- સ્માઇલ ઇન્ડેક્સ - વ્યર્થશાસ્ત્રી
- બજેટ નામની પિચકારી કાણી નીકળી છે, કલર તરત ખલાસ થઈ ગયો
શેરબજાર હોળી ભંડારમાં રોકાણકાર પિચકારી લેવા ઘૂસ્યો.
'બોસ, એકદમ તેજીવાળી ધાર કરતી, ડિવિડન્ડના કલર છોડતી, મલ્ટીબેગર્સ કેટેગરીની હાઈક્લાસ પિચકારીઓ બતાવો.'
દુકાનવાળો કહે, 'મિસ્ટર, પિચકારીઓ તો ઘણી છે પરંતુ એમાંથી તમે કીધી એવી ક્વોલિટીવાળી પિચકારી કઈ નીકળશે તેની ગેરન્ટી નહીં. આ શેરબજાર હોળી ભંડાર છે. અહીં કોઈ વાતની ગેરન્ટી ન હોય.'
રોકાણકાર માથું ખંજવાળવા માંડયો. થોડીવાર વિચારીને કહે, 'ચાલો, કાંઈ વાંધો નહિ. તમારી પાસે સ્ટોકમાં હોય એ પિચકારી તો બતાવો. '
દુકાનદાર એક પિચકારી ઉંચકીને કહે, 'જુઓ આ સેન્ટિમેન્ટ પિચકારી છે. છોડે ત્યારે તમે કીધું એવો જોરદાર તેજીનો કલર પણ છોડે ને ક્યારેક એકદમ મંદીવાળો કલર પણ છોડે. દેશ દુનિયામાં શું ચાલે છે તેના પર આ પિચકારીનો આધાર છે.'
એક બહુ અટપટી ડીઝાઈન ધરાવતી પિચકારી જોઈને ગ્રાહક કહે, 'આ પિચકારીમાં કાંઈક વિશેષ કરામત લાગે છે.'
દુકાનદાર ફિક્કું હસીને કહે, 'એ જીડીપી પિચકારી છે. ડિઝાઈન બહુ કોમ્પીલીકેટેડ છે પરંતુ તેમાં કલર ભરવાની બહુ કેપેસિટી નથી. રહેવા દો બોસ, નહિ મજા આવે. '
ગ્રાહક કહે, 'જવા દો. ફોરેનથી ઈમ્પોર્ટ થયેલી કોઈ પિચકારી હોય તો બતાવો.'
દુકાનદાર માળિયેથી એક પિચકારી ઉતારતાં કહે, 'જુઓ, આ એફઆઈઆઈ પિચકારી છે. પરંતુ, આની રંગ છોડવાની કળ ક્યાંથી દબાય છે તેની મનેય હજુ સુધી ખબર નથી પડી. તમે લઈ જુઓ, કદાચ તમને એ કળ મળી જાય.'
ગ્રાહકે એ પિચકારી પડતી મૂકી. એક ખૂણામાં ધૂળ ખાતી પિચકારી જોઈને કહે, 'આ કઈ પિચકારી છે? એની કાંઈ સ્પેશિયાલિટી ? '
દુકાનદાર ડોક ધુણાવીને કહે, 'ભઈ, એ બજેટ પિચકારી છે. બહુ હોંશથી મગાવી રાખી હતી કે સારી ચાલી જશે. પરંતુ, એ તો કાણાંવાળી નીકળી. એમાં કલર ભરો કે તરત જ નીકળી જાય છે. '
થોડીક નાની-મોટી પિચકારીઓ એક રેકમાં ગોઠવાયેલી જોઈ ગ્રાહકે એ તરફ આંગળી ચીંધી. દુકાનદાર કહે, 'બોસ, તમે ચીંધો છો એ બધી હમણાં સુધીની બ્લૂચિપ પિચકારીઓ હતી. આઈટી બ્રાન્ડની પિચકારીઓ. એણે જે કલર છોડયા છે એમાં તો વર્ષોના વર્ષો સુધી રંગાયા છે. પરંતુ, બોસ હવે પિચકારીઓનું આયુષ્ય પૂરું થવા આવ્યું છે એમ બધા કહે છે. તમેય જોખમ ન લેતા. '
ગ્રાહક છટકીને કહે, 'તમે યાર દુકાન લઈને બેઠા છો પણ એકેય ઢંગની પિચકારી તો બતાવી શકતા નથી. આના કરતાં પાટિયાં પાડી દો ને પાટિયાં.'
દુકાનદાર હળવેથી કહે, 'સર, તમારે જે પિચકારી જે ભાવે જોઈતી હોય તે ઉપાડીને હાલતા થાઓ. તમારી પાસે ગમે તે પિચકારી હશે પણ કોઈ ફરક નથી પડવાનો. આ વખતે આખી દુનિયાને હોળી રમાડવાનો ઈજારો માત્ર પેલા ટ્રમ્પનો છે. એ રમાડશે તેમ આખી દુનિયા રમશે.'
ગ્રાહકે નિરાશ થઈ ચાલતી પકડી.
સ્માઈલ ટીપ
વિરોધીઓને રંગી નાખવા બે પિચકારીઓને છૂટી મૂકી દેવાઈ છે. એક છે સીબીઆઈ અને બીજી છે ઈડી.


