Get The App

વૈશ્વિક બજારમાં ભારતીય કોફીની બોલબાલા

Updated: Nov 3rd, 2025

GS TEAM

Google News
Google News
વૈશ્વિક બજારમાં ભારતીય કોફીની  બોલબાલા 1 - image

- ઊભી બજારે - દિલીપ શાહ

- ભારત વિશ્વમાં કોફીનો સાતમો સૌથી મોટો ઉત્પાદક અને પાંચમો સૌથી મોટો નિકાસકાર દેશ 

ભારતની કોફી ફરી એકવાર દુનિયાનું ધ્યાન ખેંચી રહી છે. એક સમય એવો હતો કે આપણો દેશ ચા માટે વધુ જાણીતો હતો, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. આજે ભારતીય કોફીને આંતરરાષ્ટ્રીય બજારમાં એક અલગ ઓળખ મળી રહી છે. નિકાસ સતત વધી રહી છે, આધુનિક કેફે સંસ્કૃતિ ફૂલી-ફાલી રહી છે અને ઘર સુધી ઉચ્ચ ગુણવત્તાની કોફી પહોંચાડતી કંપનીઓ ઝડપથી બિઝનેસ વધારી રહી છે.

સરકારી અધિકારીઓ કહે છે કે વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતની કોફીની નિકાસનો આંકડો ૨ અબજ ડોલરને પાર જઈ શકે છે. પાંચ વર્ષ પહેલા જ્યાં નિકાસ માત્ર ૭૨૦ મિલિયન ડોલર હતી, ત્યાં હવે અડધા વર્ષમાં જ તેનો મોટાભાગ હાંસલ થઈ ગયો છે. આ સમજવા જોગ સિદ્ધિ છે.

તાજેતરના મુક્ત વેપાર કરારો (ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ)એ ખાસ ફરક પાડયો છે. યુરોપના ચાર દેશો-નાર્વે, સ્વિટ્ઝરલન્ડ, આઇસ્લન્ડ અને લિખનસ્ટેઇન સાથેનો કરાર અને યુકે સાથે થનાર કરાર ભારતીય કોફી માટે વિશાળ બજાર ખોલશે. આ દેશોમાં પ્રીમિયમ કોફીનો ખાસ ક્રેઝ છે અને ભારતીય રોબસ્ટા તથા અરેબિકા માટે નવી માગ ઊભી થશે.

કોફી મુખ્યત્વે કર્ણાટક, કેરળ અને તામિલનાડુમાં ઉગાડવામાં આવે છે. કર્ણાટકનું કૂર્ગ, ચિક્મગલુર અને હસન જિલ્લાઓ એમાં મુખ્ય છે. અહીંના ખેડૂતોને સ્વાભાવિક ગર્વ છે, પરંતુ એમની સામે મોટા પડકારો પણ છે. 

ખેડૂતો કહે છે કે વરસાદની અનિયમિતતા, કામદારોની કમી, જંગલી પ્રાણીઓ દ્વારા થતું નુકસાન અને વીમાની અછત એ બધા પ્રશ્નોથી તેઓ ચિંતિત છે. કિંમતોની મોટી વધ-ઘટ એમની આથક યોજના ખોરવી નાખે છે. સરકાર તરફથી નવું સંશોધન, ઓછા દરે ધિરાણ અને ભાવ સ્થિરતા તેમની મુખ્ય માગણીઓ છે.

આ ક્ષેત્રમાં કેન્દ્રિય કોફી સંશોધન સંસ્થા મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ વર્ષે સંસ્થા ૧૦૦ વર્ષની થાય છે અને કોફીની બે નવી જાતો - એસ૪૫૯૪ અને એસ૫૦૮૬ રજૂ કરી રહી છે. આ બન્ને જાતો જીવાત સામે રક્ષણ પૂરું પાડવા ઉપરાંત વધુ ઊપજ ધરાવે છે. જેમ જેમ બાગાયત માટે જમીન મર્યાદિત બની રહી છે, તેમ તેમ ઉત્પાદન વધારવા માટે આવી જ જાતોની જરૂર છે.

જો તમને લાગે કે કોફી માત્ર નિકાસ માટે હોય છે, તો તમારે હવે વિચાર બદલવાની જરૂર છે. એનું કારણ એ કે ભારતની અંદર પણ કોફીનો ક્રેઝ વધી રહ્યો છે. છેલ્લા દાયકામાં શહેરોમાં માત્ર કેફે જ નહીં, પરંતુ નવી લાઇફસ્ટાઇલ ઊભી થઈ છે. કોફી પીતાં પીતાં કામ, મીટિંગ, વાંચન અને મિત્રતા, એ બધું જ થતું હોય છે.

કોસ્ટા કોફી, બ્લૂ ટોકાઈ જેવી બ્રાન્ડ્સ ઝડપથી વિસ્તરી રહી છે. નેસ્લેનું નેસ્પ્રેસો પણ ભારતીય બજારમાં આવી ગયું છે. ગ્રીસની કોફી આઇલેન્ડ અને અન્ય આંતરરાષ્ટ્રીય ચેઇન્સ હવે ભરપૂર રોકાણ કરી રહી છે.

એક રસપ્રદ બાબત એ છે કે ભારતની કોફીની વપરાશ હજી દુનિયા કરતા બહુ ઓછી છે. અહીં વ્યક્તિદીઠ સરેરાશ વપરાશ ૦.૦૭ કિલો છે, જ્યારે વૈશ્વિક સરેરાશ ૧.૩ કિલો છે. બીજા શબ્દોમાં કહીએ તો, વિકાસની તક ખૂબ મોટી છે. દ્વિતીય અને તૃતીય સ્તરનાં શહેરોમાં કેફે ખોલવામાં આવી રહ્યા છે અને ઘરોમાં ફિલ્ટર કોફીનું ચલણ પણ વધી રહ્યું છે. 

ભારત વિશ્વમાં કોફીનું સાતમો સૌથી મોટો ઉત્પાદક અને પાંચમો સૌથી મોટો નિકાસકાર દેશ છે, છતાં વૈશ્વિક સ્તરે લેટિન અમેરિકા અને આફ્રિકાની કોફીની બોલબાલા છે. યુરોપ, ખાસ કરીને જર્મની અને ઇટાલી, ભારતીય કોફીનાં મોટાં બજાર છે. 

નોંધનીય છે કે આંતરરાષ્ટ્રીય કોફી ઇવેન્ટ્સમાં ભારતની હાજરી વધી રહી છે. બેંગ્લોરે વિશ્વ કોફી કોન્ગ્રેસનું આયોજન કર્યું હતું, જે વૈશ્વિક માન્યતાનું પ્રતીક છે.