Get The App

કોફીની નિકાસ બે અબજ ડોલર નજીક પહોંચતા નવો રેકોર્ડઃ પાંચ વર્ષમાં નિકાસ બમણી થઈ ગઈ !

Updated: Jan 4th, 2026

GS TEAM

Google News
Google News
કોફીની નિકાસ બે અબજ ડોલર નજીક પહોંચતા નવો રેકોર્ડઃ પાંચ વર્ષમાં નિકાસ બમણી થઈ ગઈ ! 1 - image

- ઊભી બજારે - દિલીપ શાહ

- બ્રાઝીલ તથા વિયેતનામની સપ્લાય વિશ્વ બજારમાં ઓછી આવતાં ઈમ્પોર્ટરો ભારતની કોફી તરફ વળ્યાના નિર્દેશો

ભારતમાં કોફી બજાર તથા ઉદ્યોગ ક્ષેત્રે સમીકરણો તાજેતરમાં બદલાતા રહ્યા છે. દેશમાં આ પૂર્વે કોફીનું ઉત્પાદન તથા કોફીનો વપરાશ માત્ર દક્ષિણના રાજ્યો પુરતો સિમિત રહેતો હતો પરંતુ તાજેતરના વર્ષોમાં હવે દેશના વિવિધ શહેરોમાં પણ કોફીનો વપરાશ વધી રહ્યાના વાવડ મળ્યા હતા. આ વિવિધ શહેરોમાં ખાસ કરીને યુવાવર્ગમાં કોફી વધુ પીવાતી થઈ છે. જોકે હજી પણ ભારતમાં કુલ વપરાશ ગણતાં એકંદરે દેશવ્યાપી ધોરણે ચાની માગ વધુ રહી છે તથા ચાની સરખામણીએ કોફીની માગ ઓછી રહી છે. જોકે હવે આ દિશામાં સિનારીયો બદલાઈ રહ્યાના સંકેતો તાજેતરના વર્ષોમાં મળતા થયા છે. દરમિયાન, ભારતમાંથી કોફીની નિકાસમાં પણ તાજેતરમાં ખાસ્સી વૃધ્ધિ થયાના વાવડ મળ્યા છે. ભારતમાંથી કોફીની નિકાસ ૨૦૨૫માં અત્યાર સુધીના ગાળામાં વધી આશરે રૂ.૧૭ હજાર કરોડની સપાટી પાર કરી ગઈ હોવાનું નિકાસ બજારના જાણકારો જણાવી રહ્યા હતા. ગયા વર્ષે ૨૦૨૪માં આ ગાળામાં આવી નિકાસ રૂ.૧૩ હજાર કરોડથી વધુ રૂ.૧૩૬૨૦થી ૧૩૬૨૫ કરોડ જેટલી થઈ હતી તેની સામે આ વર્ષે આવી નિકાસ વધી રૂ.૧૭૧૦૫થી ૧૭૧૧૦ કરોડ આસપાસ થઈ હોવાનું જાણકારો જણાવી રહ્યા હતા. આ વર્ષે કોફીની નિકાસમાં પાછલા વર્ષની સરખામણીએ આશરે ૨૫થી ૨૬ ટકાની વૃધ્ધિ જોવા મળી છે. ડોલરના સંદર્ભમાં આ વર્ષે કોફીની નિકાસ વધી બે અબજ ડોલરના મથાળાને આંબી જતાં નવો રેકોર્ડ સર્જાયાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. પાછલા પાંચ વર્ષના ગાળામાં દેશમાંથી કોફીની નિકાસ વધી બમણી થઈ ગઈ હોવાનું તજજ્ઞાોએ જણાવ્યું હતું.ભારતની કોફીમાં રશિયાની માગ તાજેતરમાં વધતી જોવા મળી હતી.

