- ઊભી બજારે - દિલીપ શાહ
- નજીકની ડિલીવરીમાં પામતેલની ઈમ્પોર્ટ વધી જ્યારે દૂરની ડિલીવરીમાં સોયાતેલની ઈમ્પોર્ટમાં વૃદ્ધી થયાના નિર્દેશો
દેશમાં સોયાબીન તથા સોયાતેલની બજારો તથા ઉદ્યોગ ક્ષેત્રે તાજેતરમાં પ્રવાહો પલ્ટાતા જોવા મળ્યા છે. ઘરઆંગણે સોયાબીન તથા સોયાતેલનો વપરાશ તથા માગ તાજેતરના વર્ષોમાં વધ્યા છે. સામે દેશમાં સોયાબીનના ઉત્પાદનમાં પણ તાજેતરના વર્ષોમાં વૃદ્ધી લથતી જોવા મળી છે. જોકે ઘરઆંગણે વિવિધ ખાદ્યતેલોના ઉત્પાદન કરતા માગ વધુ રહેતાં આપણે દરિયાપારથી સોયાતેલ સહિતના વિવિધ ખાદ્યતેલોની આયાત કરતા રહ્યા છીએ. દેશમાં સોયાબીનનું ઉત્પાદન તથા વાવેતરનો વિસ્તાર વધશે તો આવી આયાતો પરનો આધાર ઘટાડી શકાશે એવી ગણતરી બજારનો જાણકાર વર્ગ બતાવી રહ્યો છે. દરમિયાન, વિશ્વ બજારના સમાચાર મુજબ તાજેતરમાં ભારતના ઈમ્પોર્ટરોએ વિશ્વ બજારમાંથી સોયાતેલની ઈમ્પોર્ટ માટેનો સોદાનો વ્યાપ વધાર્યાના નિર્દેશો મળ્યા છે. આવા ઈમ્પોર્ટ સોદા લાંબાગાળાની ડિલીવરી તથા શિપમેન્ટ માટે કરવામાં આવ્યાના સમાચાર દરિયાપારથી મળ્યા હતા.
આવા આયાત સોદા આવતા વર્ષ માટે ૨૦૨૬ના એપ્રિલ, મે, જૂન તથા જુલાઈના ચાર મહિનાઓ માટે કરવામાં આવ્યા છે તથા આ ચાર મહિનામાં દર મહિને આવી આયાત માટે મંથલી સરેરાશ ૧ લાખ ૫૦ હજાર ટન સોયાતેલના ઈમ્પોર્ટ સોદા ભારતના આયાતકારો દ્વારા કરવામાં આવ્યા છે. આ ગાળાના ફોરવર્ડ ભાવોમાં પામતેલની સરખામણીએ સોયાતેલના ભાવમાં ટનદીઠ આશરે ૨૦થી ૩૦ ડોલરનું ડિસ્કાઉન્ટ બોલાઈ રહ્યું હોવાથી આ ગાળા માટે દેશના ઈમ્પોર્ટરોએ સોયાતેલની ઈમ્પોર્ટના આવા ફોરવર્ડ સોદામાં વૃદ્ધી કરી હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. સામાન્યપણે વિશ્વ બજારમાં પામતેલના ભાવ કરતાં સોયાતેલના ભાવ ઉંચા રહેતાં હોય છે પરંતુ ઉપરોક્ત ગાળામાં આવા ભાવના ટ્રેન્ડમાં સિનારીયો બદલાતો જોવા મળ્યો છે અને તેના પગલે આ ગાળામાં સોયાતેલના ભાવ નીચા તથા પામતેલના ભાવ વિશ્વ બજારમાં ઉંચા રહેતાં ભારતના આયાતકારો આ ગાળા માટે સોયાતેલ તરફ વધુ વળ્યા હોવાની ચર્ચા વિશ્વ બજારમાં સંભળાઈ રહી હતી. વિશ્વ બજારના સૂત્રોના જણાવ્યા મુજબ ખાસ કરીને ઈન્ડોનેશિયા ખાતે બાયોફયુઅલમાં પામતેલનું બ્લેન્ડીંગ વધારવાની યોજના ત્યાંની સરકારે બનાવી છે તથા આના પગલે વિશ્વ બજારમાં આગળ ઉપર પામતેલના ભાવ ઉંચા તથા તેની સરખામણીએ સોયાતેલના ભાવ નીચા રહેવાનો ટ્રેન્ડ ફોરવર્ડમાં દેખાઈ રહ્યો છે. ઈન્ડોનેશિયામાં આ યોજનાને બી-૫૦ નામ આપવામાં આવ્યું છે. ભારતમાં સામાન્યપણે પામતેલ, સોયાતેલ તથા સનફલાવર તેલની ઈમ્પોર્ટ કરવામાં આવે છે. ભારતમાં તાજેતરમાં રવિ પાકની મોસમ માટે કૃષી વાવેતરની શરૂઆત થઈ ગઈ છે તથા નવેમ્બર અંત સુધીમાં દેશમાં વિવિધ તેલિબિંયાના વાવેતરનો વિસ્તાર આશરે ૪થી ૫ ટકા વધી ૮૦ લાખ ૫૦થી ૫૫ હજાર હેકટર્સ સુધી પહોંચ્યો છે જે ગયા વર્ષે આ ગાળામાં ૭૭ લાખ ૩૫થી ૪૦ લાખ હેકટર્સ આસપાસ નોંધાયો હતો. રાયડા તથા મસ્ટર્ડના વાવેતરમાં આ ગાળામાં આશરે ૫થી ૬ ટકાની વૃદ્ધી થઈ હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ મસ્ટર્ડ સરસવના ઉત્પાદનનો ટારગેટ આશરે ૧૩૯ લાખ ટનનો રાખવામાં આવ્યો છે. જ્યારે તેલિબિંયાના ઉત્પાદનનો આ ગાળા માટેનોે ટારગેટ કુલ ૧૫૦થી ૧૫૧ લાખ ટનનો રાખવામાં આવ્યો છે.
દરમિયાન, વિશ્વ બજારમાં તાજેતરમાં અમેરિકાના બજારોમાં વિશેષરૂપે સોયાબીનમાં ચીનની માગ વધ્યાના વાવડ મળ્યા હતા. આ પૂર્વે ચીન તથા અમેરિકા વચ્ચે ટેરીફ વોરના કારણે અમેરિકાના સોયાબીનમાં ચીનની માગ ધીમી પડી ગઈ હતી. પરંતુ તાજેતરમાં ચીન તથા અમેરિકા વચ્ચે ટ્રેડવોરના બદલે વેપાર કરારનો માહોલ ઊભો થતાં અમેરિકાના સોયાબીનમાં ચીનની માગમાં ફરી વૃદ્ધી થયાના વાવડ દરિયાપારથી મળ્યા હતા અને તેના પગલે અમેરિકાના કૃષી બજારોમાં તાજેતરમાં સોયાબીનના ભાવ નીચા મથાળેથી ઝડપથી બાઉન્સ બેક થતા પણ જોવા મળ્યા હતા.


