Get The App

દેશપ્રેમીઓ બોલે : રૂપિયો નથી ઘટયો, ડોલર વધ્યો છે

Updated: Dec 7th, 2025

GS TEAM

Google News
Google News
દેશપ્રેમીઓ બોલે :  રૂપિયો નથી ઘટયો, ડોલર વધ્યો છે 1 - image

- સ્માઇલ ઇન્ડેક્સ - વ્યર્થશાસ્ત્રી

- રૂપિયા વિશે નિરાશાવાદી ચર્ચાઓ ખાળવા ખાસ કેમ્પેઈન ચલાવવામાં આવશે

રાજધાનીમાં રૂપિયામાટે કેમ્પેઈન કમિટીની બેઠક બોલાવાતાં એક અધિકારીએ  આશ્ચર્ય વ્યક્ત કર્યું, 'રૂપિયા માટેની બેઠકમાં કોઈ અર્થશાસ્ત્રી, બેન્કિંગ કે વિદેશ વેપારના જાણકાર નહીં અને કેમ્પેઈન કમિટી?'

એક સિનિયરે જવાબ આપ્યો,'જુઓ, દેશે આર્થિક  બાબતોમાં નિષ્ણાત અર્થશાસ્ત્રી પર ભરોસો કરવાનું ૧૨ વર્ષ પહેલાં જ છોડી દીધું છે અને બીજું, હવે  કોઈ એક્શન નહીં નહીં, પણ કેમ્પેઈન જ મહત્ત્વનું છે, એમ માનો કે કેમ્પેઈન એ જ એક્શન છે, એટલે કેમ્પેઈન કમિટીને કેમ્પેઈનનું એક્શન લેવા બોલાવી છે.'

પેલા અધિકારી નિરાશ થઈ દરવાજેથી જ પાછા ફર્યા. આ તરફ કેમ્પેઈન કમિટીની બેઠક ચાલુ થઈ. 

સભ્ય ૧ : હા તો મિત્રો, આપણે રૂપિયાને હીરો તરીકે રજૂ કરવાનો છે. 

સભ્ય ૨ : એના કરતાં એમ કહો કે આપણે ડોલરને વિલન ચિતરવાનો છે.

સભ્ય ૩ : આ સારો આઇડિયા છે. આપણે પબ્લિકને કહીશું કે દેશપ્રેમી હો તો એમ ન બોલો કે રૂપિયો ઘટયો છે, એમ કહો કે ડોલર વધ્યો છે. 

સભ્ય ૪ : ભાઈ, આમાં ડોલર બરાબર વિલન તરીકે રજૂ થતો નથી. એવું કાંઈક લાવો કે રૂપિયા સામે ડોલરને મજબૂત દેખાડવા માટે આંતરરાષ્ટ્રીય તાકાતો એકઠી થઈ ગઈ છે. 

સભ્ય ૧: હા , આ કાવતરાંવાળો પોઈન્ટ સારો ચાલે તેમ છે. આખી દુનિયા સાથે મળીને આપણી વિરુદ્ધ કાવતરાં કરી રહી છે, તેના કારણે રૂપિયાને જાણીજોઈને નબળો અને ડોલરને મજબૂત બનાવાઈ રહ્યો છે. આવું ચલાવીએ. 

સભ્ય ૨: પણ આવું કેમ્પેઈન ચલાવવા જતાં પબ્લિકને પાછો સવાલ થશે કે આપણું વિદેશ ખાતું શું કરે છે? આખી દુનિયા આપણી દુશ્મન થઈ ગઈ એ તો આપણી વિદેશ નીતિની નિષ્ફળતા છે. 

સભ્ય ૩ : તમે યાર, આ બધી ચિંતા છોડો. હવે પબ્લિક સવાલો કરતી જ બંધ થઈ ગઈ છે. 

સભ્ય ૪: બોસ, જરા ધીમેથી બોલો. પબ્લિક સવાલો કરતી જ નથી એવો મેસેજ જશે તો પછી પાછો સવાલ આવશે કે તો પછી કેમ્પેઈન કમિટીની જરુર જ ક્યાં છે? 

સભ્ય ૧ : તમે જરા કેમ્પેઈન કમિટીના મેમ્બર થઈને હાજરજવાબી થાઓ. કોઈ પૂછે તો કહી દેવાનું કે એ તો આટલાં વર્ષોથી કેમ્પેઈન કમિટીએ ચલાવેલાં કેમ્પેઈનોનો જ ચમત્કાર છે કે પબ્લિક સવાલો કરતી બંધ થઈ ગઈ છે. હવે પબ્લિકને સવાલો કરવાનો પાછો સળવળાટ ન ઉપડે તે માટે પણ કેમ્પેઈન કમિટીનું કામ બમણા જોરથી ચાલુ રાખવું જરુરી છે. 

સભ્ય ૨ : મહેરબાનો, કેમ્પેઈન કમિટીનાં સર્વાઈવલની ચિંતા છોડો અને રૂપિયાના સર્વાઈવલની ચિંતા પર પાછા ફરો. 

સભ્ય ૩ : અરે સર,  હેતુફેર ન કરો. આપણે ક્યાં રૂપિયાના સર્વાઈવલની ચિંતા કરવા ભેગા થયા છીએ. આપણે તો આ કેમ્પેઈનની જ ચિંતા કરવાની છે. 

સભ્ય ૧ : એવું કાંઈ ચલાવી શકાય કે સ્વદેશીને પ્રોત્સાહન માટે અને આયાતી વસ્તુઓનો મોહ ઘટાડવા આપણે જાતે જ રૂપિયાને નબળો પાડી રહ્યા છીએ. 

સભ્ય ૨ : રૂપિયાના ટેકામાં ઉપવાસ આંદોલન, કેન્ડલ માર્ચ, યાત્રાઓ એવું કાંઈ ગોઠવીએ તો? 

સભ્ય ૩ :  અરે ભાઈ, વાતને સમજો. રૂપિયો નબળો પડયો છે એવું આપણે પબ્લિકને ઠસાવવાનું જ નથી. કેમ્પેઈનમાં આપણે તો ટંગડી ઊંચી જ રાખવાની છે. 

એક સભ્યએ બગાસું ખાધું. એનો ચેપ બીજા સભ્યોને પણ લાગ્યો. કમિટી બગાસાં ખાતી જ રહી ગઈ... 

સ્માઈલ ટિપ

અગાઉ રૂપિયો નબળો પડે ત્યારે ધડાધડ સોશિયલ મીડિયા પોસ્ટ કરનારા અને હવે ચૂપ થઈ ગયેલા એક્ટરોને શું કહેવાય? 

બહુરૂપિયા!