- ઊભી બજારે - દિલીપ શાહ
- ઘરઆંગણે પણ ભાવ ઘટયા પછી ફરી ઉછળ્યા: વૈશ્વિક સોનું નીચામાં ૪૫૦૦ ડોલર થઈ ઉંચામાં ૪૮૦૦ ડોલર સુધી ઉંચકાયું
દેશના ઝવેરી બજારોમાં તાજેતરમાં સોના-ચાંદીના ભાવ ઘટતા અટકી ફરી ઝડપી વધી જતાં નવા નણાંવર્ષ ૨૦૨૬-૨૭નો આરંભ કિંમતી ધાતુઓમાં તેજી સાથે થયો છે. દેશના ઝવેરી બજારોમાં ૨૦૨૫-૨૬નું પૂરું થયેલું નાણાંકિય વર્ષ અભૂતપૂર્વ તેજીનું નિવડયું હતું અને હવે નવા નાણાંવર્ષનો આરંભ પણ નવેસરથી તેજી સાથે જોવા મળ્યો હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. વિશ્વ બજારમાં તાજેતરમાં ઈરાન યુદ્ધના માહોલમાં સોનાના ભાવ નોંધપાત્ર તૂટી ગયા હતા પરંતું ત્યારબાદ આ યુદ્ધ સમાપ્ત થવાની આશા ઊભી થતાં વિશ્વ બજારમાં સોનાના ભાવ આંચકા પચાવી ફરી ઝડપથી ઉંચકાયાના સમાચાર દરિયાપારથી મળ્યા હતા. વિશ્વ બજાર ઉછળતાં ઘરઆંગણે કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ ફરી ઉંચી જતાં ઝવેરી બજારોમાં ફરી તેજીનો ચમકારો જોવા મળ્યો હતો. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના જે ૪૫૦૦ ડોલરની અંદર ઉતર્યા હતા તે ત્યારબાદ ઝડપી વધી ઉંચામાં ૪૮૦૦ ડોલરની સપાટી કુદાવી સુધી ઉછળ્યા હતા. વિશ્વ બજારના જાણકારોના જોણાવ્યા મુજબ ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ જે તાજેતરમાં વધી ઉંચામાં ૧૦૦ની ઉપર જઈ દસ મહિનાની ટોચે પહોંચ્યો હતો. તે ડોલર ઈન્ડેક્સ ત્યારબાદ ઝડપી ઘટી નીચામાં ૧૦૦ની અંદર ઉતરી નીચામાં ૯૯.૩૦ સુધી જતો રહ્યો હતો. જોકે ત્યારબાદ આવો ઈન્ડેક્સ ઘટયા મથાળેથી ફરી ઉંચકાયો હતો. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ પ્રત્યાઘાતી ઘટતાં વિશ્વ બજારમાં સોનામાં ઘટાડે ફંડો ફરી બજારમાં દાખલ થયાના વાવડ મળ્યા હતા. દરમિયાન, વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૪થી ૫ હજાર ઉંચકાઈ આવ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૮ હજાર ઉછળ્યા હતા. અમદાવાદ સોનું રૂ.૧૫૪૦૦૦ તથા ચાંદી રૂ.૨૩૫૦૦૦ બોલાઈ હતી.
દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં તાજેતરમાં રૂપિયા સામે ડોલરના ભાવ ઉછળી ઉંચામાં રૂ.૯૫ની રેકોર્ડ સપાટી કુદાવી રૂ.૯૫.૨૦થી ૯૫.૨૫ સુધી ઉછળ્યા હતા પરંતુ ત્યારબાદ રિઝર્વ બેન્ક સક્રિય બનતાં ડોલરના ભાવ રૂપિયા સામે ટોચ પરથી તૂટી રૂ.૯૩ની અંદર ઉતરી ગયા હતા. મુંબઈ કરન્સી બજારની આવી વ્યાપક ઉછળકુદની અસર પણ ઝવેરી બજાર પર દેખાઈ હતી. સોનાના ભાવ વિશ્વ બજારમાં ઉંચામાં ૪૭૯૨થી ૪૭૯૩ ડોલર સુધી ૪૮૦૦ ડોલર નજીક ટ્રેડ થતા પણ તાજેતરમાં દેખાયા હતા. જ્યારે વૈશ્વિક ચાંદીનાભાવ ઉંચામાં ઔંસના ૭૬ સડોલર નજીક ટ્રેડ થતાં જોવા મલ્યા હતા. પ્લેટીનમના ભાવ ઉછળી ઔંસના ઉંચામાં ૨૦૦૦ ડોલર નજીક પહોંચ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ વધી ઉંચામાં ઔંસના ૧૫૦૦ ડોલર પાર કરી ૧૫૧૯થી ૧૫૨૦ ડોલર સુધી ટ્રેડ થતા નોંધાયા હતા. વિશ્વ બજારમાં કોપરના ભાવ પણ ફરી ઉંચકાયા હતા જ્યારે વૈશ્વિક એલ્યુમિનિયમના ભાવ વધી ઉંચામાં ચાર વર્ષની ટોચે પહોંચ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ યુદ્ધના માહોલમાં તાજેતરમાં ઉછળી બેરલના ઉંચામાં ૧૧૭થી ૧૧૮ ડોલર સુધી પહોંચી ગયા હતા તે ભાવ ત્યારબાદ ઝડપી ગબડી નીચામાં એક તબક્કે ૧૦૦ ડોલરની અંદર ઉતરી ગયાના સમાચાર મળ્યા હતા. આની અસર પણ ઝવેરી બજારો પર વિશ્વ બજારમાં દેખાઈ હતી. જો કે ત્યારબાદ ક્રૂડના ભાવ ફરી ઉછળ્યા હતા. દરમિયાન, એપ્રિલ મહિનાથી વિવિધ નિયમો ઘરઆંગણાના ઝવેરી બજારો માટે સરકાર દ્વારા બદલાયા છે. ગોલ્ડ-સિલવરની કિંમત નક્કી કરવાના પેરામીટર્સ બદલાયા છે તથા હવે ઘરેલુ આધાર પર પ્રાઈસીંગ નક્કી કરવામાં આવનાર છે. આ ઉપરાંત બધી બેન્કો તથા કોપરેટીવ, ફાઈનાન્સ કંપનીઓ હવે ફિઝીકલ સિલ્વર સામે લોન વિશેના નિયમો બદલાયા હતા. આ ઉપરાંત સેકન્ડરી બજારમાંથી ગોલ્ડ બોન્ડની ખરીદી કરનારા રોકાણકારોને પાકતી મુદતે ટેક્સની છૂટ મળશે નહિં એવું પણ જાણવા મળ્યું છે. ગોલ્ડ-સિલ્વર ઈટીએફના પ્રાઈસીંગમાં બદલાવ આવશે એવી ગણતરી જાણકારો બતાવી રહ્યા હતા.


