Get The App

બજેટ એક્સપર્ટ તરીકે રેડીમેડ પોસ્ટ-રીલ માટે સંપર્ક કરો

Updated: Feb 1st, 2026

GS TEAM

Google News
Google News
બજેટ એક્સપર્ટ તરીકે રેડીમેડ પોસ્ટ-રીલ માટે સંપર્ક કરો 1 - image

- સ્માઇલ ઇન્ડેક્સ - વ્યર્થશાસ્ત્રી

-  અર્થશાસ્ત્રી તરીકે પોસ્ટ કરવી  છે કે પછી પબ્લિકનું મનોરંજન કરવું છે, અમારી પાસે બધા ઓપ્શન ઉપલબ્ધ છે 

કુબેરદાસના ફોનની રિંગ વાગી. રિસીવ  કર્યો તો સામેથી માદક અવાજમાં કોઈ યુવતી બોલી, 'હેલ્લો, સર.'

કુબેરદાસ તો યુવતીએ વેલેન્ટાઈનનાં પખવાડિયાં પહેલાં જ પ્રપોઝ કરી દીધું હોય તેમ  શરમના માર્યા તત્કાળ જવાબ ન આપી શક્યા. પેલીએ મધુરતાથી   ફરી કહ્યું, 'સર, મારો અવાજ  સંભળાય છે બરાબર?'

'હેં? સંભળાય છે? હું તો ખોવાઈ ગયો છું.' કુબેરદાસ બોલી પડયા. 

પેલી સામા છેડે હસવા લાગી. અહીં  કુબેરદાસને ગલીપચી થવા લાગી. 

'સર, તમને બજેટ વિશે વાત કરવા ફોન કર્યો છે.' ફરી અવાજ આવ્યો. 

'બજેટ? હેં બજેટ? તમે મારી સાથે બજેટ ડિસકસ કરવા માગો છો? જુઓ , ક્યાંય સાથે  બેસીને કોફી પીવી હોય તો મારી પાસે બજેટ જ બજેટ છે.' કુબેરદાસને પોતાને જ પોતાની આવી ચબરાકી માટે નવાઈ લાગી. 

'અરે સર, કોફી તો શું? હું તમને જે કહેવાની છું એના પર અમલ કરશો તો તમારી પાસે આખેઆખા  ડિનરનું બજેટ હશે, અરે હોટલમાં જમવા જવાનું જ નહીં, પરંતુ હોટલમાં રોકાવાનું પણ બજેટ હશે...' કુબેરદાસે ગુગલી ફેંક્યો હતો પરંતુ સામેથી સિક્સર આવી.

કુબેરદાસ હવે  પૂરેપૂરા આઉટ થઈ ગયા. 'હું તો તમારો આજ્ઞાાંકિત છું. બોલો, બોલો...બજેટ માટે શું વાત કરવી છે. તમે કહો તો દિવસ ને તમે કહો તો રાત.આઈ મીન... તમે કહો તો બજેટ બહુ સારું છે અને તમે કહો તો સાવ નકામું. તમારો અભિપ્રાય એ જ મારો અભિપ્રાય...'

'સહી પકડે હૈં...'પેલી યુવતી ખિલખિલ કરતી ફરી હસી. 'બજેટ અભિપ્રાય વિશે વાત કરવા જ તમને ફોન કર્યો છે. જુઓ, બજેટ વિશે તો સૌ કોઈનો અભિપ્રાય હોય. પણ, અમારી કોન્ટેન્ટ સર્વિસ પ્રોવાઈડર કંપની તમને બજેટ વિશે અનેક અભ્યાસપૂર્ણ, વિદ્ધતાપૂર્ણ આંકડા, એનાલિસિસ, ચોટદાર વન લાઈનર્સ, જોઈએ તો લાંબા લેખ અને જોઈએ તો ફક્ત મુદ્દાસર ઈન્ફોગ્રાફિક્સ બધું પૂરું પાડશે.'

'હે...હે...' કુબેરદાર ગેંગેંફેંફેં થઈ ગયા. 'પણ, આ બધાંનું મારે શુું કામ છે? આઈ મીન, આ તો બધું બહુ સિરિયસ થઈ ગયું. કોઈ હળવી વાત કરોને!' છેલ્લે છેલ્લે તેમના સ્વરમાં યાચના ભળી. 

પેલી કહે, 'ઓહો સર, આ તો તમારે સોશિયલ મીડિયા પર બજેટ વિશે અભિપ્રાય પોસ્ટ કરવો  હોય તો  અમે તમને રેડીમેડ પોસ્ટસ પૂરી પાડીશું.  તમારો વટ પડી જશે.  જોકે, નિષ્ણાત અર્થશાસ્ત્રી નહીં, પણ પબ્લિકનું મનોરંજન કરે તેવી બજેટ પરની કોમેડી રીલ જોઈતી હોય તો એ પણ અમે રેડીમેડ આપીશું. તમારી રીચ વધશે, તમારા ફોલોઅર્સ વધશે એટલે તમારી આવક વધશે. પછી તમારી પાસે કોફી અને ેસેન્ડવીચ તો શું પણ  ફાઈવસ્ટારમાં બૂફે બ્રન્ચનું પણ બજેટ હશે.'

'ઓહો... એટલે આમાં તો મારે કાંઈ કરવાનું જ નથી એમને? મતલબ આ બધું મેળવવવા માટે મારે શું કરવાનું છે કહો?' કુબેરદાર એકદમ તડપી ઉઠયા. 

'સર, અમારી પાસે જુદાં જુદાં પેકેજ છે. તમારી રિકવાયરમેન્ટ પ્રમાણે બેઝિક કોન્ટેન્ટ, પ્રિમિયમ કન્ટેન્ટ અને ગોલ્ડ કન્ટેન્ટ... એના થોડા ચાર્જીસ છે. પણ મારી વાત માનો, સર. આ ચાર્જીસ નથી, ઈન્વેસ્ટમેન્ટ જ છે. તમે અમને થોડો ચાર્જ આપશો, બદલામાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તમને મબલખ કમાણી થશે.'

કુબેરદાસ માની ગયા. પેલીએ માગી એ બધી ડિટેઈલ આપી દીધી. તેણે કોઈ ઓટીપી મોકલ્યો એ પણ આપી દીધો. થોડીવારમાં જ કુબેરદાસના મોબાઈલ પર  બેન્ક  ખાતું સાફ થઈ ગયાનો મેસેજ આવ્યો. 

એ પછી તરત બીજો મેસેજ આવ્યો.  'અભિનંદન, બજેટના નામે છેતરાયા હો એવા તમે પહેલા નથી, કરોડો લોકો દર વર્ષે બજેટના નામે છેતરાય જ છે. અફસોસ નહિ કરતા.'

કુબેરદાસે પ્રેમ અને બજેટમાં બધી બનાવટ ચાલે એમ માની મન મનાવ્યું. 

સ્માઈલ ટિપ 

બજેટ એ અર્થશાસ્ત્ર નહીં, સ્વાર્થશાસ્ત્રનો વિષય છે. સરકાર અને પ્રજા બધા પોતપોતાનો સ્વાર્થ જ જુએ છે.