- ઊભી બજારે - દિલીપ શાહ
- જો કે ઈમ્પોર્ટ વધી 50 લાખ ગાંસડીને આંબી જવાની પણ બતાવાતી શક્યતાઃ બે મહિનામાં ૧૮ લાખ ગાંસડી આયાત કરાઈ
દેશમાં રૂ બજાર તથા ઉદ્યોગ ક્ષેત્રે તાજેતરમાં સમીકરણો બદલાતા જોવા મળ્યા છે. વિશેષરૂપે રૂની આયાત તથા નિકાસ ક્ષેત્રે પ્રવાહો પલ્ટાતા રહ્યા છે. આ પૂર્વે આપણે રૂની નોંધપાત્ર નિકાસ કરતા હતા પરંતુ હવે સિનારીયો બદલાઈ રહ્યો છે તથા હવે દેશમાં રૂની ઈમ્પોર્ટ વધી રહ્યાના સંકેતો મળી રહ્યા છે. દેશમાં રૂની નવી મોસમ ૨૦૨૫-૨૬ની કોટન સિઝન ઓકટોબરથી શરૂ થઈ ગઈ છે તથા આ નવી મોસમમાં દેશમાં રૂની આયાત વધી ૫૦ લાખ ગાંસડી (૧૭૦ કિલોની)ને આંબી જવાની શક્યતા બજારના જાણકારો બતાવી રહ્યા છે. કોટન એસોસીએશન ઓફ ઈન્ડિયાના જણાવ્યા મુજબ તાજેતરમાં પુરી થયેલી ૨૦૨૪-૨૫ની મોસમમાં દેશમાં રૂની આયાત આશરે ૪૧ લાખ ગાંસડી થઈ હોવાનું બજારના જાણકારોએ જણાવ્ય હતું. આ જોતાં નવી મોસમમાં દેશમાં રૂની આયાત વધી નવી ઉંચી સપાટીએ પહોંચવાનો અંદાજ બજારમાં બતાવાઈ રહ્યો છે. દેશમાં ડિસેમ્બર અંત સુધી રૂની ઈમ્પોર્ટ ડયુટી-ફ્રી ધોરણે કરી શકાશે એવું આ પૂર્વે સરકારે જણાવ્યું હતું. રૂની નવી મોસમમાં પ્રથમ બે મહિનામાં ઓકટોબર તથા નવેમ્બરમાં દેશમાં રૂની ઈમ્પોર્ટ આશરે ૧૮ લાખ ગાંસડીની થઈ છે જે પાછલી મોસમમાં આ ગાળામાં આશરે ૮થી ૯ લાખ ગાંસડીની નોંધાઈ હતી. દરમિયાન, ભારતમાં નવી મોસમમાં રૂનો પાક આશરે ૩૦૯થી ૩૧૦ લાખ ગાંસડીનો અંદાજાયો છે જે ૨૦૨૪-૨૫ની પાછલી મોસમમાં આશરે ૩૧૨થી ૩૧૩ લાખ ગાંસડી નોંધાયો હતો. દરમિયાન, ૨૦૨૫-૨૬ની નવી મોસમ જ્યારે ઓકટોબર ૨૦૨૫માં શરૂ થઈ હતી ત્યારે નવી મોસમના આરંભમાં અગાઉની મોસમનો સિલ્લક સ્ટોક આશરે ૬૦થી ૬૧ લાખ ગાંસડીનો નોંધાયો હતો. આ આંકડો રૂની પાછલી મોસમમાં આરંભમાં આશરે ૩૯થી ૪૦ લાખ ગાંસડી આસપાસ નોંધાયો હતો. નવી મોસમમાં દેશમાં રૂની આયાત ૪૧ લાખથી વધી ૫૦ લાખ ગાંસડી થવાની શક્યતા જોતાં ઘરઆંગણે નવી મોસમમાં રૂનો કુલ ઉપલબ્ધ પુરવઠો આશરે ૪૨૦થી ૪૨૧ લાખ ગાંસડી જેટલો રહેવાની ગણતરી જાણકારો બતાવી રહ્યા છે. ૨૦૨૪-૨૫ની પાછલી મોસમમાં આ આંકડો આશરે ૩૯૨થી ૩૯૩ લાખ ગાંસડીનો નોંધાયો હતો.
દરમિયાન, દેશમાં રૂની આંતરિક માગ નવી મોસમમાં આશરે ૨૯૫ લાખ ગાંસડી રહેવાનું અનુમાન બતાવાયુ છે. આવી માગ પાછલી મોસમમાં આશરે ૩૧૪થી ૩૧૫ લાખ ગાંસડી નોંધાઈ હતી. રૂનો સરપ્લસ પુરવઠો નવી મોસમમાં વધી ૧૨૫થી ૧૨૬ લાખ ગાંસડી રહેવાની ગણતરી છે. આ આંકડો પાછલી મોસમમાં આશરે ૭૮થી ૭૯ લાખ ગાંસડીનો મુકાયો હતો. દરમિયાન, નવી મોસમમાં દેશમાંથી રૂની નિકાસ આશરે ૧૭થી ૧૮ લાખ ગાંસડી થવાનો અંદાજ પણ બજારના જાણકારો બતાવી રહ્યા હતા. એકંદરે નવી મોસમના અંતે સપ્ટેમ્બર ૨૦૨૬ અંતે દેશમાં રૂનો સિલ્લક સ્ટોક આશરે ૧૦૭થી ૧૦૮ લાખ ગાંસડી જેટલો રહી જવાની શક્યતા બતાવાઈ રહી છે. આ આંકડો પાછલી મોસમમાં આશરે ૬૦થી ૬૧ લાખ ગાંસડીનો રહ્યો હતો.
કોટન એસોસીએશન ઓફ ઈન્ડિયાએ રૂના નવા પાકનો અંદાજ આ પૂર્વે ગયા મહિને ૩૦૫ લાખ ગાંસડીનો બતાવ્યો હતો. પરંતુ હવે તાજેતરમાં આ અંદાજ વધારી ૩૦૯થી ૩૧૦ લાખ ગાંસડીનો બતાવાયાના નિર્દેશો મળ્યા હતા. ગુજરાત, મહારાષ્ટ્ર તથા કર્ણાટકમાં રૂનો નવો પાક હવે અગાઉની અપેક્ષાથી વધુ આવવાની આશા બજારના જાણકારો બતાવી રહ્યા હતા. જો કે તેલંગણામાં રૂના પાકમાં પીછેહટની શક્યતા પણ તજજ્ઞાો દ્વારા બતાવાઈ રહી છે. દરમિયાન, દેશના કૃષી મંત્રાલય દ્વારા ૨૦૨૫-૨૬ની કોટન મોસમમાં રૂના પાકનો અંદાજ તાજેતરમાં ૨૯૨થી ૨૯૩ લાખ ગાંસડી આસપાસ અંદાજવામાં આવ્યો હોવાના સમાચાર પણ તાજેતરમાં મળ્યા હતા.


