Get The App

યુદ્ધના પાપે ઈલેક્શન ઈકોનોમી વણસી, નાસ્તામાં કાપ!

Updated: Apr 12th, 2026

GS TEAM

Google News
Google News
યુદ્ધના પાપે ઈલેક્શન ઈકોનોમી વણસી, નાસ્તામાં કાપ! 1 - image

- સ્માઇલ ઇન્ડેક્સ - વ્યર્થશાસ્ત્રી

-  ચૂંટણી માટે ફંડ લેવા જઈએ તો લોકો શેરબજારમાં નુકસાનનાં બહાનાં બતાવે છે 

'આ ટ્રમ્પે  તો ભારે કરી. તેના લીધે આપણા ચૂંટણી પ્રચાર પર અસર થઈ રહી છે.' એક કાર્યકરે નેતાજીને ફરિયાદ કરી. 

નેતાજી કહે, ' આવા ભીષણ યુદ્ધમાં પણ દેશને કેટલી ઓછી તકલીફ પડી તે વાત પ્રજાને ગળે ઉતારવાને બદલે એરિયામાં રસ્તા ખરાબ છે, પાણીનાં ઠેકાણાં નથી, ગટરો ઉભરાય છે, દબાણો થઈ ગયાં છે, ટ્રાફિક જામની સમસ્યા છે, સફાઈ થતી નથી એવા બધા પ્રશ્નોના જવાબો આપશો તો પ્રચાર પર અસર થશે જ.'

પેલો કાર્યકર કહે, 'અરે નેતાજી, આ તમે ગણાવ્યા એવા પ્રશ્નો તો જનતા યાદ પણ કરતી નથી.'

બીજો કાર્યકર કહે, 'બાકી, દુનિયાભરમાં આપણી જનતા જેવી નિરુપદ્રવી જનતા ક્યાંય મળે નહીં. હમણા સુધી બધા 'ધુરંધર-ટુ'માં બીઝી હતા. હવે બધા આઈપીએલમાં બિઝી થઈ ગયા છે.  કયા મુદ્દે મત આપવો તેની ચિંતા કોઈ કરતું નથી.'

પેલો કાર્યકર રિસાઈને કહે, 'તો આપણે પણ ક્યાં જનતાની ચિંતા કરીએ છીએ? યાદ રાખો, ઈલેક્શન એ જનતાનો નહિ પણ આપણા કાર્યકરોને તહેવાર છે. અને આ ટ્રમ્પના યુદ્ધના કારણે આપણા કાર્યકરોનો આ વખતનો ઈલેક્શન ઉત્સવ બગડયો છે.'

આ વખતે નેતાજી ધૂંધવાયા. 'જો બકા, આપણી તો સરકાર જ ઉત્સવો ને ઉજવણીઓ પર ચાલે છે. 'ઉત્સવ એ જ સુશાસન' એ સૂત્ર આપણે આત્મસાત કરેલું છે. એટલે આવી ઉત્સવવિરોધી વાત નહિ કરવી.'

પેલો કાર્યકર કહે, 'નેતાજી,  આ વખતે યુદ્ધના કારણે આખી ઈલેક્શન ઈકોનોમી પર અસર પડી છે. ગેસના બોટલ મળતા નથી એમાં તો ચૂંટણી  કાર્યાલયો પર નાસ્તાની રોનક છિનવાઈ ગઈ છે. એકની એક ઠંડી સેન્ડવીચ તો કેટલાં ટાણાં સુધી ઝાપટવાની? ચૂંટણી કાર્યાલય પર તો ભજીયાં ને સમોસાં વગર માહોલ જામતો જ નથી. '

બીજા કાર્યકર કહે, ' પહેલાં તો  અમે બાઈક રેલી માટે ૫૦ રુપિયાનું પેટ્રોલ ભરાવીને ૫૦૦ રુપિયાનું બિલ મૂકી શકતા હતા. આ વખતે અમને કહેવામાં આવે છે કે ગમે ત્યારે પેટ્રોલની અછત થાય એમ છે એટલે બાઈક રેલીઓ ઓછી રાખીને સોશિયલ મીડિયા પર પોસ્ટ્સનો જ મારો ઝાઝો ચલાવવાનો છે.'

ત્રીજા કાર્યકરે ફરિયાદ કરી, 'સર, અમુક ઉદ્યોગો ને હોટલો બંધ થઈ ગયા ને એમના કારીગરો વતન જતા રહ્યા એમાં આપણને નાની-મોટી રેલીઓ ને સભામાં ભીડ દેખાડવાના  પણ વાંધા  થઈ ગયા છે. હવે  બચ્યાખૂટયા મજૂરોએ હાજરીનો ભાવ વધારી દીધો છે.'

ચોથો કાર્યકર કહે, 'બોસ, અમારા એરિયામાં તો આપણા ઓળખીતા વેપારીઓ અને બીજા ધંધાવાળાઓને ત્યાં ઈલેક્શન ફંડની નાની-મોટી રકમ માગવા જઈએ છીએ તો બધા હાથ ઊંચા કરીને કહી દે છે કે આ વખતે યુદ્ધના કારણે શેરબજાર બેસી ગયું છે. બે લાખ માગ્યા હોય તો લોકો દસ હજાર આપીને ઊભા રહી જાય છે.આમાં અમારે શું કમાવાનું?'

નેતાજી આંખ મિચકારીને કહે, 'ચિંતા ન કરો. મારી આજે જ રસ્તાઓના  કોન્ટ્રાક્ટરો સાથે વાત થઈ ગઈ છે. યુદ્ધના કારણે ડામર મોંઘો થઈ ગયો છે એવું બહાનું બતાવીને આપણે ચૂંટણી પછી એમના કોન્ટ્રાક્ટના રેટ વધારી દેવાના છીએ. એ શરતે એ લોકો આપણને આ આજકાલમાં જ મોટું ફંડ રિલીઝ કરવાના છે.'

કાર્યકરોએ હતા એટલા બધા હારતોરા નેતાજીને પહેરાવી દીધા.

સ્માઈલ ટિપ 

ઓઈલ માણસના આરોગ્ય અને વિશ્વશાંતિ બંને માટે જોખમી છે.