વિશ્વબજારમાં માગ કરતા ઓછી સપ્લાય વચ્ચે કોફીના વૈશ્વિક ભાવ ઉંચા જતા જોવા મળ્યા છે તથા તેના પગલે દરીયાપારના બજારોમાં ભારતની કોફીની માગમાં નોંધપાત્ર વૃધ્ધિ તાજેતરમાં  જોવા મળી છે. આ વર્ષે ૧૬મી ડિસેમ્બર સુધીના આંકડા જોતાં કોફીની નિકાસ વધી ૧૯૬થી ૧૯૭ કરોડ ડોલર થઈ છે જે પાછલા વર્ષે આ ગાળામાં ૧૬૨થી ૧૬૩ કરોડ ડોલર થઈ હતી. આ આંકડા આશરે ૨૦થી ૨૧ ટકાની નિકાસ વૃધ્ધિ દર્શાવતા હતા. રૂપિયાના સંદર્ભમાં નિકાસ વેલ્યુમાં આ ગાળામાં આશરે ૨૬ ટકાની વૃધ્ધિ થઈ છે. કોફીની નિકાસ વધી પ્રથમ વખત બે અબજ ડોલરની ઉપર જવાની ગણતરી જાણકારો બતાવી રહ્યા હતા. ૨૦૨૧માં આપણે કોફીની નિકાસ રૂ.૬૮૯૪ કરોડની કરી હતી તે ૨૦૨૨માં વધી રૂ.૮૭૨૨ કરોડ તથા ૨૦૨૩માં વધુ વધી આવી નિકાસ રૂ.૯૫૫૫ કરોડની નજીક પહોંચી હતી. ત્યાર પછીના વર્ષોમાં પણ નિકાસ વૃધ્ધિ જળવાઈ રહી હતી. ૨૦૨૪ના વર્ષમાં ભારતમાંથી કોફીની નિકાસ વધી પ્રથમ વખત રૂ.૧૦ હજાર કરોડની ઉપર જઈ ઝડપી રૂ.૧૪ હજાર કરોડની સપાટી પણ પાર કરી રૂ.૧૪૦૪૬ કરોડ નોંધાતાં આશ્ચર્ય સર્જાયું હતું. જોકે એ પછી નિકાસ વૃધ્ધિની ગતી ઉંચી રહેતાં ૨૦૨૫ના વર્તમાન વર્ષમાં કોફીની નિકાસ વધુ વધી રૂ.૧૭ હજાર કરોડની સપાટી પણ પાર કરી ગયાના વાવડ મળ્યા હતા. દર વર્ષે ભારતની કોફીની નિકાસ વધતી રહી છે તથા દર વર્ષે આવી નિકાસમાં નવા- નવા રેકોર્ડ સર્જાતા રહ્યા છે.

વિશ્વબજારના સૂત્રોના જણાવ્યા મુજબ બ્રાઝીલ તથા વિયેતનામની કોફીની સપ્લાય તાજેતરના વર્ષોમાં વિશ્વબજારમાં અપેક્ષાથી ઓછી રહેતાં તથા વૈશ્વિક ભાવ પણ ઉંચા જતાં દરીયાપારના આયાતકારો ભારતની કોફી તરફ વધુ વળી રહ્યાના વાવડ મળ્યા હતા. વિશ્વબજારમાં તાજેતરના વર્ષોમાં કોફીના ભાવ વધી બમણા થઈ ગયા હોવાનું કોફી નિકાસકારોએ જણાવ્યું હતું. જોકે ભારતની કોફીના ભાવ વધતાં ખાસ કરીને યુરોપના દેશોના આયાતકારોએ તાજેતરમાં કોફી માટે અન્ય દેશો તરફ નજર દોડાવી હોવાના સમાચાર પણ મળી રહ્યા હતા. આમ આ વર્ષે ભારતની કોફીની નિકાસ મુલ્યના સંદર્ભમાં વધી છે ત્યારે કોફીની નિકાસ જથ્થા- પ્રમાણના સંદર્ભમાં ઘટી હોવાનું બજારના તજજ્ઞાએ જણાવ્યું હતું.