- સ્માઇલ ઇન્ડેક્સ - વ્યર્થશાસ્ત્રી
- ફેશનના નામે માણસ ગમે તે ગાંડા કાઢી શકે, કોપરનાં દાગીનાં પહેરીને પણ ફરી શકે
ફોકટલાલ શિયાળાની બપોરની ગરમીમાં ઊંઘવાની વેતરણમાં હતા ત્યારે અચાનક એમના બારણે ટકોરા પડયા. દરવાજે ઊભેલા ફાલતુચંદે સીધું સવાલનું ડ્રોન છોડયું, 'લોટો છે? લોટો?'
'હેં? તમે અહીં મારા ઘરે લોટે જવા આવ્યા છો? જુઓ, એવી જરૂર નથી. મેં એક પ્લાસ્ટિકનું જૂનું ડબલું એક ભંગારવાળા પાસેથી પ્લાસ્ટિકની એક મોટી જૂની તૂટેલી ડોલના એક્સચેન્જમાં લઈ રાખ્યું છે. તમારે એ ચાલશે.'
ફાલતુચંદ લુચ્ચું હાસ્ય કરીને કહે, 'વાહ, તમારી કલ્પનાને પણ દાદ દેવી પડે. બરાબર છે, પણ કદાચ તમારાય એવા દિવસો આવશે ખરા. ફોરેનમાં કહે છે કે બિલિયોનર લોકો ટોઈલેટમાં સોનાનાં નળ તો શું, આખેઆખું ટોઈલેટ સોનાનું રાખે છે. તો આપણા દેશમાં તમારા જેવા સદ્ધર સમૃદ્ધ લોકો લોટે જવા માટે તાંબાનો લોટો રાખે પણ ખરા.'
કોઈ સમારંભમાં સ્ટેજ પર બેઠેલા મહાનુભાવ કોઈ સન્માન સ્વીકારતી વખતે પોતે બહુ વિનમ્ર છે એવું દેખાડવા પોતાના વખાણમાં બોલાયેલા શબ્દા ેઅનીચ્છાએ સ્વીકારવાનો અને જાણે પોતાને આવા સન્માનની પરવા નથી એવા ડોળ સાથે હસે એ સ્ટાઈલથી ફોકટલાલ ખોટું ખોટું હસ્યા, 'હું અને સમૃદ્ધ?હેંં... હેં... શું વાત કરો છો?'
'માય ડિયર, એટલે જ મેં તમને આવતાંવેંત લોટાનું પૂછયું. તમારી પાસે તાંબાનો લોટો છે? મારે લોટે નથી જવું પણ તમે એ જાણીને ખુશીથી લોટપોટ થઈ જશો કે એક તાંબાનો લોટો તમને લખપતિ બનાવી શકે છે, લખપતિ! તમે સમાચારો વાંચો છો કે નહિ? કોપર ઈઝ ધ ન્યુ ગોલ્ડ. તાંબાના ભાવ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે. લોકો હવે સોનું-ચાંદી ભૂલી કોપરમાં ઈન્વેસ્ટ કરવા પાછળ મંડી પડયા છે.' ફાલતુચંદે મેટલ કોમોડિટી રિપોર્ટ રજૂ કરી દીધો.
'હેં?' ગરમ કોપરની પટ્ટી પર હાથ પડયો હોય એમ ફોકટલાલ ખળભળી ઉઠયા. 'શું વાત કરો છો? એટલે લોકો હવે તાંબાનાં દાગીના પહેરશે એમ?' ...અને પોતાના પ્રશ્નનો જવાબ ન મળે એ પહેલાં ફરી ફોકટલાલ દિવાસ્વપ્નમાં પોતાની ડોકે તાંબાનો હાર ઝૂલતો હોય એવું કલ્પવા માંડયા. જોકે, એમને એ કલ્પનામાં બહુ મઝા ન આવી.
ફાલતુચંદ હસતાં હસતાં કહે, 'કોને ખબર? તાંબાનાં દાગીનાનો જમાનો પણ આવે ખરો. માણસજાતનો કાંઈ ભરોસો નહીં. એ ફેશનના નામે ગમે તે ગાંડપણ કરી શકે, પણ ડિયર, અત્યારે વાત ફેશનની નથી. ઈન્વેસ્ટમેન્ટની છે. બોસ, મેટલ હવે ઈન્વેસ્ટમેન્ટ માટે છે, અને હવે મેટલમાં પણ તાંબાનો જમાનો આવવાનો છે. એટલે જ કહું છું કે જો તમારી પાસે તાંબાનો લોટો હોય તો તમે ભવિષ્યના લખપતિ છો.'
ફોકટલાલ તરત જ ઘરની અંદર દોડયા. રસોડામાંથી તાંબાનો એક જૂનો લોટો લઈ આવ્યા. ફાલતુચંદને હાથમાં આપતાં હરખઘેલા થઈને પૂછયું, 'જુઓ તો, આ બરાબર છે? આના અત્યારે શું ભાવ આવે તેમ છે?'
'લાવો જોઈ આપું,' એમ કહી ફાલતુચંદે તાંબાનો લોટો હાથમાં લીધો અને હજુ તો ફોકટલાલ કાંઈ સમજે વિચારે તે પહેલાં તો ધડ્ દઈને એમના કપાળ પર ફટકારી દીધો. ફોકટલાલ તરત જ બેભાન થઈ ગયા. થોડીવારે ભાનમાં આવ્યા તો જોયું કે તાંબાનો લોટો ત્યાંનો ત્યાં જ હતો, પરંતુ એમના હાથ પરની ચાંદીની વીંટી ગાયબ હતી. સાથે એક ચબરખી પડી હતી. તેના પર લખ્યું હતું- 'ઓલ્ડ ઈઝ ગોલ્ડ, એન્ડ ઓલ્ડ સિલ્વર ઈઝ નાઉ સુપરડુપર ગોલ્ડ...આ વીંટીનું વળતર તમને ભવિષ્યમાં આ તાંબાનો લોટો વાળી આપશે.'
આ વખતે ફોકટલાલે જાતે જ લોટો પોતાના માથે માર્યો.
સ્માઈલ ટિપ
કોને ખબર... પચીસ વર્ષે સિલ્વર અને પચાસ વર્ષે ગોલ્ડન જ્યુબિલી ઉજવાય છે તેમ ભવિષ્યમાં કયાંક કોઈ વર્ષે કોપર જ્યુબિલી પણ ઉજવાશે ખરી.


