- સ્માઇલ ઇન્ડેક્સ - વ્યર્થશાસ્ત્રી
- અમેરિકાની દાદાગીરી સામે આપણી રજાગીરી જ એક ઉપાય
પેટ્રોલિયમ કંપનીઓના અધિકારીઓ માથે હાથ દઈને બેઠા હતા.
એક અધિકારી કહે, 'આ ક્રૂડના કકળાટમાં કોનું કહ્યું માનવું એ સમજાતું નથી.'
બીજા અધિકારી ભડક્યા, 'ઓ સર, જરા મોઢું સંભાળીને બોલો. તમે શું એમ કહેવા માગો છો કે ક્રૂડની બાબતમાં આપણે અમેરિકા મંજૂરી આપીએ તેમ વર્તીએ છીએ? તમે દેશદ્રોહીઓની ભાષા બોલી રહ્યા છો.'
ત્રીજા અધિકારી કહે, 'ના ના, આપણે એકલા અમેરિકાની મરજી પ્રમાણે ક્યાં વર્તીએ છીએ. ક્યારેક આપણે ઈરાનની મરજી પ્રમાણે પણ વર્તી લઈએ છીએ અને ક્યારેક રશિયાની પણ. હવે તો વેનેઝુએલાની મરજી પ્રમાણે પર વર્તીશું. મરજી ચલાવવાની બાબતે આપણે અમેરિકાની મોનોપલી નહિ રહેવા દઈએ.'
પેલા અધિકારી પોતાની બંને હથેળીઓ કાન પર ઢાંકીને મોટે મોટેથી બોલ્યા, 'શાંતમ્ પાપમ્... શાંતમ્ પાપમ્ ... આ હું શું સાંભળી રહ્યો છું? મારાં બધાં પાપો શાંત થાઓ.'
ચોથા અધિકારી કહે, 'ભાઈ, એ તો આટલા મહિનાઓથી ક્રૂડના ભાવ ઓછા હતા તો પણ આપણે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડયા નથી એ પાપની ક્યારેક તો ભરપાઈ કરવી જ પડશે.'
પેલા અધિકારી કહે, 'અરે યાર... તમે લોકો વાત ક્યાંની ક્યાં લઈ જાઓ છો. હું તો મરજી એટલે એમ કહેવા માગતો હતો કે અત્યારે ક્રૂડના ભાવ વધી ગયા છે તો પણ આપણે પેટ્રોલ ડીઝલના ભાવ વધારવામાં બહુ સાચવવું પડે તેમ છે. સામે પાંચ રાજ્યોની ચૂંટણીઓ માથે છેને.'
બીજા અધિકારી નિસાસો નાખતા કહે, 'ને ગમે તેવા ભાવ વધારીએ તો પણ ક્રૂડનો,આઈ મીન, પેટ્રોલ-ડીઝલનો વપરાશ તો ઘટવાનો જ નથી. લોકો ભાગ્યા જ જાય છે, ભાગ્યા જ જાય છે. કોઈ ઉપાય જ નથી.'
'લોકડાઉન... લોકડાઉન...' અચાનક એક અધિકારી બૂમો પાડવા લાગ્યા.
બીજા બધા અધિકારીઓ તેમનાથી દૂર ભાગ્યા.'ઓહ... તમને પાછો કોઈ ચેપ લાગ્યો કે શું ?' પેલા અધિકારી તાડૂક્યા. 'લ્યા, ગાંડા ન કાઢો. મને કોઈ ચેપ લાગ્યો નથી. મને તો લોકડાઉન યાદ આવ્યું. આ પબ્લિકને ભાગતી બંધ કરવી હોય અને ક્રૂડનો વપરાશ ઘટાડવો હોય તો લોકડાઉન જેવું કાંઈક લાવવું પડે.'
'હવે તો ચાઈના આપણું દોસ્ત છે. અગાઉ માગ્યા વગર પેલો કોરોનાનો ચેપ મોકલ્યો હતો. હવે તો કદાચ માગીશું તો વધારે સારી ક્વોલિટીનો ચેપ મોકલશે. પછી નાખી દઈશું લોકડાઉન.' અન્ય અધિકારીએ વિચાર રજૂ કર્યો.
લોકડાઉન વાળા અધિકારી નારાજ થઈને કહે, 'તમે યાર... શું બધાને પાછા માંદા પાડવા માગો છો. એના કરતાં નવો આઇડિયા લગાવો. આપણે સરકારને સૂચન મોકલીએ કે લોકડાઉન નહીં , પરંતુ ક્રૂડનો વપરાશ ઘટાડવા માટે સરકાર અઠવાડિયામાં ચાર દિવસ રજા આપે. એ સિવાય અગિયાર, પૂનમ અને અમાસની પણ રજા આપી દે. તમામ નાના મોટા તહેવારો તો ઠીક પણ વીમેન્સ ડે, હ્યુમન રાઈટ્સ ડે, ચોકલેટ ડે , ફોટોગ્રાફી ડે એવા બધા ડેની પણ રજા જાહેર કરી દે. અમેરિકાની દાદાગીરી સામે આપણે રજાગીરી અપનાવીએ.'
બાકીના તમામ અધિકારીઓએ આ મુદ્દે તાળીનો ગડગડાટ કર્યો. પણ એક અધિકારી નિષ્ક્રિય રહ્યા. અન્ય અધિકારીઓએ તેમની સામે જોયું. પેલા નિષ્ક્રિય અધિકારી કહે, 'અત્યારે રજાઓ વધારી દઈએ એ બરાબર, પણ પછી આગામી થોડાં વર્ષોમાં દેશમાં તમામ વાહનો ઈવી થઈ જશે ત્યારે શું આ બધી વધારાની રજાઓ રદ થશે ખરી ? એવી હિંમત હાલશે ?'
બધા અધિકારીઓએ એન્જિન ગરમ થઈ ગયું હોય તેવા ગરમાગરમ નિસાસા નાખ્યા.
સ્માઈલ ટિપ
સરકારી કે ખાનગી ઓફિસોમાં કર્મચારીઓ વચ્ચે સૌથી વધુ યુદ્ધ એકબીજા સાથે રજાઓ એડજેસ્ટ કરવા માટે ખેલાતાં હોય છે


