- સ્માઇલ ઇન્ડેક્સ - વ્યર્થશાસ્ત્રી
- અમેરિકી કોર્ટને લાખ લાખ અભિનંદનના હોર્ડિંગ દેશભરમાં લાગશે
ગિન્નાયેલા ડોનાલ્ડ ટ્રમ્પે ૧૦ ટકા ગ્લોબલ ટેરીફનો લેટેસ્ટ દંડૂકો ઉગામ્યો એની થોડી જ વાર પહેલાંની આ વાત. દિલ્હીમાં અધિકારીઓ દોડતાં દોડતાં એકબીજા સાથે અથડાઈ પડયા.
'સર, એઆઈ સમીટ તો પતી પણ ગઈ. હવે કઈ દિશામાં દોડો છો?' એક અધિકારીએ પૂછ્યું.
'અમેરિકા... અમેરિકા...' બીજા અધિકારીને હાંફ ચઢી હોવાથી પૂરું બોલી ન શક્યા.
'અરે સર, ફરગેટ અમેરિકા... આ એઆઈ સમીટમાં જોયું નહીં? આખી દુનિયાની તમામ એઆઈ કંપનીઓએ આપણા વખાણ કરી નાખ્યા. હવે તો એવું લાગે છે કે અમેરિકાથી જ લોકો દોડતા દોડતા દિલ્હી સુધી આવશે.'
'અરે ભાઈ, હું તો આ અમેરિકાની કોર્ટે ટ્રમ્પના ટેરીફને ગેરકાયદે ઠેરવી નાખ્યો એની ખુશીમાં રોડ તરફ દોડતો હતો. જોવા માટે કે આપણે ત્યાં વિજય સરઘસો નીકળ્યાં છે કે નહીં, બાઈક રેલીઓ થઈ રહી છે કે નહીં, લોકો ધ્વજ લહેરાવતાં લહેરાવતાં ચાર રસ્તાઓ પર નાચી રહ્યા છ ેકે નહીં, ઠેર ઠેર મીઠાઈ વહેંચાઈ રહી છે કે નહીં, લોકો એકબીજાને ગળે મળીને અભિનંદનો પાઠવી રહ્યા છે કે નહીં...'
'અરે વાહ સર, હું તો ખુદ મીઠાઈની દુકાન તરફ દોડી રહ્યો હતો, એ જોવા માટે કે ત્યાં મીઠાઈનો સ્ટોક હજુ બચ્યો છે કે ખાલી થઈ ગયો?'
પેલા અધિકારી કહે, 'બસ, આને કહેવાય વસુધૈવ કુુટુંબકમ્. ચુકાદો અમેરિકાની કોર્ટ આપે અને સેલિબ્રેશન આપણે ત્યાં થાય. મને તો લાગે છે કે આજકાલમાં દેશભરનાં શહેરોમાં તમામ મુખ્ય માર્ગો પર 'ટેરીફને ગેરકાયદેસર જાહેર કરવા બદલ અમેરિકાની કોર્ટને લાખ લાખ અભિનંદન' એવાં હોર્ડિંગ લાગી જવાં જોઈએ. બીજા અધિકારી કહે, 'મારો તો વિચાર છે કે સરકારમાં સજેશન મોકલું. અમેરિકી કોર્ટના આ ચુકાદા બાબતે આપણે ત્યાં રાષ્ટ્રીય રજા જાહેર કરી દેવામાં આવે. આખરે પ્રજાને પણ આ ખુશીની ઉમંગભેર ઉજવણી માટે નિરાંત તો મળવી જોઈએને!'
પેલા અધિકારી કહે, 'બોસ, ફક્ત આપણા દેશમાં નહીં, પરંતુ વિશ્વના જે જે દેશો પર ટેરીફ લદાયો છે તે તમામ દેશોમાં ઉજવણીઓ શરુ થઈ હશે. આપણે તો સાચા દેશભક્ત તરીકે એ જ ખ્યાલ રાખવાનો છે કે તમામ દેશો કરતાં આપણી ઉજવણી ટોપ ક્લાસ હોય.'
બીજા અધિકારી કહે, 'એની ચિંતા તમે ન કરો. હવે કોઈપણ પ્રકારની ઉજવણીઓ, સમારોહો, ઈવેન્ટો યોજવામાં આપણો દેશ ક્યારનોય વર્લ્ડ લીડર બની ચૂક્યો છે. એટલે જ તો આખી દુનિયાના દરેક ફિલ્ડના લીડર આપણે ત્યાં આપણી ઈવેન્ટો જોવા ખાસ આવે છે.'
'એકદમ સાચી વાત. મને તો સવાલ થાય છે કે હજુ સુધી આટલી બધી શાંતિ કેમ છે. આપણે એકાદી મેચ જીતી જઈએ તો પણ ફટાકડા ફૂટે છે. તો આ વખતે ટેરીફ ઈલલીગલ જાહેર થયા બાદ ફટાકડા કેમ નથી ફૂટયા? મને લાગે છે કે દેશમાં આજકાલ ખુશીના પ્રસંગો જ એટલા બની રહ્યા છે કે ફટાકડાનો સ્ટોક ખતમ થઈ ગયો હશે.'
'અરે બોસ, નો પ્રોબ્લેમ. હવે તો ચીન આપણું દોસ્ત છે. તેને ત્યાંથી વગર ટેરીફના ચાઈનીઝ ફટાકડાનાં ૪૦-૫૦ એકસ્ટ્રા જહાજ મગાવી લઈએ. છેક અમેરિકા સુધી સંભળાય એવા ધડાકા કરીશુું.'
'બોલો મેઈડ ઈન ઈન્ડિયાનો જય...' કહી પેલા અધિકારીએ તાળી આપી.
સ્માઈલ ટિપ
ડોનાલ્ડ ટ્રમ્પ અમે ટ્રેઈન કરેલા પ્રમુખ છે એવી ક્રેડિટ હજુ સુધી ગલગોટિયા યુનિવર્સિટીએ કેમ નથી લીધી એ બહુ નવાઈની વાત છે.


