Get The App

શેરમાં એવરેજ કરવી હોય તો અમેરિકાની મંજૂરી લઈ આવો

Updated: Mar 8th, 2026

GS TEAM

Google News
Google News
શેરમાં એવરેજ કરવી હોય તો અમેરિકાની મંજૂરી લઈ આવો 1 - image

- સ્માઇલ ઇન્ડેક્સ - વ્યર્થશાસ્ત્રી

- રસોડામાં ગેસ બોટલ રાખવી કે લાકડાં બાળવા તેની મંજૂરી પણ ટ્રમ્પ આપશે 

આલતુચંદઃ ધન ભાગ્ય ને ધન ઘડી, ઈશ્વર પેલા ટ્રમ્પસાહેબને લાખ લાખ સુખ શાંતિ આપે. બાકી, એમણે દોસ્તીની લાજ નિભાવી ખરી. આપણને રશિયાનું તેલ લેવાની મંજૂરી આપી દેવા બદલ ટ્રમ્પસાહેબનો લાખ લાખ આભાર. 

ફાલતુચંદઃ એલા, ટ્રમ્પસાહેબે મંજૂરી આપી તો ખરી, પરંતુ માગી'તી કોણે? તારા ટ્રમ્પસાહેબનું બધું વન સાઈડ લવ સ્ટોરી અને વન સાઈડ હેટ સ્ટોરી જેવું કામકાજ છે. કોઈએ કહ્યું ન હોય તો પણ એ રશિયાનું તેલ લેવાની મંજૂરી આપી દે. કોઈએ કહ્યું ન હોય તો પણ એ યુદ્ધમાં સમાધાન કરાવી દે. 

આલતુચંદઃ જોયું, અમારા  ટ્રમ્પસાહેબ કેવા  ઉદાર છે. કોઈ માગતું નથી તો પણ મંજૂરી આપી દે છે તો ભલા માણસ એ વિચાર કે જો આપણે માગવા  બેસીએ તો તો કેવી ને કેવી મંજૂરીઓ આપશે. 

ફાલતુચંદઃ હેં લ્યા , આ તારા ટ્રમ્પસાહેબના પ્રતાપે જ અત્યારે શેરબજાર બેસી ગયું છે. મારે અમુક શેરમાં એવરેજ કરવી છે. તો એમની મંજૂરી માગી લઉં કે કેમ? 

આલતુચંદઃ બેશક. ટ્રમ્પસાહેબ હજુ લડાઈ લાંબી ખેંચવાના મૂડમાં હશે તો કહી દેશે કે હજુ અત્યારે એવરેજ ન કરતા. હજુ નીચામાં ખરીદવાનો ચાન્સ આવશે. ને જો એ પોતે પણ કંટાળ્યા હશે તો કહી દેશે કે કરી નાખો એવરેજ. 

ફાલતુચંદઃ તારા ટ્રમ્પસાહેબ બીજી શું પરમિશન આપી શકે તેમ છે? અત્યારે ઉદ્યોગો માટે ગેસ ટ્રબલ ઊભી થઈ ગઈ છે ને પછી રખેને ગેસના બાટલા ભરવા ગેસ પણ ન રહે તો ટ્રમ્પસાહેબ ઘેર ઘેર ચૂલા ચાલુ કરવાની મંજૂરી આપવાના છે? 

આલતુચંદઃ બોસ, ચિંતા ન કરો. એમાં પણ જો ટ્રમ્પ સાહેબ હવે લડી લડીને થાક્યા હશે તો કહી દેશે કે તમતમારે ગેસના બાટલા વાપરે રાખો, હું વાંધો નહિ આવવા  દઉં. પણ હજુ મક્કમ હશે તો કહી દેશે કે ઉઠાવો કુહાડો અને જાઓ જંગલમાં લાકડાં કાપવા. તો જ તમારા ઘરે ધાન રંધાશે. 

ફાલતુચંદઃ ભાઈ મારા, તો તો તારા ટ્રમ્પ સાહેબને કહી દે ને કે આપણા દેશને લોંગ ટર્મ કેપિટલ ગેઈન્સ ટેક્સ દૂર કરવાની મંજૂરી આપી દે. ટ્રમ્પસાહેબને પૂછી જો કે એ ઈન્કમટેક્સ નાબૂદ કરવાની છૂટ આપશે કે નહિ? તું પૂછાવી તો જો, ટ્રમ્પસાહેબ મંજૂરી આપતા હોય તો આપણે પેલા વિજય માલ્યા અને નિરવ મોદીને પણ વાજતેગાજતે ચાર્ટ્ડ પ્લેનમાં પાછા બોલાવીને અહીંની જેલમાં નાખી દઈએ.  ટ્રમ્પસાહેબ 'માંગ, માંગ માંગે  તે આપું'ના મૂડમાં જ છે તો તેમને પૂછી જો કે તેઓ આપણને ઉદ્ધઘાટન પહેલાં જ તૂટી ન પડે તેવા  પૂલ કે પાણી ભરાતાંની સાથે જ ધરાશાયી ન થઈ જાય તેવી પાણીની ટાંકી બનાવી  આપવાની મંજૂરી આપશે ખરા? ટ્રમ્પસાહેબ પાસે એટલીસ્ટ છ મહિના સુધી ખાડા ન પડે તેવા રોડ બનાવવાની મંજૂરી તો લઈ આવ. ટ્રમ્પસાહેબને કહે ને કે આપણને એવું ફૂડ સેફ્ટી તંત્ર ગોઠવવાની  મંજૂૂરી આપે કે પછી એનાલોગ પનીર કે પછી કેમિકલમાં દૂધ બનાવવાની કોઈ હિંમત જ ન કરે. 

આલતુ ચંદ: ઓ ભાઈ, મોઢું સંભાળીને હો...આ બધું કરવા માટે આપણને ટ્રમ્પની મંજૂરીની કોઈ જરુર નથી. 

ફાલતુચંદઃ એમ? તો આ બધું કરતાં આપણને કોણ રોકે છે? 

'..ઉભા રહો, હું એ પણ ટ્રમ્પસાહેબને પૂછી આવું...' એમ કહી આલતુચંદ ગાયબ થઈ ગયો.  

સ્માઈલ ટિપ 

જૂની કહેવતઃ માન ન માન, મૈં તેરા મહેમાન 

ટ્રમ્પની નવી કહેવતઃ માન ન માન, મૈં તેરા ભગવાન