Get The App

મોંઘવારીને બેસતાં વર્ષે પગે લાગવાથી મળતી નોટથી માપો

Updated: Oct 19th, 2025

GS TEAM

Google News
Google News
મોંઘવારીને બેસતાં વર્ષે પગે લાગવાથી મળતી નોટથી માપો 1 - image

- સ્માઇલ ઇન્ડેક્સ - વ્યર્થશાસ્ત્રી

-  સોંઘવારીની જાહેરાતો આતશબાજી જેવી છે, ઝળાંહળાં બહુ થાય, પણ અંતે હાથમાં કશું ન આવે 

સોંઘાલાલ: હેપ્પી દિવાળી... હેપ્પી દિવાળી... આ વખતે તો બોલવા ખાતર જ નહીં, પરંતુ ખરેખરી હેપ્પી દિવાળી છે. 

મોંઘાલાલ : કેમ, પાર્ટી? આટલા ખુશ શા માટે છો?  દિવાળીએ ક્યાંક વડવાઓએ સંતાડેલો સોનામહોરનો ચરુ મળી આવ્યો છે કે પછી કોઈ રાજાએ વડીલને આપેલા ચાંદીના અસલી સિક્કા હાથ લાગ્યા છે? 

સોંઘાલાલ: ના રે ના, ચરુ કેવો ને વાત કેવી! જોકે, આ વખતે પબ્લિકને તો જેકપોટ લાગ્યો જ છે. જુઓને, સોનાના ભાવ આસમાને ગયા, ચાંદીના ભાવે તો આસમાન ચીરી નાખ્યું. 

મોંઘાલાલ : એ તો જેની પાસે જૂનું થોડુંઘણું સોનું પડયુું હોય એમને આનંદ ભયો છે. જે લોકો આટલાં વર્ષોથી સોનું લઈ નથી શક્યા એ તો બિચારા હવે ક્યારેય નથી લઈ શકવાના. 

સોંઘાલાલ : તમે યાર, તહેવારો ટાણે આવી મોળી મોળી વાતો ન કરો. જુઓ, જીએસટીના રેટ ઘટાડા પછી બચતોત્સવના લીધે બજારમાં કેવી બહાર આવી છે! લોકો બેફામ ખરીદી માટે નીકળી પડયા  છે. જેને બોનસ મળ્યું છે  તેઓ તો ખરીદી કરી જ રહ્યા છે, પણ જેમને બોનસ નથી મળ્યું તેઓ પણ આ જીએસટીમાં ઘટાડો જ બોનસ છે એમ માની દોટ લગાવી રહ્યા છે. 

મોંઘાલાલ : માય ડિયર, જીએસટી તો મોટાભાગે ઓટોમોબાઈલ્સ અને ઈલેક્ટ્રોનિક્સની આઈટમો પર ઘટયો છે તેનો લોકોને આનંદ છે, પણ વર્ષમાં તમે બાઈક કે કાર કેટલી લેવાના? કાંઈ દર મહિને થોડું વોશિંગ મશીન લેવાનું છે? બીજી એવી કેટલીય ચીજો છે જેના ભાવ રિટેઈલમાં વધી ગયા છે એટલે જીએસટીનો કોઈ ફાયદો દેખાતો નથી.  

સોંઘાલાલ : તમને લોકોનું સુખ નથી દેખાતું? કાંઈ વાંધો નહીં. ન જુઓ, પણ સરકારી  આંકડા તો ચેક કરો. થોડા દિવસો પહેલાં જ સમાચાર આવ્યા છે કે રિટેલ ફુગાવો ઘટીને ૧.૫૪ ટકા થઈ ગયો છે. આઠ વર્ષના તળિયે છે. મતલબ કે આઠ વર્ષમાં અત્યારે ભાવો સૌથી વધારે સ્થિર છે. 

મોંઘાલાલ : મહેરબાન, આઠ  વર્ષમાં ભાવો સૌથી સ્થિર થઈ ગયા હોય તો પછી સરકારી કર્મચારીઓનું ડિઅરનેસ એલાઉન્સ કઈ ખુશીમાં વધ્યા કરે છે? જુઓ સોંઘવારીની વાતો તો ઝળાહળાં આતશબાજીની રોશની જેવી છે. જોઈને આનંદ થાય પણ છેવટે હાથમાં કશું ન આવે. બીજું બધું છોડો અને એ કહો કે આ બેસતા વર્ષે છોકરાં પગે લાગવા આવે તેમને તમે કઈ કડકડતી નોટો આપવાના છો? ૫૦ની કે ૧૦૦ની? 

સોંઘાલાલ : એ તો વ્યવહાર પ્રમાણે. કોઈને ૫૦ ને ૧૦૦  , કોઈને તો બે નોટ અને કોઈને તો પાંચ નોટ પણ આપવી પડે. 

મોંઘાલાલ : માય ડિયર, હવે એક અને બે રુપિયાની તો ઠીક, પણ દસ અને ૨૦ રુપિયાની કડકડતી નોટો પણ બેસતા વર્ષે આશીર્વાદ તરીકે આપવાનો રિવાજ ખતમ થઈ ગયો છે. બેસતા વર્ષે આપવી પડતી નોટોના માપથી માપો તો મોંઘવારીનું અસલ માપ ખબર પડશે. 

જુઓ, હજુ આગળનાં વર્ષોમાં  બેસતા વર્ષે ૫૦૦ની નોટો આપવી પડશે અને તે પછી કદાચ હજારની. આ જ કારણોસર હજારની નોટ પાછી છપાવાની શરુ  ન થાય તો મને કહેતા નહીં, કારણ કે બેસતાં વર્ષના આશીર્વાદમાં  ડિજિટલ પેેમેન્ટ નહીં ચાલે બોસ..

સોંઘાલાલ: ભોગ લાગ્યા મારા કે તમને હેપ્પી દિવાળી કહ્યું. હું મારા શબ્દો પાછા ખેંચું છું... 

સ્માઈલ ટિપ 

દર વખતે ચૂંટણી પહેલાં સોંઘવારીનો બોમ્બ ફાટે છે અને ચૂંટણી પછી તેનું સૂરસૂરિયું થાય છે.