- ઊભી બજારે - દિલીપ શાહ
- વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના વધી 5100 ડોલર ઉપર ગયા પછી તૂટી નીચામાં ૪૮૮૫
દેશના ઝવેરીબજારોમાં ઊંચા ભાવથી આવેલા પ્રત્યાઘાતી આંચકા પચાવી સોના-ચાંદીના ભાવ નવેસરથી ઊંચા જતા જોવા મળ્યા હતા. વિશ્વ બજારના સમાચાર કિંમતી ધાતુઓમાં ફરી તેજી બતાવી રહ્યા હતા. વિશ્વ બજાર વધતાં તથા ઘરગણે રૂપિયા સામે ડોલરના ભાવ ઘટયા પછી ફરી વધી આવતા દેશમાં આયાત થતી કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ ઊંચી ગઈ હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઘટયા પછી ફરી ઉછળી ઔંસના પ્રથમ તબક્કે ૫૦૦૦ ડોલરની સપાટી વટાવી ગયા પછી ભાવ વધુ વધી ઉંચામાં ૫૧૦૦ ડોલરની પણ ઉપર ગયાના વાવડ મળ્યા હતા. જોકે ત્યારબાદ ભાવ તૂટી ફરી ૫૦૦૦ ડોલરની અંદર જતા રહ્યા હતા. દરમિયાન, ઘરઆંગણે સરકારે ઈમ્પોર્ટરો માટે ડોલરના કસ્ટમ એક્સચેન્જના દર વધારતાં તેના પગલે દેશમાં આયાત થતા સોના-ચાંદીની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં પણ વૃદ્ધી થઈ હોવાનું બજારના તજજ્ઞાો જણાવી રહ્યા હતા. આની અસર પણ ઝવેરી બજારમાં ભાવ સપાટી પર જોવા મળી હતી. સરકારે ડોલરના કસ્ટમ એક્સચેન્જના દર તાજેતરમાં રૂ.૯૧.૨૦થી વધારી રૂ.૯૧.૩૫ કર્યાના વાવડ દિલ્હીથી મળ્યા હતા. દરમિયાન, ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૪૦૦થી ૧૫૦૦ વધી ઉંચામાં ભાવ રૂ.૧૬૧૫૦૦ સુધી ટ્રેડ થતા તાજેતરમાં જોવા મળ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.પાંચ હજાર વધી રૂ.૨ લાખ ૬૫ હજાર બોલાઈ રહ્યા હતા. જો કે ત્યારબાદ સોનાના ભાવ ઘટી રૂ.૧૫૮૨૦૦ તથા ચાંદીના ભાવ ઘટી રૂ.૨૫૦૦૦૦ બોલાયા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ઘટતાં વૈશ્વિક સોનામાં ફંડોની લેવાલી તાજેતરમાં ફરી વધતી જોવા મળી હતી. વિશ્વ બજારમાં સોનામાં ચીનની ખરીદી પણ જળ વાઈ રહ્યાના વાવડ મળ્યા હતા. ચીનની સરકાર અમેરિકન બોન્ડ તથા ટ્રેઝરીના બદલે હવે ગોલ્ડ તરફ વધુ રસ બતાવતી થયાના વાવડ મળ્યા હતા.જોકે વિશ્વ બજારમાં ઉછાળા ઉભરા જેવા નિવડતાં ભાવવ ફરી ગબડતા પણ જોવા મળ્યા હતા.
દરમિયાન, અમેરિકામાં તાજેતરમાં જોબ માર્કેટ વિષયક બહાર આવેલા આંકડાઓ મિશ્ર વલણ દર્શાવતા જોવા મળ્યા હતા. ત્યાં ખાનગી ક્ષેત્રના એડીપીના જોબગ્રોથના આંકડા નબળા આવ્યા હતા. ઉપરાંત ત્યાં બેરોજગારીના દાવા જોબલેસ કલેઈમ્સમાં ઘટાડો થયો હતો પરંતુ ત્યારબાદ ત્યાં બહાર પડેલા નોન-ફાર્મ પેરોલ્સના ડેટા સારા આવ્યાના સમાચાર પણ મળ્યા હતા. ત્યાં જાન્યુરીનો જોબગ્રોથ આંકડામાં ૧ લાખ ૩૦ હજાર આવ્યો હતો જેની અપેક્ષા ૭૦ હજારની રહી હતી. જોકે ત્યાં આ આંકડાઓ આ પૂર્વે ડિસેમ્બરનો જોહગ્રોથ જે બહાર પડયો હતો તે ૫૦ હજારથી રિવાઈઝ કરી ઘટાડી સરકારે ૪૮ હજારનો જાહેર કર્યો છે ઉપરાંત નવેમ્બરના આવા જોબગ્રોથનું ડાઉનવર્ડ રિવીઝન ૫૬ હજારથી ઘટાડી ૪૧ હજાર કરવામાં આવ્યાના સમાચાર પણ મળ્યા હતા.
વિશ્વ બજારમાં સોનાના ભાવ ઊંચામાં ૫૧૧૯થી ૫૧૨૦ ડોલર સુધી પહોંચ્યા પછી ૪૮૮૫ થઈ ૫૦૦૦ ડોલર રહ્યાના નિર્દેશો હતા. જ્યારે વૈશ્વિક ચાંદીનૈ ભાવ ઉંચામાં ઔંસના ૮૬.૩૦થી ૮૬.૩૧ ડોલર સુધી ઉછળ્યા પછી ભાવ ૭૪ ડોલર સુધી ઊતર્યા હતા. પ્લેટીનમના ભાવ ઔંસના ઊંચામાં ૨૧૯૪થી ૨૧૯૫ થઈ ૨૧૧૨થી ૨૧૧૩ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ઊંચામાં ૧૭૭૬થી ૧૭૭૭ ડોલર થઈ ૧૭૨૪થી ૧૭૨૫ ડોલર રહ્યા હતા. કોપરના વૈશ્વિક ભાવ પણ વધ્યા પછી ઘટયા હતા. ક્રૂડતેલના વિશ્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ ભાવ બેરલના ઊંચામાં ૭૦ ડોલર ઉપર જઈ ૭૦.૭૧થી ૭૦.૭૨ ડોલર સુધી ઉછળ્યા પછી ભાવ ફરી નીચા ઉતરી ૭૦ ડોલરની અંદર ઉતરી ૬૯.૮૦ ડોલર આસપાસ રહ્યાના નિર્દેશો હતા.


