Get The App

અત્યાર સુધીનાં તમામ બજેટની પણ ખાસમખાસ પરેડ

Updated: Jan 25th, 2026

GS TEAM

Google News
Google News
અત્યાર સુધીનાં તમામ બજેટની પણ ખાસમખાસ પરેડ 1 - image

- સ્માઇલ ઇન્ડેક્સ - વ્યર્થશાસ્ત્રી

- આપણું બજેટ દુનિયાનું સૌથી લાંબા સમયથી ચાલતું કોપી-પેસ્ટ છે

નાણાં ખાતાંમાં આદેશો  છૂટયા. 'આ વખતે ૨૬મીએ અત્યાર સુધીમાં દેશમાં રજૂ થયેલાં તમામ બજેટની પણ પરેડ કાઢવાની છે. તૈયારીઓ કરો.' 

અધિકારીઓમાં દોડધામ મચી ગઈ. એક અધિકારી કહે,'આ પરેડનું કાંઈ બજેટ છે?  આઈ મિન કેટલા ટેબ્લો રાખવાના, કઈ ટાઈપનું મટિરીયલ રાખવાનું, ટેબ્લો પર કેટલા માણસ બેસાડવાના?'

બીજા અધિકારીએ પૂછાવ્યું,' આપણે દરેક બજેટનાં ટેબ્લોની સાઈઝ જે-તે સમયના બજેટનાં કદ  પ્રમાણે નાનીમોટી બનાવવી કરવી પડશેને? પહેલાં બજેટનું કદ નાનું હતું તો નાનો ટેબ્લો હતાં, પણ હવે તો આપણે ખુદ મીંડાં ગણતાં ગણતાં થાકી જઈએ એટલું મોટું કદ થઈ ગયું છે, તો એ બજેટનો મોટો ટેબ્લો.'

ત્રીજા અધિકારીએ પૂછ્યું.'સર, દરેક બજેટમાં ત્યારે કિસાનો માટે, જવાનો માટે, કરવેરાના દરો પ્રમાણે ઓછીવધતી ટકાવારીમાં રકમ ફાળવાતી હતી તે દર્શાવવા નાના-મોટા પ્રોપ પણ મૂકવા પડશેને!'

ચોથા અધિકારીએ ડહાપણ ડહોળ્યું,' જુઓ, કેટલાંક ડિપાર્ટમેન્ટ એવાં પણ છે કે જેના માટે ફાળવણી ટકાવારીની દ્રષ્ટિએ ખાસ વધી જ નથી અથવા તો ઉલ્ટાની ઘટી છે. જેમ કે, એજ્યુકેશન અને હેલ્થકેર... ટકાવારી પ્રમણે ફાળવણી  આ ડિપાર્ટમેન્ટના પ્રોપ્સ નાના થતા જશે.' 

બોસ ભડકી ગયા. 'ભલા માણસ, આપણે આ પરેડમાં બજેટમાં ઉત્તરોત્તર શું સારું થતું ગયું એ દર્શાવવાનું છે. બજેટ પરેડ જોઈને જનતાને લાગવું જોઈએ કે પહેલાંની સરખામણીએ તેમનું વધુ ભલું થયું છે.' 

પાંચમાં અધિકારી કહે,'સાહેબ, આ દેશ જેટલી બેકદર જનતા વિશ્વમાં બીજે ક્યાંય નથી. આટઆટલાં બજેટ આવ્યાં તેનો મતલબ જ એ છે  કે આપણે જનતાનું કલ્યાણ કરવાનું ચાલુને ચાલુ રાખ્યું છે. વાસ્તવમાં આટલાં બધાં બજેટ આવી ગયાં  પછી જનતાએ કહી દેવું જોઈએ કે આટલાં બજેટોથી અમારાં કલ્યાણનો ઓવરડોઝ થઈ ગયો છે. હવે બજેટ આપવાનાં બંધ કરી દો. તેને બદલે જનતા તો દરેક બજેટ વખતે  આ આપો ને તે આપો એવી બધી અપેક્ષાઓનો કટોરો લઈને  ઊભી જ રહી જાય છ'

સાહેબ ફરી બગડયા. 'વાત આડે પાટે ન ચઢાવો. કંઈક જોરદાર આઇડિયા લાવો.'

એક અધિકારી હળવેથી કહે, ' સર,મારો આઇડિયા એવો છે કે એક મોટો કન્ટ્રોલ 'સી' બનાવીએ, બીજો મોટો કન્ટ્રોલ 'વી' બનાવીએ. આ બંનેની વચ્ચે વિકાસ, ગ્રામોદ્ધાર, ખેડૂત કલ્યાણ, સંરક્ષણ મજબૂતી, પાણી પુરવઠા, સામાજિક કલ્યાણ, ઔદ્યોગિક પ્રોત્સાહનો, વેરા દરખાસ્તોમાં ફેરફાર, રોજગાર ફાળવણી, કૌશલ્ય સંવર્ધન એવા બધા શબ્દોના ટેબ્લો બનાવીએ. આ રીતે આપણે દર્શાવીશું કે આપણું બજેટ એ દુનિયાની સૌથી લાંબા સમયથી ચાલતી કોપી-પેસ્ટ પ્રોસેસ છે, જેમાં અમુક ચોક્કસ શબ્દોને પેસ્ટ કરતા જઈ તેની આસપાસ આંકડા ગોઠવી  દેવામાં આવે છે. ટેબ્લો પર બે-ચાર સરકારના માનીતા એન્કરો ગોઠવીશું જેઓ અત્યાર સુધીનાં બજેટ પ્રવચનોમાં બોલાયેલી શાયરીઓ બોલતા જશે.   બજેટમાં આપણા ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને દર્શાવતું એક ગુ્રપ ગોઠવીશું, જે સતત 'યસ સર... યસ સર...' બોલતું રહેતંવ હશે. એક આપણા પસંદગીના ઉદ્યોગપતિઓ, વેપાર સંગઠનનોના વડાઓ,  પાળીતા  સમીક્ષકોનું ગુ્રપ બનાવીશું જે સરકારી બેન્ડના તાલે વાહ-વાહ... ઉત્તમ-ઉત્તમ... ગેમચેન્જર... દૂરદર્શી...એવું  બધું બોલતું રહેશે.' 

બોસ ચક્કર ખાઈને ઢળી  પડયા. બજેટ પરેડનો આઇડિયા આ વર્ષ પૂરતો કેન્સલ થઈ ગયો. 

સ્માઈલ ટિપ 

બજેટ એટલે સરકારનાં બાવડાં ફૂલાવવાની અને પ્રજાનું બાવડું પકડવાની કવાયત!