- અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા
- દેશમાં વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ ઈંધણના ભાવ વધે તેવી શક્યતા
આંતરરાષ્ટ્રીય રાજકારણમાં અમેરીકાએ હંમેશા માર ખાધો છે. અમેરીકાની જંગી મીલીટરી તાકાત તેને કામે લાગી નથી ક્યુબાની સાથેના 'બે ઓફ પીગ્ઝ' નામથી જાણીતા સંઘર્ષમાં અમેરીકાની ક્યુબાના ફીડલ કાસ્ટ્રોએ અમેરીકાને હરાવ્યું હતું.
અમેરીકાને વિયેટનામ યુદ્ધમાંથી પીછેહઠ કરવી પડી હતી અને હવે ઉત્તર વિયેટનામ અને દક્ષિણ વિયેટનામ એક થઈ ગયા છે અને વિયેટનામ હવે આર્થિક પ્રવૃત્તિઓથી ધમધમી રહ્યું છે. ૧૯૫૦ના દાયકામાં અમેરીકાએ ઉત્તર કોરિયામાંથી પણ પીછેહઠ કરવી પડી હતી.
અમેરીકાએ અફઘાનીસ્તાનમાંથી પણ પીછેહઠ કરવી પડી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે ૧૪ દિવસનો યુદ્ધવિરામ જાહેર કરવો પડયો તેને ઈરાન પોતાનો વિજય ગણે છે. ઈરાને અમેરીકાના ગલ્ફ દેશો જેને અમેરીકાના મિત્રો ગણી શકાય તેવા સાઉદી અરેબીયા, કતાર અને યુનાઇટેડ આરબ એમીરેટસ પર હવાઈ હુમલાઓ કરીને ૬.૪૬ લાખ કરોડ રૂપિયાનું નુકશાન કર્યું તેથી આ દેશોને લાગે છે કે ટ્રમ્પે પાડાને વાંકે પખાલીને ડામ દીધા છે. કદાચ ઈરાનના આ ગલ્ફ દેશો પરના હુમલાઓથી ગભરાઈ જઈને જ ડોનાલ્ડ ટ્રમ્પે ૧૪ દિવસોનો યુદ્ધવિરામ જાહેર કર્યો છે. ઈરાન તેને અમેરીકા સામે પોતાની જીત થઈ તેમ માને છે અને યુદ્ધવિરામ સમયે તેણે અમેરીકા સમક્ષ એ શરત મુકી છે કે તાજેતરના અમેરીકન હુમલાઓ દરમિયાન ઈરાનને જે નુકશાન થયું છે તે તમામની અમેરીકા ભરપાઈ કરી આપે.
ડોનાલ્ડ ટ્રમ્પનું અંતિમ ધ્યેય હોર્મુઝ ખાડીને ઈરાનના કબજામાંથી છોડાવાનું હતું પરંતુ ઈરાન માટે હોર્મુઝની ખાડી તેના નાણાકીય બજેટનો શ્વાસ અને પ્રાણ છે. હોર્મુઝની ખાડી પર ઈરાનનું સાર્વભૌમત્વ હોવાથી આ ખાડી ઈરાનની ટંકશાળ છે.
દરરોજ ઈરાનની ખાડીમાંથી લગભગ રોજના ૪૦૦ ઓઈલ ટેન્કર્સ પસાર થાય છે અને ઈરાન દરેક ટેંકર પાસેથી સરાસરી ૧૮ કરોડ રૂપિયાનો 'ટોલ ટેક્ષ' વસૂલ કરે છે. આ ટેક્ષ ડોલર્સમાં વસૂલવામાં આવે છે પરંતુ ઈરાન પર ચીનની એટલી જબરજસ્ત પકડ છે કે ઈરાને હવે આ ટોલટેક્ષ યુઆન (ચીનનું ચલણ) પર પણ આપી શકાય તેવી સગવડ ચીનને કરી આપી છે. ચીનની કદાચ અંતિમ ખ્વાહિસ પેટ્રોડોલર્સને બદલે 'પેટ્રોયુઆન'નું જગતમાં ચલણ વધે અને જગતમાં ડોલરનું ઈન્ટરનેશનલ કરન્સી તરીકે પ્રભુત્વ ઘટે તે પણ હોઈ શકે છે. યાદ રહે કે હોર્મુઝની ખાડી ઈરાન માટે કુદરતની બક્ષીસ છે જે ઈરાન માટે સોનાની ખાણ બની છે તેથી ઈરાન હોર્મુઝની ખાડી પરની માલીકીનું કોઈપણ ભોગે રક્ષણ કરવા માંગે છે.
ઈરાન એમ જ માને છે કે તે અમેરીકા સામેના જંગમાં જીતી ગયું છે કારણ કે તેણે અમેરીકાના પ્રેસીડેન્ટ ટ્રમ્પને ૧૪ દિવસ યુદ્ધ મોકૂફી માટે ફરજ પાડી છે. ઈરાન અમેરીકાના દાંત ખાટા કરી નાંખશે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પઝશેકિયા પણ 'રીયાલીટી ઓરીએન્ટેશન' ગુમાવી ચુક્યા છે.
ઈરાન સામે ટ્રમ્પે જે યુદ્ધ જારી કર્યું છે તે કારણે ટ્રમ્પનું રેટીંગ ૫૫ ટકાથી ઘટીને ૪૦ ટકા થઈ ગયું છે. રીપબ્લીકન ટ્રમ્પને અમેરીકાના ડેમોક્રેટસ ઘેરી રહ્યા છે અને ટ્રમ્પ વિરૂદ્ધ મહાઅભિયોગ (ઈમ્પીચમેન્ટ)ની શક્યતા વધી રહી છે. ઈરાન વિરૂદ્ધ યુદ્ધ જાહેર કરીને ટ્રમ્પે જગતને તેમજ ભારતને અતિશય નુકશાન કર્યું છે. જે દેશો ઓઈલની આયાત કરે છે તે તમામ દેશોમાં ફેબુ્રઆરી ૨૦૨૬ પછી તેલ અને ગેસની કિંમત ૨૫ ટકા કે તેથી વધુ થઈ ગઈ છે.
ભારતમાં તેલની કિંમતમાં આટલો મોટો વધારો થયો નથી પરંતુ ભારતનું તેલ-ગેસના ભાવો પરનું નિયંત્રણ ઝાઝો સમય ચાલે તેમ નથી કારણ કે ભારતનું જાહેર દેવું અને રાજકોષીય ખાધ ઊંચી છે. અત્યારે ઘણા રાજ્યોમાં ચૂંટણીઓ હોવાથી સરકારે તેલ-ગેસના ભાવો કાબુમાં રાખ્યા છે પરંતુ ચૂંટણીઓ બાદ પર ભાવો નવી ઊંચાઈએ પહોંચશે.


