- સ્માઇલ ઇન્ડેક્સ - વ્યર્થશાસ્ત્રી
- કંપનીઓ બંધ થાય એટલે ભંગારિયાઓને કમાણી થાય, સેકન્ડ-હેન્ડ ફર્નિચર અને મશીનરીમાં તેજી આવે. આઠ ટકા જીડીપી કાંઈ એમને એમ થયો છે..
સરકારી ઓફિસમાં તાળી પાડવાનો અને ધમાધમ નાચવાનો અવાજ આવતાં બાકીના અધિકારીઓ પણ એ દિશામાં દોડયા.
એક અધિકારીએ પૂછ્યું, 'શેની ઉજવણી ચાલે છે ભાઈ? અમેરિકાએ નવો ટેરિફ નાખ્યો એની કે રુપિયો વધારે નીચે ગયો તેની? એફઆઈઆઈ વધારે પૈસા ઉસેડી ગયા તેની કે વધુ એક વિમાની કંપની બંધ થવાના આરે આવી ગઈ તેની?'
'સહી પકડે હૈ...' નાચી રહેલા અધિકારીએ તાળી આપી.
'હેં?' અગાઉ ચાર સવાલ કરનારા અધિકારીને આ વખથે એક જ પ્રશ્નસૂચક શબ્દ સૂઝ્યો.
'અરે ડિયર, તમે એ, બી, સી, ડી ચાર જવાબ આપ્યા તેમાં ડી અડધોપડધો સહી જવાબ છે. અડધોપડધો એટલા માટે કે કોઈ વિમાની કંપની બંધ થવાની નથી, પરંતુ દેશમાં પાંચ વર્ષમાં બે લાખ કંપનીઓ બંધ પડી ગઈ છે તેની ઉજવણી ચાલી રહી છે.'
'હેં?' સવાલકર્તા અધિકારીએ પોતાના સવાલસૂચક ઉદ્ગાર રિપીટ કર્યો. પછી વધારે સવાલ પૂછ્યા, 'કંપની બંધ પડી તેની ઉજવણી? કોની કંપની બંધ પડી? ઈલેક્ટરોલ બોન્ડમાં પૈસા ન હતા આપ્યા એમની?'
ત્યાં બીજા અધિકારી હસતાં હસતાં કહે, 'લે, આ તે કાંઈ સવાલ છે? નામ તેનો નાશ હોય કે ન હોય પણ ઈલેક્ટોરલ બોન્ડમાં પૈસા ન આપ્યા હોય તે કંપનીનો નાશ તો નક્કી જ છે. એટલે આ સવાલ જ અસ્થાને છે. પણ મૂળ વાત તો એ છે કે હમણા સંસદમાં આંકડા રજૂ થયા છે એ મુજબ દેશભરમાં પાંચ વર્ષમાં બે લાખ કંપનીઓ બંધ પડી છે. તેમાં પણ વાયબ્રન્ટ ગુજરાતમાં પાંચ વર્ષમાં ૧૧ હજાર એકમોને તાળાં લાગ્યાં છે એવી વાત બહાર આવી છે.'
'આ તો નેગેટિવ ન્યુઝ છે...' પ્રશ્નકર્તા અધિકારીએ ગૂંચવાઈ જવાનું ચાલુ રાખ્યું.
'ઓહો માય ડિયર...' ત્રીજા હરખાતા અધિકારી તેમની નજીક આવ્યા. 'જુઓ, પોઝિટિવ-નેગેટિવ જેવું કશું હોતું નથી. બધું આપણે કેવી રીતે લઈએ છીએ તેના પર છે. જુઓ , દિલ્હીમાં આટલું બધું પ્રદૂષણ વધ્યું તો તેના કારણે માસ્ક વેચતા નાના વેપારીઓથી માંડીને એર પ્યોરિફાયર બનાવતી મોટી કંપનીઓને ફાયદો થયો...છે ને પોઝિટિવ વાત?'
સવાલકર્તાનો ચહેરો જ પ્રશ્નાર્થ ચિહ્ન જેવો બની ગયો એટલે પેલા અધિકારીએ આગળ ધપાવ્યું. 'ભલા માણસ, એટલું તો સમજો કે કંપનીઓ બંધ થાય એટલે એની મશીનરીથી માંડીને નાનો મોટો કેટલોય સામાન ભંગારમાં જાય. એનાથી ભંગારિયાઓને કમાણી થાય. આવી કંપનીઓની કેટલીય ચીજો સેકન્ડ-હેન્ડમાં જાય એટલે સેકન્ડ-હેન્ડ વસ્તુુઓના બજારમાં તેજી આવે.સૌથી અગત્યનું તો એ કે પાંચ વર્ષમાં બે લાખ કંપની બંધ પડી તેનો મતલબ બે લાખ તાળાંની ખપત થઈ. હવે દરેક કંપની બંધ પડે એટલે એક જ તાળું લાગે એવુું તો બને નહીં. એ રીતે જુઓ તો કેટલાં લાખ તાળાંની ખપત થઈ હશે તેનો કોઈ અંદાજ જ નથી. બીજા ઉદ્યોગો ભલે બંધ પડયા, પણ તાળાં ઉદ્યોગનો તો વિકાસ થયોને! એટલે અમે બધા આમ હરખથી નાચીએ છીએ. થાકી જઇશું એટલે હમણાં તાળાં ઉદ્યોગમાં નવાં એમઓયુ કેવી રીતે કરાવવાં, તાળાંઓમાં નવી ટેકનોલોજી લાવવા વિદેશી કંપનીઓને કેવી રીતે આકર્ષવી, હજુ તો આવનારાં વર્ષોમાં વધુ કંપનીઓ બંધ પડે તેમ છે એટલે તાળાં ઉદ્યોગની આકર્ષક તકો વિશે રોકાણકારોને કેવી રીતે આકર્ષવા એ બધી ઈવેન્ટનું પ્લાનિંગ કરવા બેસીશું...'
'મારા કાનને તાળું મારી દો... તાળું મારી દો..' એવી બૂમો પાડતા સવાલકર્તા અધિકારી નાઠા.
સ્માઈલ ટિપ
મગજને તાળું મારી શકે એના જેવો કોઈ સુખી માણસ નહીં!


