- ઊભી બજારે - દિલીપ શાહ
- વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં બે તરફી ઉછળકૂદ : ઘરઆંગણે ઝવેરી બજારોમાં તેજીનો રંગ હોળીમાં ઝાંખો પડયો
દેશમાં ઝવેરીબજારોમાં તાજેતરમાં વિતેલા સપ્તાહમાં સોના- ચાંદીના ભાવમાં વોર- ઈફેકટના ઉછાળાઓ ઉભરા જેવા નિવડતાં વિશ્વ બજાર પાછળ ઉંચા મથાળે વેચનારા વધુ તથા લેનારા ઓછા જેવી સ્થિતિ જોવા મળી હતી. વિશ્વબજારના સમાચાર પણ કિંમતી ધાતુઓમાં ઉછાળે ફંડોનું સેલીંગ જોવા મળ્યું હોવાના નિર્દેશો હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંસના ૫૪૦૦ ડોલરની સપાટી કુદાવી ૫૪૧૫થી ૫૪૨૦ ડોલર સુધી ઉછળ્યા હતા તે ભાવ ત્યાર પછી ઝડપી પ્રત્યાઘાતી તૂટી નીચામાં ૫૧૦૦ ડોલરની અંદર જતા રહ્યા હતા. જો કે ત્યારબાદ ભાવ ફરી વધી ૫૧૫૦ ડોલર રહ્યા હતા. વિશ્વબજાર પરછળ ઘરઆંગણે પણ ઝવેરીબજારોમાં તાજેતરમાં હોળી- ધૂળેટીના તહેવારો દરમિયાન કિંમતી ધાતુઓમાં તેજીનો રંગ ઝાંખો પડયો હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. અમદાવાદ ઝવેરીબજારોમાં સોનાના ભાવ તાજેતરમાં વધી ઉંચામાં ૧૦ ગ્રામના રૂ.૧ લાખ ૭૪થી ૭૫ હજાર સુધી પહોંચ્યા હતા તે ત્યારબાદ ઘટી રૂ.૧૬૩૫૦૦ આસપાસ બોલાતા થયા હતા. અમદાવાદ ચાંદીના ભાવ જે તાજેતરમાં ઉંચામાં કિલોના રૂ.૨ લાખ ૯૦ હજાર સુધી પહોંચી ગયા હતા તે ભાવ ત્યારબાદ નીચામાં રૂ.૨ લાખ ૬૫ હજાર સુધી ટ્રેડ થતા જોવા મળ્યા હતા. વિશ્વબજારમાં સોના પાછળ ચાંદી સહિતની વિવિધ કિંમતી ધાતુઓના ભાવમાં પણ ઉછાળા પછી પ્રત્યાઘાતી પીછેહટ જોવા મળી હતી. વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના જે ઉંચામાં ૯૯ ડોલર પાર કરી ૯૯.૬૫થી ૯૯.૭૦ ડોલર સુધી પહોંચી ગયા હતા તે ભાવ ત્યાર પછીના પ્રત્યાઘાતી ઘટાડામાં નીચામાં ૭૮ ડોલરની અંદર ઉતરી ૮૪.૫૦ ડોલર આસપાસ રહ્યા હતા જ્યારે સોનાના ભાવ ૫૧૫૦ ડોલર આસપાસ રહ્યા હતા.
વિશ્વબજારમાં સોનામાં ઉછાળે ફંડોનું સેલીંગ વધ્યું હતું અને સોનાના ભાવ ઉંચેથી ઝડપી નીચા આવતાં તેની પાછળ ચાંદી તથા અન્ય કિંમતી ધાતુઓ તેમજ વિવિધ ઈન્ડસ્ટ્રીયલ મેટલ્સના ભાવમાં પણ તેજી પછી પ્રત્યાઘાતી પીછેહટ દેખાઈ હતી. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ વધી ઉંચામાં ૯૯.૪૦થી ૯૯.૪૫ સુધી પહોંચ્યાના વાવડ મળ્યા હતા. વોરના માહોલમાં વિશ્વબજારમાં ડોલરમાં સેફ હેવન સ્વરૂપની લેવાલી વધ્યાની ચર્ચા વિશ્વબજારમાં સંભળાઈ રહી હતી. અમેરિકામાં તાજેતરમાં ખાનગી ક્ષેત્રના જોબગ્રોથના આંકડા અપેક્ષાથી સારા આવ્યા હતા તથા ત્યાં સર્વિસ ક્ષેત્રના ડેટા પણ પ્રોત્સાહક આવ્યાના સમાચાર મળ્યા હતા. ત્યાં બેરોજગારીના દાવાઓ જોબલેસ કલેઈમ્સ ૨ લાખ ૧૫ હજાર આવવાની અપેક્ષા હતી તેના બદલે આવા દાવાઓ ત્યાં ૨ લાખ ૧૭ હજાર આવ્યાના નિર્દેશો મળ્યા હતા. આમ ત્યાં જોબ માર્કેટમાં પણ મજબુતીના સંકેતો મળ્યા હતા. જો કે ત્યાં નોન- ફાર્મ પેરોલ્સના આંકડા શુક્રવારે બહુ નબળા આવ્યા હતા. દરમિયાન, વોર હવે આગળ ઉપર કેટલો સમય ચાલે છે તેના પર બજારના ખેલાડીઓની નજર રહી હતી. વોરના કારણે ફલાઈટો કેન્સલ થઈ રહી છે એ જોતાં સોનામાં સપ્લાયમાં પણ અસર પડવાની શક્યતા જાણકારો જણાવી રહ્યા હતા. વોરના માહોલમાં સોનાના ભાવ ફરી વધી ૫૬૦૦ ડોલરને આંબી જવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. વિશ્વબજારમાં સોનામાં વિવિધ દેશોની સેન્ટ્રલ બેન્કોની ખરીદી તાજેતરમાં ઘટી ગયાના સમાચાર પણ મળ્યા હતા. દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવ તાજેતરમાં ઉછળી ઉંચામાં પ્રથમવાર રૂ.૯૨ની સપાટી કુદાવી રૂ.૯૨.૩૦થી ૯૨.૩૫ની નવી ટોચે પહોંચ્યા હતા. જોકે ત્યારબાદ રિઝર્વ બેન્ક સક્રિય બનતાં રૂપિયો વધુ તૂટતાં ટકી તળીયેથી ઉંચકાયો હતો તથા ડોલરના ભાવ ઘટી નીચામાં ૯૧.૪૦ સુધી જતા રહ્યા હતા. કરન્સી બજારની ઉછળકુદ પર પણ ઝવેરીબજારની નજર રહી હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.


