- સ્માઇલ ઇન્ડેક્સ -વ્યર્થશાસ્ત્રી
- સરકારી પગારદાર થયા પછી નાગરિકોએ જયજયકારનું કામ ફુલટાઈમ કરવાનું રહેશે
ચૂંટણી પરિણામો પછી ફાઈનાન્સ ખાતામાં તાબડતોબ બધા અધિકારીઓ એકઠા થયા. બોસ કહે, 'જુઓ, આટલાં બધાં રાજ્યોમાં મહિલાઓને રોકડ સહાય યોજનાની ભવ્ય સફળતા પછી આપણે ભવિષ્યનું પણ વિચારવું પડશે.'
એક યુવા અધિકારી ટેન્શનમાં આવી ગયા. 'શેનું ભવિષ્ય? આ બધી યોજનાઓના પૈસા ક્યાંથી આવશે તેનું?'
'ઓ મિસ્ટર જુનિયર, આવા તાર્કિક સવાલો કરવા હોય તો સરકારી નોકરી છોડી દો, સમજ્યા. ...' બોસે યુવા અધિકારીેેને ખખડાવ્યા. 'આપણે તો અહીં એ નક્કી કરવા ભેગા થયા છીએ કે હવે બધાં રાજ્યોમાં આવી રેવડીઓ જ ચાલવાની છે એ નક્કી છે. તો પછી રાષ્ટ્રીય સ્તરેથી તો આપણે રેવડી નહીં, પણ ચેવડો લાવવો જોઈએ.'
બીજા અધિકારી કહે, 'મતલબ બીજાં રાજ્યો અઢીથી દસ હજાર સુધીની રકમ આપે છે તો આપણે રાષ્ટ્રીય સ્તરે શું પચ્ચીસ હજાર આપશું.'
ત્રીજા અધિકારી કહે, 'ખરેખર તો રાષ્ટ્રીય સ્તરે ચાર રાજ્ય નહીં, પરંતુ ૨૦ રાજ્ય બરાબર રકમ હોવી જોઈએ. મારું તો કહેવું છે કે ૫૦ હજાર જ રાખો.'
બોસ તાળીઓ પાડતાં પાડતાં કહે, 'ગુડ ગોઈંગ! મને તમારા જેવી ટીમ પાસેથી આ જ અપેક્ષા હતી. મારો પ્લાન છે કે રાષ્ટ્રીય સ્તરેથી દર મહિને એક લાખ આપવામાં આવે. તે પણ ફક્ત મહિલાઓને જ નહીં, પરંતુ દરેક લાયક મતદારને એક લાખ રુપિયા. સમજોને કે દેશના મોટાભાગના નાગરિકોને એક રીતે સરકારી પગાર જ થઈ ગયો.'
'વાહ... વાહ!' બોસની દરખાસ્તને સ્ટેન્ડિંગ ઓવેશન આપવા અધિકારીઓ ઊભા થઈ ગયા. ત્યાં પેલા યુવા અધિકારીએ વાંધો પાડયો. 'પણ, આ એક લાખના સરકારી પગારના બદલામાં નાગરિકો પાસેથી કોઈ કામની અપેક્ષા રાખવાની કે નહીં?'
બોસ કહે, 'અરે ડિઅર, નાગરિકોએ પગારના બદલામાં પછી સદા સરકારનો જયજયકાર કરવાનું કામ કરવાનું રહેશે. સોશિયલ મીડિયામાં સરકારની તારીફના પુલ બાંધવાના રહેશે. દરેક રોડ શો અને સરકારી રેલીઓમાં સ્વેચ્છાએ હરખભેર નાચતાં નાચતાં ઉમટી પડવાનું રહેશે.'
વરિષ્ઠ અધિકારીએ ઉમેરો કર્યો, 'એક વાર સરકારી પગાર મળ્યા પછી નાગરિકોએ સરકારી સ્કૂલોમાં શિક્ષકો ન હોય, સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરો અને નર્સો કરતાં વધારે ઉંદરો ફરતા હોય, રસ્તા પર ખાડા હોય, નળમાં પાણી ન હોય તો એની કોઈ ફરિયાદ કરવાની રહેશે નહીં.'
ત્રીજા અધિકારી રંગમાં આવ્યા. 'અરે , સરકાર તરફથી નાગરિક હોવાનો પગાર મળ્યા બાદ નાગરિકોને સરકારી કચેરીમાં વ્યવહાર કરવામાં કોઈ વાંધો નહીં રહે. મને તો ખાતરી છે કે આ દેશની ઉદાર જનતા સામે ચાલીને સરકારી ઓફિસ અને પોલીસ સ્ટેશને જઈ કાંઈ કામ નહીં હોય તો પણ અમથા અમથા કવર આપી આવશે.'
ચોથા અધિકારી જરા ઠાવકાઈથી કહે, 'જુઓ મિત્ર, દરેક નાગરિકના ખાતામાં સરકારી પગાર જમા થતો હશે પછી દેશમાંથી શિક્ષણ અને બેરોજગારીના પ્રશ્નો જ ઉઠતા બંધ થઈ જશે. દરેક નાગરિક રીલ બનાવવાને જ રોજગારી માની લીલાલ્હેર કરશે.'
પેલા યુવા અધિકારી કહે, 'એક મિનિટ, એક મિનિટ...આ તમે જે યાદી ગણાવી કે રોડ શોમાં હાજરી, વાહવાહી, ખાડા ચલાવી લેવા, સરકારી શાળાઓની હાલત સહી લેવી એ બધું તો અત્યારે નાગરિકો સામેથી વેરા ભરીને પણ કરે જ છે. તો પછી એમને મહિને એક લાખ સરકારી પગાર પણ શા માટે આપવો? ચાલવા દો એમને એમ.'
બોસ પગ પછાડતા મીટિંગમાંથી નીકળી ગયા.બાકીના અધિકારીઓએ કપાળ કૂટયું.
સ્માઈલ ટિપ
રેવડી કલ્ચરની ભવ્ય સફળતા બાદ ભવિષ્યમાં મતને રિસીપ્ટ તરીકે ઓળખાવાશે. 'આપની કિંમતી અને પવિત્ર રિસીપ્ટ અમને આપો' એવો પ્રચાર થશે.


