Get The App

ઓવર વેલ્યુએશનઃ આઈપીઓનું, નેતાઓનું અને અભિનેતાઓનું

Updated: Nov 2nd, 2025

GS TEAM

Google News
Google News
ઓવર વેલ્યુએશનઃ આઈપીઓનું, નેતાઓનું અને અભિનેતાઓનું 1 - image

- સ્માઇલ ઇન્ડેક્સ - વ્યર્થશાસ્ત્રી

- પબ્લિક બિચારી ભ્રામક જાહેરાતોથી પૈસા ગુમાવે એવું શેરબજાર સિવાય બીજાં ઘણાં સેક્ટરમાં બને છે 

'આ ઓવર-વેલ્યુએશનનું કાંઈક કરવું પડશે. આમ અંધાધૂંધ પૈસા લેવાય તે કેમ ચાલે?' ફાઈનાન્સ મિનિસ્ટ્રીની ઓફિસમાં એક અધિકારીએ ગર્જના કરી. 

બીજા અધિકારી કહે, 'સાહેબ, જરા ખમી ખાઓ. ફિલ્મ લાઈન પર આપણો કોઈ કન્ટ્રોલ નથી. એ આખું બજાર જ અલગ છે.'

સાહેબ ચમક્યા, 'ફિલ્મ લાઈન? આખી વાતમાં ફિલ્મ લાઈન ક્યાં આવી? આઈ એમ સિરીયસ..'

બીજા અધિકારી દોડયા.'સર, આપ સિરીયસ છો? એમ્બ્યુલન્સ બોલાવુું? તમને શું થાય છે ચક્કર આવે છે?'

પેલા ફિલ્મ લાઈનવાળા અધિકારી કહે, 'સાહેબનો વાંક જ નથી. તેઓ એકદમ મુદ્દાની વાત કરે છે.  ફિલ્મ લાઈનમાં અભિનેતાઓના ભાવ સાંભળીને ભલભલાને ચક્કર આવી  જાય છે. કેટલાક  એક્ટર તો એક ઝાટકે ૧૦૦-૧૨૫ કરોડ રુપિયા લઈ લે છે. હમણાં પેલી દીપિકાએ કહી દીધું કે હું ફી વધારે લઈશ પણ આઠ કલાકથી વધારે કામ નહીં કરું.'

'વાહ, આ દીપિકા આપણને ગમી. આઈ મીન, આપણે એમને આપણા ઓફિસર્સ એસોસિએશનની માનદ પ્રમુખ બનાવીએ તો કેવું? તે આપણા વતી ડિમાન્ડ કરશે કે સરકાર આઠમું પગાર પંચ મંજૂર કરે તેમાં કામના કલાકો પણ આઠથી ઘટાડીેને છ  કલાક કરી દે.' બીજા અધિકારીના મોઢામાં પાણી આવ્યું.

સાહેબ ખિજાયા. 'દીપિકાની રામાયણ માંડશે તેની સામે હું સસ્પેન્શનનું બ્રહ્માસ્ત્ર છોડીશ.'

ત્રીજા અધિકારી કહે, 'સાહેબ, તમારી ભૂલ થાય છે. 'રામાયણ'માં તો આલિયા ભટ્ટ દેખાશે. દીપિકા તો 'કલ્કિ'માં હતી ,હવે  તેમાંથી પણ નીકળી ગઈ.'

સાહેબે ટેબલ પર હાથ પછાડયો. 'નોનેસેન્સ! કલ્કિ અવતાર થાય કે ન થાય, પણ ઘોર કળિયુગ ચાલે છે એ વાતની મને સો ટકા ખાતરી થઈ ગઈ છે. ડફોળો, હું ઓવર-વેલ્યુએશન એટલે આઈપીઓનાં ઓવર-વેલ્યુએશનની વાત કરું છું. બજારમાં ચારેકોર  દેકારો છે કે ઓવર-પ્રાઈસ્ડ આઈપીઓ આવી રહ્યા છે, તેમાં છૂટક રોકાણકારો, મ્યુચ્યુઅલ ફંડો, સરકારી બેન્કો પણ પૈસા રોકી રહ્યાં છે અને સરકાર કાંઈ કરતી નથી.'

'એટલે? પબ્લિક ઈચ્છે છે કે સરકાર પણ રોકાણ કરે  એમ?' એક જુનિયર અધિકારીએ દબાતા સૂરે પૂછ્યું. 

સાહેબ પોતાના ગુસ્સાને માંડ માંડ કન્ટ્રોલ કરતાં કહે, 'અરે મહેરબાનો, પબ્લિક ઈચ્છે છે કે સરકાર આ ઓવર-પ્રાઈસ્ડ આઈપીઓ પર નજર રાખે. ઓવર-વેલ્યુએશનના નામે પબ્લિકને ખંખેરવાના ધંધા બંધ કરાવે.'

એક વરિષ્ઠ અધિકારી કહે, 'સર, તમને ભ્રમ થાય છે. પબ્લિક આવુું કહે જ નહીં. ઓવર-વેલ્યુએશનના નામે પબ્લિક પૈસા ગુમાવે એવું ફક્ત શેરબજારમાં થોડું બને છે? ગમે તેવા મોંઘા એક્ટરની ફિલ્મ જોવા પબ્લિક જાય અને ફિલ્મ બેકાર નીકળે તો પૈસા પડી જાય એવું બને જ છે ને.'

બોસની આંખો લાલ થવા માંડી. તેને અવગણીને સિનિયર અધિકારી આગળ કહે, '..ને પોલિટિકસ સર..સૌથી વધુ ઓવરવેલ્યુએશન તો ત્યાં જ છે. કોર્પોરેટર લેવલના નેતાઓ સંસદસભ્ય બની જાય છે, પંચાયત કક્ષાના નેતાઓ સેન્ટ્રલમાં પહોંચી જાય છે. ઓવર-પબ્લિસિટીના કારણે ઓવરવેલ્યુએશન ધરાવતા નેતાઓને મત આપીને પબ્લિક પછી પોતાના જ પૈસા આ નેતાઓ દ્વારા વેડફાટમાં ગુમાવે જ છે ને?  તો પણ પબ્લિક ક્યાં કકળાટ કરે જ છે?'

આ સાંભળીને બોસ એકદમ ઠંડા પડી ગયા. અધિકારીઓએ એકબીજા સામે આંખ મિચકારી.

સ્માઈલ ટિપ

ચૂંટણી પહેલાં મતદારોનું ઓવર-વેલ્યુએશન થાય, મતદાન પછી ડિવેલ્યુએશન!