Get The App

એફઆઈઆઈમાં પણ આપણા ધુરંધર જાસૂસો પ્લાન્ટ કરો, પ્લીઝ!

Updated: Dec 21st, 2025

GS TEAM

Google News
Google News
એફઆઈઆઈમાં પણ આપણા ધુરંધર જાસૂસો પ્લાન્ટ કરો, પ્લીઝ! 1 - image

- સ્માઇલ ઇન્ડેક્સ

- એજન્ટો ત્યાં એવી સ્ટોક સર્જિકલ સ્ટ્રાઈક કરે કે  એફઆઈઆઈ આપણા બધા શેર ચારગણા ભાવે  ખરીદી લે

મોકાણકાર ૧ : યાર, જીડીપી આઠ ટકાની ઉપર થઈ ગયો છે. મુખ્યપ્રધાનો મોટી મોટી કંપનીઓ સાથે રોકાણના એમઓયુ કરી રહ્યા છે. વિદેશી રાષ્ટ્રો આપણી સાથે વેપાર કરારો કરવા માટે તલપાપડ છે, તો પણ પણ બજાર બેહાલ કેમ છે? 

મોકાણકાર ૨: માય ડિયર ફ્રેન્ડ, ચન્દ્રગુપ્ત મૌર્યના યુગમાં પણ ન હતો એવો દેશનો  સુવર્ણ યુગ અત્યારે ચાલે છે એની ના નહીં, પણ પેલા બદમાશ એફઆઈઆઈવાળા... ખાખરની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે? નાલાયકો દેશમાંથી  છેલ્લા છ મહિનામાં એક લાખ કરોડ ઉસેડી ગયા છે. પછી બજાર પડે જ ને. 

મોકાણકાર ૧ : તો આ એફઆઈઆઈવાળા શું આપણા વિજય માલ્યા અને નીરવ મોદી જેવા હોંશિયાર છે કે રાતોરાત ભાગી જાય ને દેશમાં કોઈનેય ખબર ન પડે? 

મોકાણકાર ૨ : અરે દોસ્ત, એફઆઈઆઈ એ તે કાંઈ એક-બે વ્યક્તિઓ થોડી છે. એ બધાં તો જાયન્ટ કોર્પોરેશનો છે. દુનિયાભરમાં  પૈસા રોકે છે અને મોટી મોટી ઉથલપાથલો કરે છે. એમને જ્યાં નફો લાગે, ભવિષ્યમાં સંભાવનાઓ લાગે ત્યાં પૈસા રોકે ને જ્યાં ભવિષ્ય ધૂંધળું દેખાય ત્યાંથી પોટલાં ભરી પૈસા વીણીને હાલતા થાય.

મોકાણકાર ૧ : અરરર... આ દુષ્ટ ભારતદ્રોહીએફઆઈઆઈવાળા...એમને ખબર નથી કે  અત્યારે આપણા નેતાઓ આપણો ભૂતકાળ કેટલો ઉજ્જવળ હતો તે બધુંે બતાવવામાં જરા  બીઝી છે. એમાંથી  ફ્રી થયા પછી તેઓ  ભવિષ્ય કેટલું ઉજ્જવળ હશે તે પણ દેખાડી દેશે. આ હરામખોર એફઆઈઆઈવાળાઓને શું આપણા નેતાઓની ઉજ્જવળ ભવિષ્યની વાતો કરી શકવાની ક્ષમતા પર પણ ભરોસો નથી? 

મોકાણકાર ૨ : યાર, મને એક આઇડિયા આવે છે. હમણાંથી એવી ફિલ્મો અને સિરીઝો બહુ આવે છે જેમાં આપણા સ્પાય એજન્ટો દુશ્મન દેશમાં ઘૂસી જઈને પછી દુશ્મનોનાં બધાં  કાવતરાં નિષ્ફળ બનાવતા હોય અને ત્યાંના આતંકીઓ અને બીજા બધાનો ખાત્મો બોલાવતા હોય. તો આપણી સરકાર એવા જ સ્પાય એજન્ટો આ બધા એફઆઈઆઈને ત્યાં કેમ નથી  ઘૂસાડતી? આપણા સ્પાય એજન્ટ આ એફઆઈઆઈના બધા ડેટા હેક કરી દે... આપણી કંપનીઓ અને આપણી ઈકોનોમીનું એકદમ રોઝી પિક્ચર  ઊભું કરે. એમના  મેઈન માણસોને એવી રીતે એમને ભરમાવે કે તેઓ  બસ, આપણા દેશમાં રોકાણ કર્યા જ કરે... કર્યા જ કરે... કર્યા જ કરે . આપણા એજન્ટો  ત્યાં  એવી સર્જિકલ સ્ટોક સ્ટ્રાઈક કરે કે આપણા બધા શેરો એ લોકો ચાર ગણા-છ ગણા ભાવે ખરીદી લે. 

મોકાણકાર ૧ : અદ્ભૂત આઇડિયા છે, યાર. હું તો આ ચાલ્યો.

મોકાણકાર ૨ : ક્યાં? સરકારમાં? આ આઈડિયા આપવા? લ્યા, ઊભો રહે... આ ગ્રેટ આઇડિયા મારો છે. તું  એકલી બધી ક્રેડિટ ન ખાટી જતો. 

મોકાણકાર  ૧: સરકાર પાસે નહીં, હું તો ઓટીટીવાળાઓ પાસે જઉં છું. એ લોકો આ આઇડિયા પરથી  ફિલ્મ કે સિરીઝ જરુર બનાવશે.સરકાર આપણા જેવાઓનું નહીં સાંભળે પણ ઓટીટી સીરિઝ કે ફિલ્મ જોઈને કદાચ એમના આઇડિયા કેપ્ચર કરે ખરી.

મોકાણકાર ૨ : પણ યાર, એ ઓટીટી સિરીઝ કે ફિલ્મો તો એફઆઈઆઈના માણસો પણ જોઈ લેશે ને...તો  તો આપણું ઓપરેશન શરુ થતાં પહેલાં જ ખત્મ થઈ જશે...

મોકાણકાર ૧ : અરે હા યાર, લાવ બીજો કોઈ આઇડિયા!

સ્માઈલ ટીપ 

શેરના માથે સવાશેર તો વાર્તામાં હોય, અસલમાં તો શેર ઉપર એસટીટી, એલટીસીજી, એસટીસીજી બધું બહુ છે.