Get The App

વિશ્વની આર્થિક, રાજકીય સમસ્યા હલ કરવામાં સરેઆમ નિષ્ફળતા

Updated: Nov 30th, 2025

GS TEAM

Google News
Google News
વિશ્વની આર્થિક, રાજકીય સમસ્યા હલ કરવામાં સરેઆમ નિષ્ફળતા 1 - image

- અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા

- જમણેરીઓ પરંપરાવાદી હોય છે જ્યારે ડાબેરીઓ પરંપરા તોડનારા

જગતની આર્થિક અને રાજકીય સમસ્યા હલ કરવામાં તમામ વિચારસરણીઓ નિષ્ફળ નીવડી છે.

મૂડીવાદે જગતને રાજાશાહી અને ફયુડાલીઝમમાંથી મુક્ત કર્યું પરંતું તે પછી મૂડીવાદ ફસડાઈ પડયો. જગતના રાજકારણમાં, અર્થકારણમાં મૂડીવાદ ઉપરાંત અનેક વાદો જોવા મળે છે. સામ્યવાદ, સમાજવાદ, માઓવાદ, નક્ષલવાદ વગેરે. અંગ્રેજીમાં આને પોલીટીકલ સ્પેકટ્રમ કહે છે.

સ્પેકટ્રમ એટલે રંગપટલ કે મેઘધનુષ્ય જેમા સાતેય રંગો જેમની સરહદો સ્પષ્ટ રીતે જુદી પડતી નથી. એક રંગની સરહદ પૂરી થાય તે પહેલા તેમા બીજો રંગ શરૂ થઇ જાય છે. રાજકારણમાં પણ આવું સ્પેકટ્રમ જોવા મળે છે.

અલબત્ત જગતમાં ડાબેરી વિચારધારા ૧૯૧૭માં રશિયામાં ઓકટોબર ૧૯૧૭ની ક્રાંતિ સાથે શરૂ થઈ અને તેણે અતિજમણેરી ઝારશાહીને ખતમ કરીને રાજાશાહીનો અંત આણ્યો પરંતુ લેનીન-સ્ટાલીનની ડાબેરી સામ્યવાદી વિચારસરણી વિકૃત થઈને અતિ ડાબેરી (ફાર લેફટ) થઈ ગઈ અને ફાર લેફટથી આગળ વધીને સ્ટાલીને રશિયાના ઝાર કરતા પણ વધુ ક્રૂરતા (એકસ્ટ્રીમ લેફટ) આચરી તે વાતો સોવિયેટ રશિયાના ખુદ ક્રૂશ્ચેવે ખુલ્લી પાડી ત્યારે જ જગતના લોકોને ખ્યાલ આવ્યો કે સ્ટાલીન સરકાર ડાબેરીમાંથી અતિડાબેરી અને આત્યંતિક ડાબેરી કેવી રીતે થઈ ગઈ. ચીનમાં પણ માઓવાદ ડાબેરીવાદી (ફાર લેફટ) અતિડાબેરી અને પછી એકસ્ટ્રીમ લેફટ થઈ ગયો. અતિ ડાબેરી સરકારો વિરોધીઓને દબાવવા કે મારી નાખવા લેબર કેમ્પ્સ (ગુલાગ્ઝ)ની રચના કરે છે.

ભારતમાં એક જમાનામાં ઊભો થયેલો સ્વતંત્ર પક્ષ જમણેરી વિચારધારા ધરાવતો હતો અને જવાહરલાલ નહેરૂના નેતૃત્વ હેઠળ કોંગ્રેસ પક્ષ મધ્યમમાર્ગી લીબરલ લોકશાહી વિચારસરણી ધરાવતો હતો.

તેમાંથી ધીમેધીમે તેને સોશીયાલીસ્ટીક પેર્ટન ઓફ સોસાયટીની દિશામાં નહેરૂ આગળ લઈ ગયા તેને ડાબેરી દિશાનું પગલું ગણી શકાય પરંતુ તેમણે રચેલું ભારતનું મિશ્ર અર્થકારણ (ખાનગી સાહસો વત્તા જંગી મોટા જાહેર સાહસો) જમણી અને ડાબી વિચારસરણીઓનું મિશ્રણ ગણી શકાય. જમણેરીઓ સામાન્ય રીતે પરંપરાવાદી હોય છે અને ડાબેરીઓ પરંપરાઓને તોડવા માગતા હોય છે.

રશિયા અને ચીને સામ્યવાદી રાજકારણ અને અર્થકારણ હેઠળ ઘણી ઝડપી આર્થિક પ્રગતી કરી અને શિક્ષણ અને સ્વાસ્થ્ય સેવાઓમાં જબરજસ્ત મૂડી રોકાણ કર્યું છે. અત્યારનું કેન્દ્રીય ભારત ધર્મકેન્દ્રી છે અને અહંકેન્દ્રી છે.

ટૂંકમાં આર્થિક પ્રગતી સામ્યવાદ હેઠળ પણ થઈ છે અને મૂડીવાદ હેઠળ પણ થઈ છે. માઓના મૃત્યુ બાદ ચીને જે ઝડપથી આર્થિક પ્રગતી કરી અને અમેરિકાને ટક્કર મારી તેથી જગત આશ્ચર્યમાં મુકાઈ ગયું છે.

આજે અમેરિકાનો દુશ્મન નંબર એક રશિયા નથી, પણ ચીન છે. અમેરિકાની પ્રચંડ તાકાત તેના અણુ બોંબ-સજ્જ શસ્ત્રોમાં તો છે જ પરંતુ અમેરિકાના જગતભરમાં ફેલાયેલા તેના લગભગ ૭૦૦ મીલીટરી થાણા જે અદ્યતન શસ્ત્રોથી સજ્જ છે તેમાં પણ રહેલી છે. આ થાણાઓ પરથી માત્ર થોડાક જ કલાકોમાં તે જગતના કોઇપણ દેશ પર હુમલો કરી શકે છે.

સૌથી ધનિક અને મિલીટરી તાકાતમાં નંબર એકનું સ્થાન ધરાવતા અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને 'અમેરિકી ફર્સ્ટ'નો ઘમંડ હોય તે સ્વાભાવિક છે પરંતુ આ ઘમંડ આક્રમક હોવાથી જગતના નાનામોટા તમામ દેશો અમેરિકાનો સામનો તો કરશે જ. અમેરિકા અન્ય દેશોના આર્થિક અને રાજકીય હિતોને સાચવે નહીં અને અન્ય દેશો તેના જાણે કે ખંડિયા રાષ્ટ્રો હોય તે રીતે વર્તે તો અન્ય દેશો શા માટે અમેરિકાની દાદાગીરી ચલાવી લે.

ભારત જેવો લોકશાહી દેશ બ્રીક્સ સાથે કેવી રીતે જોડાઈ શકે ? ભારત તકવાદી છે પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ નાટો દેશોના સહકાર પર મુસ્તાક છે. રશિયા કે ચીન અમેરિકા સામે અડપલુ કરે તો નાટોના ૩૨ દેશોના લશ્કરો ચીન કે રશિયાનો કચ્ચરઘાણ કરી શકે છે.