- અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા
- વિશ્વમાં ક્રૂડનું સૌથી વધુ ઉત્પાદન અને વપરાશ અમેરિકા કરે છે
જગતમા સૌથી વધુ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કરનાર દેશ અમેરિકા છે પરંતુ તે પોતે જ એટલુ બધુ ક્રૂડ ઓઇલ વાપરી નાખે છે કે તેની ક્રૂડ ઓઇલની અન્ય દેશોમાં નિકાસ નહીવત છે. અમેરીકા જગતમા કુલ ક્રૂડ ઓઇલના ઉત્પાદનના ૨૦ ટકા અને તે પછી રશિયા (૧૨ ટકા), સાઉદી અરેબિયા (૧૨ ટકા) કેનેડા (૬ ટકા), ઇરાન (૫ ટકા), ઇરાક, ચીન, યુએઆઈ અને બ્રાઝીલ (દરેક દેશ ૪ ટકા) અને કૂવૈત (૩ ટકા) અને તે પછી કઝાકીસ્તાન અને મેક્સીકો (દરેક ૨ ટકા)નો નંબર આવે છે. નવાઈ લાગે કે અમેરીકા ક્રૂડ ઓઇલની આયાત કરે છે અમેરીકા કરતા રશિયાના ક્રૂડ ઓઇલની નિકાસ ઘણી વધારે છે.
નવાઈ લાગે તેવી વાત એ છે કે અમેરીકા ઘણા દેશો પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદે છે કારણ કે તે અમેરિકાને સોંઘુ પડે છે. અમેરીકામાં ઓઈલ રીફાઈનીંગની જબરજસ્ત મોટી કંપનીઓ છે તેમા રીફાઈન્ડ કરેલુ ક્રૂડ ઓઇલ તે જગતના દેશોમાં વેચે છે અને પોતાને ત્યાં ઉત્પાદીત થતુ ક્રૂડ ઓઇલને બને તેટલું રીઝર્વમાં રાખે છે. ૨૦૨૧મા અમેરિકાએ ૪૦ ટકા ક્રૂડ ઓઇલનું જે પોતાની રીફાઈનરીઝમા પ્રોસેસીંગ કર્યું તે વિદેશથી આયાત કર્યું હતું જેમાં તેણે આયાતના ૩ ટકા ક્રૂડ ઓઇલ રશિયા પાસેથી ખરીદ્યું હતું. અમેરીકાની એક વાત સાચી છે કે રશિયા તેની ક્રૂડ ઓઇલની નિકાસમાંથી ખૂબ મોટું વિદેશી હૂંડિયામણ કમાય છે.
યાદ રહે કે અમેરિકાની ૩૦ ટ્રીલીયન જેટલી જીડીપીની સરખામણીમા રશિયાની જીડીપી માત્ર બે ટ્રીલીયન ડોલર્સથી થોડીક વધારે છે. એનો અર્થ એ કે રશિયાની નાનકડી જીડીપીમા ક્રૂડ ઓઇલની નિકાસનો મોટો ફાળો છે. ભારતને રશિયાના ડીસ્કાઉન્ટેડ ક્રૂડ ઓઇલની ખરીદીમા પુષ્કળ મોટો ફાયદો થાય છે.
ભારતનું ક્રૂડ ઓઇલનું ઉત્પાદન બહુ જ ઓછું છે પરંતુ ભારતમા ઓઇલ રીફાઈનીંગની જબરજસ્ત મોટી ઉત્પાદન ક્ષમતા છે તેથી તે રશિયા સહિત અન્ય દેશોમાંથી ક્રૂડ ઓઇલની આયાત કરી તેનું ભારતમાં રિફાઈનીંગ કરી અન્ય દેશોને વેચે છે.
આ વાત ડોનાલ્ડ ટ્રમ્પ સમજતા નથી કે સમજવા તૈયાર નથી. તેઓની એક વાત સાચી છે કે રશિયા જગતમા બીજા નંબરનો ક્રૂડ ઓઇલ તેલનું નિકાસ કાર હોવાથી તેને યુક્રેન સાથે યુદ્ધ કરવાનુ પોસાય છે પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ ક્રૂડ ઓઇલને રાજકીય વ્યૂહરચનાનો ભાગ બતાવે તે બાબત યોગ્ય જણાતી નથી. આમ પણ રશિયન મેન્યુફેકચર્ડ ગુડઝનું કે સેવાઓનું જગતના વ્યાપારમા બહુ જ નીચુ 'રેપ્યુટેશન' છે.
ભારતના માર્ગોે પર તમે કોઈ રશિયન બનાવટની કાર કે ટ્રક કે ટ્રેકટર કે વસ્ત્રો કે સાધનો ભાગ્યે જ જોયા હશે. વળી ચીન, રશિયા અને ઉત્તર કોરિયાના તેના સરમુખત્યારો જીવનભર માટે સત્તા પર ચઢી બેઠા છે તેથી પણ રશિયાની રાજકારણની બાબતમાં આંતરરાષ્ટ્રીય આવક ઓછી થઇ ગઈ છે. ટૂંકમા જગતમા જેટલું ક્રૂડ ઓઇલનું ઉત્પાદન (એટલે કે ઉત્ખનન) થાય છે તેમા ૨૨ ટકા જેટલો સિંહભાગ અમેરીકાનો છે જે ૨૦ ટકા તો પોતાને માટે જ વાપરી નાખે છે અને માત્ર ૨ ટકા ક્રૂડ ઓઇલની નિકાસ કરે છે.
ભારત સાર્વભૌમકતા ધરાવતો દેશ છે. ડોનાલ્ડ ટ્રમ્પ ભારતને હુક્મ આપી શકે નહીં કે તમારે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું નથી. વળી ભારત ઘણો સ્વમાની દેશ છે તે અમેરીકાનો ખંડિયો દેશ બની શકે નહીં. ભારતની નબળાઈ એ છે કે તે સરાસરી માથાદીઠ આવકની દ્રષ્ટિએ જગતનો સૌથી વધુ ગરીબ લોકશાહી દેશ છે.
ભારતની આજુબાજુના પાડોશી લોકશાહી દેશો જે કદમા ઘણા નાના હોવા છતાં અને સંખ્યામાં ઘણા ઓછા હોવા છતા તેઓની સરાસરી માથાદીઠ આવક ભારત કરતા વધારે છે. (દા.ત. આયર્લેન્ડ, સીંગાપોર, વગેરે) અલબત્ત આફ્રીકાના મોટાભાગના દેશોની સરાસરી માથાદીઠ આવક ભારતની માથાદીઠ આવક કરતા પણ ઓછી છે પરંતુ આ દેશોમા ભાગ્યે જ લોકશાહી જોવા મળે છે.


