછીના વર્ષોમાં વૈશ્વિક સ્તરે પ્લેટીનમમાં સપ્લાય ડેફિસીટની સ્થિતિ સતત જોવા મળી હતી તથા ૨૦૨૩ તથા ૨૦૨૪ અને ૨૦૨૫ના વર્ષોમાં આવી સપ્લાય ડેફીસીટ માં પ્લેટીનમમાં માગ કરતા પુરવઠો ઓછો જેવી સ્થિતિ ચાલુ રહી હતી. 

૨૦૨૫માં વૈશ્વિક સ્તરે પ્લેટીનમમાં કુલ માગ ૮૨.૯૦ લાખ ઔંસ તથા કુલ સપ્લાય ૭૨.૧૦ લાખ ઔંસની નોંધાઈ હતી. ૨૦૨૬ના વર્તમાન વર્ષમાં પણ પ્લેટીનમમાં પુરવઠાની ખાધ જળવાઈ રહેવાની તથા ભાવ વધુ ઉંચા જવાની શક્યતા બજારના ખેલાડીઓ દર્શાવી રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઉંચા જતાં આ વર્ષે પ્લેટીનમની માગ ધીમી પડવાની શક્યતા વર્લ્ડ પ્લેટીનમ ઈન્વેસ્ટમેન્ટ કાઉન્સિલના સૂત્રોએ દર્શાવી હતી. આ વર્ષે આવી માગ ઘટી ચાર વર્ષની નીચી સપાટીએ ઉતરી જવાની ભીતિ આ સૂત્રો બતાવી રહ્યા હતા.