Get The App

વિશ્વના અન્ય દેશોના અર્થતંત્રની તુલનાએ ભારતની સતત આગેકૂચ

Updated: Oct 19th, 2025

GS TEAM

Google News
Google News
વિશ્વના અન્ય દેશોના અર્થતંત્રની તુલનાએ ભારતની સતત આગેકૂચ 1 - image

- અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા

- ટેરિફથી નારાજ ભારત ચીન અને રશિયા સાથે બેસી ગયું

ટ્રમ્પના દંડનાત્મક ટેરીફનો ભારતે સામનો કર્યો છે પરંતુ તેમ કરવામા ટ્રમ્પના મતાનુસાર ભારત, રશિયા અને ચીનની વધુ નજીક આવી ગયું છે તેથી ટ્રમ્પના પાસા ઊંધાં પડયા છે. ભારત જગતના મોટા અર્થકારણોવાળા દેશોની સરખામણીએ ૬ ટકાથી કાઈક વધારે દરે સડસડાટ પ્રગતિ કરી રહ્યું છે. જ્યારે અમેરીકા માત્ર ૩ ટકાના સરાસરી દરે આર્થિક વૃદ્ધિ કરી રહ્યું છે અને ભારતમા ફુગાવાનો દર અત્યારે ૪ ટકાથી નીચે છે તે બાબત પણ ટ્રમ્પને પસંદ પડી હોય તેમ જણાતુ નથી. ભારત ટ્રમ્પને પડકારશે તેવો તેમને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો. તેમના ધાર્યા કરતા ભારત ઘણું હોંશીયાર ચાલાક સાબીત થયું છે.

ટ્રમ્પે ભારત પર ૫૦ ટકાનો દંડનાત્મક ટેરીફ ભારતમાંથી અમેરિકા ખાતે નિકાસ થતા માલ પર નાખ્યો તે પહેલા ભારતની અમેરિકા ખાતેની મોટાભાગની નિકાસ પર અમેરીકાનો ટેરીફ દર એક વર્ષ પહેલા માત્ર ૩ ટકા હતો !!! ૩ ટકા પરથી સીધ્ધો ૫૦ ટકા દર નાખવાનો ટ્રમ્પનો નિર્ણય તઘલકી જ ગણાય. આપણી કુલ નિકાસનો એક મોટો ભાગ શ્રમઘનિષ્ઠ પ્રોડક્ટસ છે જેમાં વસ્ત્રો, ટેક્ષ્ટાઇલ કાપડ, જ્વેલરી, કાર્પેટ, ફર્નીચર, સમુદ્રી પ્રોડક્ટ વગેરેનો સમાવેશ થાય છે. આ પ્રોડક્ટસ પર સીધો ૫૦ ટકાનો આયાતવેરો અમેરીકન ગ્રાહકોની માગને એકદમ ઘટાડી નાખશે જેથી ભારતમા આ શ્રમઘનિષ્ઠ ઉપયોગમા મોટા બેકારી ઉભી થાય તેવો સંભવ છે. અમેરિકાનો આ બાબતમા ભેદભાવ તો જુઓ !! બ્રાઝીલ અને ભારતને ડોનાલ્ડ ટ્રમ્પે દંડયા છે જ્યારે ચીન પર માત્ર ૩૦ ટકા, વીયેતનામ પર ૨૦ ટકા, યુરોપીઅન યુનિયન અને જાપાન પર ૧૫ ટકા વધારાનો ટેરીફ નાંખ્યો છે. જમણેરી રાજકારણ એટલે અમારો દેશ સર્વશ્રેષ્ઠ, અમારૂ કલ્ચર સર્વશ્રેષ્ઠ, અમારી આર્ય જાતી અને અમારી મૂડીવાદી પ્રથા જગતમા સર્વશ્રેષ્ઠ, જગતમા ધોળીપ્રજા સર્વશ્રેષ્ઠ, અમારો ધર્મ જગતનો સર્વશ્રેષ્ઠ અને સહિષ્ણુ, સ્ત્રીઓ કરતા પુરૂષો વધુ હોંશિયાર અને બુધ્ધીશાળી. ડોનાલ્ડ ટ્રમ્પ એક બાબતથી ગાંડાતૂર બની ગયા છે કે ભારત પર ૫૦ ટકા ટેરીફ નાખવાને કારણે નારાજ ભારત અમેરિકાનો બે કટ્ટર દુશ્મનો રશિયા અને ચીનના ખોળામા બેસી ગયું છે. કોઇને કલ્પના પણ ન હતી કે લોકશાહી ભારત જ્યાં ચૂંટણીઓ દ્વારા જ કેન્દ્ર અને રાજ્ય સરકારો ચૂંટાય છે અને જેણે છેલ્લા ૭૫ વર્ષથી લોકશાહી સતત ચાલુ રાખી છે. (ઇર્મજન્સી, ડેકલેરેશન પણ ભારતીય કોન્સ્ટીટયુશનની મર્યાદામાં રહીને થયુ હતુ) તે હવે બે સૌથી વધૂ ક્રૂર સામ્યવાદી દેશોના ખોળામાં બેસી જાય તે ડોનાલ્ડ ટ્રમ્પ કેવી રીતે ચલાવી લે ? બીજુ એ કે ભારતની વસતી ગાંડીતુર નદીની માફક મર્યાદાને પાર કરી ગઈ છે અને તે ૧૪૬ કરોડને પાર કરી ગઇ છે. આ બાબતમા કેન્દ્ર સરકારે તદ્દન ઉદાસીનતા દાખવી છે. ભારતની એકલા યુ.પી.ની જ વસતી પશ્ચિમ યુરોપના કોઈપણ દેશ કરતા વધારે છે. ભારતમા આ વસતી વધારાને જાણે સમર્થન કરતા હોય તે રીતે વિનોબાએ જણાવ્યું હતું કે નવજાત સંતાન માત્ર એક મો ધરાવતું હોય છે પરંતુ તેને બે હાથ હોય છે તેથી વસતી વધારાનો કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી. માત્ર ભારતમા જ નહી પરંતુ સમગ્ર એશિયા વસતી વધારાની બાબતમા જગત માટે ભારરૂપ થઇ રહ્યું છે. લોકો એસેટ છે. ભારતના અર્થકારણના બે પ્લસ પોઇન્ટસ માટે ભારતને કોમ્પ્લીમેન્ટસ આપવા પડે છે (૧) ભારતની સરકાર બીજેપી હોય કે કોંગ્રેસ જગતમા મોટા અર્થકારણમા ભારત આર્થિક વૃદ્ધીદરની બાબતમા નંબર એક પર છે. 

પરંતુ સંપત્તીની અને આવકની સમાન વહેંચણીની બાબતમા ભારત ઢ છે અને અમેરીકા પણ ઢ છે. બીજું ભારતને ફુગાવાના દરને પણ કાબુમા રાખતા આવડી ગયું છે એટલે ભારતે રેપીડ ઇકોનોમીક ગ્રોથ વીધઆઉટ હાઈ ઇન્ફ્લેશનની કળા હસ્તગત કરી લીધી છે. ભારતને હજી લોકોને ભરપૂર શિક્ષણ અને સ્વાસ્થ્ય સેવાએ લગભગ તદ્દન ઓછા ભાવે કેમ પૂરી પાડવી તે આવડયું નથી. ભારતના કોઈપણ પક્ષના રાજકારણીઓને દેશમાંથી અધધધ ભ્રષ્ટાચાર દૂર કરવાનું આવડયું નથી.