- ઊભી બજારે - દિલીપ શાહ
- સરકાર દ્વારા થનારા ઈ-ઓક્શનો પર હવે બજારની નજર મંડાઈઃ નિકાસ બજાર પણ ફરી ખુલવાની વધેલી શક્યતા
ભારતની ગણના જો કે કૃષી પ્રધાન દેશ તરીકે કરવામાં આવે છે પરંતુ વર્ષો અગાઉ ઘરઆંગણે ઘઉં-ચોખાનું ઉત્પાદન ઓછું તથા માગ વધુ રહેતી હતી અને એ દરમિયાન આપણે દરિયાપારથી આવતા અનાજ પર આધાર રાખવો પડતો હતો. જો કે ત્યારબાદ દેશમાં હરિયાળી ક્રાંતિ શરૂ થતાં ઘરઆંગણે ઘઉં-ચોખાનું ઉત્પાદન વધી જતાં આયાત પર આધાર ઘટયો હતો તથા આપણે દરિયાપાર અનાજની નિકાસ કરી શ કીએ એવી સ્થિતિમાં આવ્યા હતા. દરમિયાન, દેશમાં ઘઉંના વાવેતર હેઠળનો વિસ્તાર વધતો રહી રેકોર્ડ સપાટીએ પહોંચી ગયાના વાવડ મળ્યા હતા. ભારતમાં હાલ રવિ મોસમ ચાલી રહી છે તથા આ રવિ મોસમમાં ઘઉંના વાવેતર હેઠળનો વિસ્તાર નોંધપાત્ર વધી નવી ઉંચી સપાટીને આંબી ગયાના વાવડ મળ્યા હતા. જાન્યુઆરીના આરંભમાં મળેલા આંકડાઓ મુજબ દેશમાં આ વખતે દેશવ્યાપી ધોરણે ઘઉંના વાવેતર હેઠળનો વિસ્તાર વધી ૩૩૪થી ૩૩૫ લાખ હેકટર્સ સુધી પહોંચી ગયો છે. પાછલા વર્ષે રવિ મોસમમાં આ ગાળામાં આ આંકડો આશરે ૩૨૮ લાખ હેકટર્સનો નોંધાયો હતા. આ વર્ષે આગળ ઉપર હવામાન સાનુકુળ રહેશે તો દેશમાં ઘઉંનો નવો પાક રેકોર્ડ ઉપજવાની શક્યતા અનાજ બજારના જાણકારો બતાવી રહ્યા હતા. દેશમાં ઘઉંનો રેકોર્ડ પાક આવશે તો નિકાસ બજાર ફરી ખુલવાની ગણતરી પણ બજારનો અમુક વર્ગ બતાવી રહ્યો હતો. આ વર્ષે ઘઉંના વાવેતરનો વિસ્તાર હજી વધુ વધી ૩૩૬ લાખ હેકટર્સ સુધી પહોંચી જશે એવો અંદાજ કૃષી જાણકારો દર્શાવી રહ્યા હતા. ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ વીટ એન્ડ બાર્લી રિસર્ચના સૂત્રોના જણાવ્યા મુજબ હાલ દેશમાં વેધરની સ્થિતિ ઘઉંના પાક માટે ઉત્તમ જણાઈ રહી છે.
દરમિયાન, સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ રવિ મોસમ માટે અનાજના પાકનો ટારગેટ ૧૭૧૧થી ૧૭૧૨ લાખ ટનનો નક્કી કરવામાં આવ્યો છે. આ પૈકી ઘઉંના પાકનો ટારગેટ ૧૧૯૦ લાખ ટનનો બાંધવામાં આવ્યો છે. જ્યારે રવિ મોસમમાં ચોખાના ઉત્પાદનનો ટારગેટ ૧૫૮થી ૧૫૯ લાખ ટનનો નક્કી કરાયો છે. મકાઈ માટે આવો લક્ષ્યાંક આશરે ૧૪૫ લાખ ટનનો તથા જવ માટે ૨૦થી ૨૧ લાખ ટનનો બાંધવામાં આવ્યો છે. પાછલી રવિ મોસમમાં ઘઉંન ો પાક ૧૧૭૯થી ૧૧૮૦ લાખ ટન નોંધાયો હતો. જો કે આ વખતે દેશમાં જુવારના પાકના વાવેતર હેઠળનો વિસ્તાર ૫થી ૬ ટકા ઘટયો હોવાના વાવડ પણ મળ્યા હતા. દરમિયાન, દેશના કૃષી વૈજ્ઞાાનિકોએ ઉંચી પેદાશ આપતી ચોખા તથા મકાઈની વિવિધ બિયારણની જાતો વિકસાવી હોવાનું કેન્દ્રના કૃષી મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું. ચોખાના ઉત્પાદનમાં ચીનને પાછળ ધકેલી ભારત આગળ નિકળી ગયું છે. જો કે આપણે હજી પણ આયાતી કઠોળ તથા આયાતી ખાદ્યતેલો પર આધાર રાખતા રહ્યા છીએ એ જોતાં સરકારે ઘરઆંગણે કઠોળ તથા તેલિબિંયાનું ઉત્પાદન વધારવા અને આયાત પર આધાર ઘટાડવા વિવિધ પગલાંઓ ભરવાનો આરંભ કર્યો છે. આગળ ઉપર સરકારના આ પગલાંઓ કેટલા સફળ થાય છે એના પર બજારોની નજર રહી છે.
દરમિયાન, ૨૦૨૫-૨૬ માટે સરકારે ઓપન માર્કેટ સેલ યોજના માટે મિલરો તથા બલ્ક બાયર્સ માટે ઘઉંના ભાવ ક્વિ.ના રૂ.૨૫૫૦ નક્કી કર્યા હતા. આ ભાવ વાહનભાડા વગરના ભાવ રહ્યા છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા કદાચ ઘઉંનું ઈ-ઓક્શન ફરી શરૂ કરશે એવી શક્યતા પણ અનાજ બજારના સૂત્રો બતાવી રહ્યા હતા. ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા પાસે ઘઉંનો સ્ટોક આશરે ૨૭૬થી ૨૭૭ લાખ ટનનો મનાઈ રહ્યો છે જ્યારે તેની સામે બફર સ્ટોકના ધારાધોરણો મુજબ ૧૩૮ લાખ ટનનો સ્ટોક સંતોષજનક ગણાય છે.


