Get The App

જોઈએ છે : સજ્જન, સૌમ્ય, વિવેકી, સંસ્કારી રિકવરી એજન્ટો...

Updated: Feb 15th, 2026

GS TEAM

Google News
Google News
જોઈએ છે : સજ્જન, સૌમ્ય, વિવેકી, સંસ્કારી રિકવરી એજન્ટો... 1 - image

- સ્માઇલ ઇન્ડેક્સ - વ્યર્થશાસ્ત્રી

- રિઝર્વ બેન્કના નવા નિયમો પછી રિકવરી એજન્ટોના ઈન્ટરવ્યુનો સીન 

બેન્કે રિક્વરી એજન્ટના ઈન્ટરવ્યુ શરૂ કર્યા. 

પહેલા જ ઉમેદવાર બાવડાં ફૂલાવતાં મુઠ્ઠી પછાડતા આવ્યા અને આખું ટેબલ પછાડયું, 'બોલો, કોને ઉઠાવવાના છે, કોને ફટકારવાના છે, ક્યાંથી કાર ખેંચવાની છે? કોના ઘરના સામાન બહાર ફેંકવાનો છે? મારી ગેંગમાં ૨૦ છોકરા છે અને દરેકના નામે ૨૫-૩૦ કેસ પોલીસ ચોપડે બોલે છે. અમુક તો દેખાવથી જ એવા ખૂંખાર છે કે જેને જોઈને જ ડિફોલ્ટર પોતાની જાત વેંચીને પણ બાકી લોન ચૂકવી દે છે. 

અધિકારી ૧: સોરી સોરી... ભાઈ ! અમારી ભૂલ થઈ ગઈ. અમારે તો રિકવરી એજન્ટો જોઈએ છીએ. અહીં કોઈ ગેંગની ભરતી ઝુંબેશ નથી ચાલતી. 

પેલા ઉમેદવાર ઉશ્કેરાયા, 'બોસ, મોઢું સંભાળીને બોલો. તમારી પહેલાં બેન્કના સાહેબો હતા એ તો અમને લોકોને શોધી શોધીને રિકવરીનાં કામ આપતા હતાં. સાચું કહેજો. તમને અમારી હરીફ ગેંગે અમારું પત્તું કટ કરવા સોપારી તો નથી આપીને. 

અધિકારી ૨ : શાંત, બાવડાંધારી, શાંત...તમારો કે અમારો વાંક નથી. એકચ્યુલી, અમને રિઝર્વ બેન્કે જ સૂચના આપી છે કે હવેથી એકદમ સૌમ્ય, સંસ્કારી, વિવેકી, સજ્જન, મૃદુભાષી, હસમુખા રિકવરી એજન્ટ રાખવાના છે. અમારી જ ભૂલ છે, અમારે જાહેરાતમાં આ બધા ગુણો લખવા જોઈતા હતા. 

પેલા પડછંદ ઉમેદવાર રવાના થયા. બેન્કે નવેસરથી જાહેરાત બહાર પાડી ને ફરી ઈન્ટરવ્યુ ચાલુ કર્યા. 

અધિકારી ૨: બોલો, તમારી સામે કોઈ પોલીસ કેસ છે? 

ઉમેદવાર: હેં? પોલીસ કેસ? ના,ના સાહેબ... પોલીસ તો શું, મારી સામે અમારી હાઉસિંગ સોસાયટીની સિક્યુરિટીનો પણ કેસ નથી. તમે અમારી ગલીમાં ચેક કરવા આવો. મને જોઈને તો ગલીનાં કૂૂતરાં પણ  ભસવાની તસ્દી લેતાં નથી. એનાથી મોટો તો મારી સજ્જનતાનો પુરાવો શું આપું? 

અધિકારી ૩: ગુડ,વેરી ગુડ. બોલો, હવે તમે રિકવરી એજન્ટ તરીકે કોઈ ડિફોલ્ટરની કાર પાછી લેવા જશો તો કેવી  રીતે વાત કરશો? 

ઉમેદવાર: મેં ગુજરાતી સાહિત્યમાં એમએ કર્યું છે. એટલે એકદમ સાહિત્યિક ભાષામાં પહેલાં તો થોડાક પત્રો લખીશ. તેમાં લખીશ કે 'હે પરમ આદરણીય મુરબ્બી ડિફોલ્ટરશ્રી, આપની બાકી લોન બાબતમાં આપની પાસેથી એકદમ શિષ્ટતાપૂર્વક કાર પાછી લઈ જવાની હોવાથી આપની અનુકૂળતા જણાવવા ખાસ પ્રેમાગ્રહ સાથે મહેરબાની કરવા વિનંતી છે. ' આ પત્રનો જવાબ નહીં મળે તો ફોન કરીને પૂછી જોઈશ, 'સર, માફ કરશો. શું હું તમારી ૪૦ સેકન્ડ લઈ શકું? સર, આપની લોન બાકી છે તે કાર સંપૂર્ણ સન્માન સાથે પાછી લેવા આવવાનું છે. તો હું ક્યારે કયાં સ્થળે પધારી શકું,  સર?' 

ડિફોલ્ટર મને સમય જણાવશે તો ત્યાં પહોંચીને હું સૌથી પહેલાં તો ડિફોલ્ટરને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીશ અને કહીશ, 'હે સન્માનીય ડિફોલ્ટરશ્રી,  ધન ભાગ ને ધન ઘડી, આપશ્રીએ બાકી લોન બાબતે કાર પાછી લઈ જવાની તક મને આપી તે બદલ આવતી સાત પેઢી સુધી હું તમારો આભારી રહીશ.'

બેન્ક અધિકારીઓ તો તેમની સીટ પરથી ઊભા થઈ ગયા. એક અધિકારી તો આ ઉમેદવારને ભેટી પડયા. આંખમાંથી હર્ષાશ્રુ લૂછતાં લૂછતાં તેમણે ઉમેદવારને પૂછ્યું, 'કોઈ બાકી લોનના ડિફોલ્ટર સાથે પણ આટલા પ્રેમ, વિવેક અને સન્માન સાથે વાત કરવાનું તમે ક્યાંથી શીખ્યા?'

ઉમેદવાર જરા શરમાઈને કહે, 'એ તો મેં વિજય માલ્યા પાસેથી તેમની સાથે બેન્ક અધિકારીઓ કેવી રીતે વાત કરતા હતા તેનું ઓનલાઈન ગાઈડન્સ લીધું છે.'

બેન્ક અધિકારીઓ મુઠ્ઠી વાળીને નાઠા... વિજય માલ્યાને થેન્કયુનો ફોન જોડવા.

સ્માઈલ ટીપ: 

બેન્કોમાં નવાં પાટિયાં લાગશે: વ્હાલથી વસૂલાત એ જ અમારો મુદ્રાલેખ છે.