- સ્માઇલ ઇન્ડેક્સ - વ્યર્થશાસ્ત્રી
- મોંઘવારી ૦.૨૫ ટકા જ રહી ગઈ એટલે હવે દેશમાં પચ્ચીસ પૈસાના સિક્કા પણ ચલણમાં પાછા આવશે
'હેલ્લો...માઈક ટેસ્ટિંગ...' ડુંગળીએ કોઈપણ સમારંભના ઉદ્ધઘાટન પહેલાંના રિવાજ મુજબ ઉચ્ચાર્યું.
'ઓય! તું માઈકથી આઘી રહેજે. તારા અવાજ કરતાં તો તારી ગંધ જ આખા ઓડિટોરિયમમાં ફેલાય છે,' ટમેટાએ નાક મચકોડયું.
ડુંગળી વિફરી. 'એ ન ભૂલીશ કે આ માઈક ટેસ્ટિંગ તો મારી સેવા છે. બાકી, મોંઘવારીનો દબદબો વધારવા માટે છાશવારે મેં જે ભૂમિકા ભજવી છે તે આપણી શાક કોમ્યુનિટીમાંથી બીજા કોઈએ નથી ભજવી.'
ત્યાં તો વટાણા, રિંગણ, ફલાવર આવી પહોંચ્યા. 'એય! મોંઘવારીને મોટી દેખાડવાની કોઈએ એકલા એકલા ક્રેડિટ ખાટવી નહીં હોં... અમે પણ તેમાં પ્રદાન કરીએ જ છીએ.'
બોલાચાલી ઉગ્ર થતી જોઈ ચણા અને મગે દોટ લગાવી. 'એલ્યા, શાકબજાર એટલે શાકબજાર... તમને લોકોને ઘોંઘાટ વગર ચાલે જ નહીં. મૂંગા મરો. અહીં આપણે મોંઘવારીનું કદ વધ્યું એની નહીં, મોંઘવારી વિદાય લઈ રહી છે એના સમારંભમાં આવ્યા છીએ. તમે લોકો ટાણું ન બગાડો.'
'યસ્સસ...' બાજુમાં ઊભેલા સિંગતેલના ડબ્બાએ નિસાસો નાખ્યો. 'આપણા સૌની બહુ જ લાગણી હતી કે મોંઘવારી ટકી રહે તેમ છતાં પણ તે વિદાય લઈ રહી છે.'
આ ચર્ચા આગળ વધે ત્યાં તો મોંઘવારી અને સોંઘવારીની જોડીએ સ્ટેજ પર સ્થાન લીધું. ઓડિટોરિયમ તાળીઓના ગડગડાટથી ગાજી ઉઠયું.
સોંઘવારીએ ગળે બાઝી ગયેલો ડૂમો ખંખેરતાં કહ્યું, 'સાથીઓ, હાલમાં સરકારે જેમ જાહેર કર્યું છે તેમ દેશમાં હવે ફક્ત ને ફક્ત ૦.૨૫ ટકા જ ફૂગાવો રહ્યો છે. જેમ દેશમાંથી પચ્ચીસ પૈસાનું ચલણ ક્યારનુંય નાબુદ થઈ ચૂક્યું છે તેમ ૦.૨૫ ટકા ફુગાવો એટલે શૂન્ય બરાબર જ ગણાય. આટલા ખાતર આજે આપણે સૌ મોંઘવારીની દેશમાંથી વિદાય પ્રસંગે આ ભાવભીનો વિદાયમાન સમારોહ યોજી રહ્યા છીએ.'
'ઓહો! એટલે મોંઘવારીની વિદાય પછી સોંઘવારીનું રાજ આવશે એમ? તો તો પચ્ચીસ પૈસા ફરી પાછા ચલણમાં આવશે ને...' દવાની બોટલે મશ્કરી કરી.
બાજુમાં ઊભેલા સિમેન્ટે પોતાના કોથળા જેવા દેહથી દવાની બોટલને ટપલી મારી, 'અલી, શુભ શુભ બોલ. મારી તો ઈચ્છા છે કે આપણે બેય એટલા મોંઘા થઈએ કે ભવિષ્યમાં દસ હજારની નોટ ખિસ્સામાં લઈ લોકો આપણને લેવા નીકળે.'
સભાગૃહમાં ઘોંઘાટ વધતાં સોંઘવારીએ ઘાંટો પાડયો. 'શાંતિ... શાંતિ! જુઓ, તમને બધાને સરકારી ભાવાંકની યાદીમાંથી વીણી વીણીને બોલાવવામાં આવ્યા છે. તેનો મતલબ એ નહીં કે તમે બધા આમ અંદરોઅંદર વાતો કરીને બધાને ડિસ્ટર્બ કરો. સાયલન્સ પ્લીઝ...'
પેટ્રોલ બૂમ મારીને કહે, 'હા, સાયલન્સ બરાબર છે. હું તો કહું છું કે મોંઘવારીની વિદાયના માનમાં બે મિનિટ મૌન પાળીએ.'
'સબૂર...' તુવેર દાળે જાણે ચીસ પાડી. 'એ કહો કે મોંઘવારીની વિદાય થઈ જશે એટલે સરકાર સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થું આપવાનું અને તે સતત વધારતા જવાનું બંધ કરી દેશેને?'
સોંઘવારી કાંઈ જવાબ આપે તે પહેલાં મોંઘવારીએ માઈક હાથમાં લઈ લીધું અને ઘોષણા કરી, 'એટેન્શન પ્લીઝ ! હું વિદાય લઈ રહી છું એ વાત સાચી... પણ સરકારી ચોપડે જ, દર વખતની જેમ જ... સમજ્યા ને?'
'સમજ્યા.. સમજ્યા...'ના હર્ષભર્યા પોકારોથી ઓડિટોરિયમ ગાજી ઉઠયું. બધા નાચી ઉઠયા. અસલી ફેરવેલ પાર્ટી હવે શરુ થઈ. સોંઘવારીએ સ્ટેજની સાઈડમાંથી કોઈ જુએ નહીં તેમ એક્ઝિટ મારી.
સ્માઈલ ટિપ
દેશના રાજકારણમાં મોંઘવારી પહેલાં જૂની ફિલ્મોના અમરીશ પુરી કે પ્રેમ ચોપરા જેવી દમદાર વિલન હતી, હવે તે સાઈડ કિક જેવી બનીને રહી ગઈ છે.


