- સ્માઇલ ઇન્ડેક્સ - વ્યર્થશાસ્ત્રી
- એસટીજીટી અને એલટીજીટીની આવકની આશાનું આ વર્ષે એપ્રિલ ફૂલ
એક આમ આદમીએ રાજાના દરબારમાં હાજર થઈ શિશ ઝૂકાવ્યું. રાજા પ્રસન્ન થયા. 'બોલો, પ્રજાજન, હું તમારી શું સેવા કરી શકું?'
આમ આદમી નમી પડયો. 'રાજાજી, તમે અમારા રાજા છો, અમે તમારા ભક્ત છીએ એમાં જ અમારો અવતાર ધન્ય થઈ ગયો. એટલે જો અમે તમારી ચાકરી તરીકે દિન-રાત તમારાં ગુણગાન ગાતી સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ કર્યા જ કરીએ છીએ.'
રાજા કાંઈ બોલે તે પહેલાં પ્રધાને પેલાને તતડાવ્યો. 'હવે, આમાં કાંઈ બહુ ગદ્ગદ્ થવાની જરુર નથી. આ તો રાજાએ આવું બધું તમને લોકોને સારું લગાડવા બોલવું પડે. બોલ, હવે અહીં કેમ અમારું માથું ખાવા આવ્યો છો?'
આમ આદમી હવે જરા ગળગળા અવાજે બોલ્યો, 'રાજાજી, આપને એપ્રિલ ફૂલ બાબતે યાચના કરવી છે. આ વખતે તમે અમને કઈ જાહેરાત કરીને મૂર્ખ બનાવવાના છો તે જરા કહી આપો તો અમે માનસિક રીતે તૈયાર રહીએ.'
આમ આદમીએ જાણે કોઈ મોટો જોક માર્યો હોય તેમ બધા દરબારીઓ હસી પડયા. પ્રધાનનું તો હસી હસીને પેટ દુઃખી ગયું. પછી તેમને પોતાનું પેટ દુખ્યાનો ગુસ્સા પણ આવ્યો એટલે પોતાની બેઠક પરથી નીચે ઉતરીને પેલા આમ આદમીને લાફો મારી દીધો. 'લ્યા ડફોળ! તને શું લાગે છે? તું યાચના કરીશ તો જ અમે તને મૂર્ખ બનાવીશું? એ કામ તો અમે આમેય તમામ ૩૬૫ દિવસ કરવાના જ છીએ. તારે કોઈ નવી ડિમાન્ડ કરવી હોય તો કર.'
પેલો આમ આદમી પોતાનો ગાલ પંપાળતાં કહે, 'નવી નહીં... આમ તો જૂની ડિમાન્ડ છે. આ તમે પેલો શોર્ટ ટર્મ ગેઈન ટેક્સ અને લોંગ ટર્મ ગેઈન ટેક્સ નાખી દીધો છે તે ઘટાડો તો સારું. કદાચ એ બહાને પણ આ ભારે પટકાયેલુું બજાર કદાચ થોડુંક ઉપર આવે.'
આ વખતે ખજાનચીએ નીચે ઉતરીને આ માણસને બીજો લાફો માર્યો. 'નાલાયક, તું અમને ટ્રોલ કરવા આવ્યો છો? આખી દુનિયા જાણે છે કે આ ફાઈનાન્શિઅલ યરમાં શેરબજાર બહુ પડયું એમાં અમારી લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન્સ ટેક્સ વસૂલવાની બધી મુરાદો પર પાણી ફરી વળ્યું છે. એકચ્યુઅલી, એ બાબતે તો એપ્રિલ ફૂલ અમે બન્યા છીએ તેની તું અમને યાદ અપાવી રહ્યો છે. રાજાજી, મારી વિનંતી છે કે રાજની મશ્કરી કરનારા આ યાચકને સજા રુપે ગેસ બોટલ બંધ કરી દેવામાં આવે.'
રાજાજી કાંઈ કહે તે પહેલાં તો પેટ્રોલિયમ ખાતાંના દરબારી બોલી ઉઠયા. 'સબૂર, રાજાજીની કુશળતાના પ્રતાપે દેશમાં ગેસના એક પરપોટાની પણ તંગી નથી.આથી, આ પ્રજાજનને તાકીદ કરવામાં આવે કે એની ગેસ બોટલબંધ થાય તો પણ તે રાજમાં ગેસની અછત છે તેવી અફવા ન ફેલાવે.'
આમ આદમી કહે, ' હે દરબારીજી, તમે આવું બધું ન બોલો. અછત નતી તેવી જાહેરાત છતાં પણ કેટલાય પેટ્રોલ પંપ ડ્રાય થઈ જ ગયા ને. અમારા માટે તો એ અછત જ થઈને.'
દરબારમાં ગણગણાટ થઈ ગયો. પુરવઠા ખાતું સંભાળતા દરબારી ગુસ્સે થઈ આ પ્રજાજને ફટકારવા નીચે ઉતર્યા ત્યાં તો રાજા અચાનક હસી પડયા અને બોલ્યા. 'હે પ્રજાજન... છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. મારે તને કોઈ સજા કરવી નથી, પણ બદલામાં એક શરત છે. તારે આ વર્ષે શેરબજાર, પેટ્રોલ-ડીઝલ, ગેસ, મોંઘવારી બધું જ દેશી નહિ, પરંતુ સંપૂર્ણ પણે ઈમ્પોર્ટેડ એપ્રિલ ફૂલ છે. એ વાતે તારે ગૌરવ લઈ મારા ગુણગાન ગાવાનાં છે. બોલ છે મંજૂર?'
દરબારીઓએ તાળી પાડી. પ્રજાજને તો સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરી લીધાં.
સ્માઈલ ટિપ
રાજસૂત્રઃ ૧ એપ્રિલ મૂર્ખ બનાવવાનો એક જ દિવસ નથી, એ તો શરુઆત કરવાનો પહેલો દિવસ છે.


