- સ્માઇલ ઇન્ડેક્સ - વ્યર્થશાસ્ત્રી
- લોકોને કામઢા બનાવવાનું કામ મુશ્કેલ છે, પણ હડતાળિયા બનાવવાનું સરળ
'નવા શ્રમ કાયદા અમલમાં આવી ગયા છે,' એક યુનિયન લીડરે બાંયો ચડાવતાં કહ્યું.
'આપણા દેશમાં કાયદા હોવા અને અમલમાં આવવા એ બે અલગ અલગ બાબત છે,' બીજા બિરાદરે બગાસું ખાધું.
પેલા લીડર કહે, 'બોસ, બગાસાં બંધ કરો. આંખો ઉઘાડો. આ શ્રમ કાયદાઓને લીધે હવે હડતાલ પાડવાનું અઘરું થઈ ગયું છે.'
પેલા બિરાદર વધુ એક બગાસું ખાતાં કહે, 'એ તો આમ પણ ખાનગીકરણ વધ્યું અને કોન્ટ્રાક્ટ સિસ્ટમનો ફેલાવો થયો પછી હડતાલ પાડવાનું ક્યાં સરળ રહ્યું છે?'
ત્રીજા યુનિયન લીડરનું ગળું ભરાઈ આવ્યુું. 'એ પણ શું જમાનો હતો! દર બીજા દિવસે કોઈને કોઈ યુનિયનની હડતાલ ચાલતી રહેતી હતી. માર્ગો પર 'હમારી માંગે પૂરી કરો', 'જો હમસે ટકરાયેગા, મિટ્ટી મેં મિલ જાયેગા','લાઠી ગોલી કી સરકાર નહીં ચલેગી નહીં ચલેગી... તાનાશાહી કી સરકાર નહીં ચલેગી નહીં ચલેગી..' ના સૂત્રોચ્ચાર ગાજતા રહેતા હતા. આપણો વટ પણ કોઈ સેલિબ્રિટી જેવો જ હતો.'
ચોથા યુનિયન લીડર કહે, 'ભૂતકાળમાંથી બહાર આવો. હવે સરકારે હડતાલ પાડવાનું જ બહુ અઘરું કરી નાખ્યું છે તેનો ઉપાય શું કરવો એ વિચારો. બાકી આમને આમ આપણે યુનિયનવાળાઓ નામશેષ પ્રજાતિમાં મૂકાઈ જઈશું.'
એક લીડર કહે, 'સ્કૂલમાં ગણિત અને અંગ્રેજી વિષય અઘરા હોય તો તેના કેટલાય ટયુશન ક્લાસ ખૂલે છે. આઈએએસ-આઈપીએસ થવું અઘરું છે તો તેનાં પણ ટ્રેનિંગ સેન્ટરો ખુલી ગયાં છે. હવે સરકારે હડતાલ પાડવાનું અઘરું કરી દીધું છે તો આપણે પણ નવા જમાનાના કર્મચારીઓને હડતાલની ટ્રેનિંગ આપતાં ંકોચિંગ સેન્ટર શરુ કરીએ.'
'વાહ... ગ્રેટ આઇડિયા! દેશમાં લોકોને કામઢા બનતાં શિખવાડવું અઘરું છે, પણ હડતાળિયા બનતાં શિખવાડવું તો સરળ છે,' બીજા લીડર ઉત્સાહમાં આવ્યા.
અત્યાર સુધી મોબાઈલમાં બિઝી એક લીડર એક્ટિવ થયા. 'ભાઈઓ, હવે નવા જમાનાની હડતાલોમાં ફ્કત ભાષણો કરવાથી, બેનરો લઈને નીકળવાથી, સૂત્રો પોકારવાથી નહીં ચાલે. જેમ આજકાલ પ્રવાસ, લગ્નપ્રસંગ, સેવાકાર્યો , સરકારી કામગીરી એમ બધું જ સોશિયલ મીડિયા કેન્દ્રિત થઈ ગયું છે, તેમ હડતાલની જમાવટ પણ સોશિયલ મીડિયા પર જ કરવી પડશે. તેને લગતી પોસ્ટ્સ અને રીલનો મારો ચલાવવો પડશે. હડતાલના સમર્થનમાં હજારો લાઈક્સ અને કમેન્ટ્સ આવવાંં જોઈએ. સોશિયલ મીડિયા પર છાકો પાડવો હોય તો હું સોશિયલ મીડિયા ઈન્ચાર્જ તરીકે કામ કરવા તૈયાર છું. આવો એક ક્લાસ શરુ થાય છે તેની જાહેરાત હું સોશિયલ મીડિયા પર જ કરી દઉં.'
આ જાહેરાતને સૌએ વધાવી લીધી. હડતાલ કોચિંગ સેન્ટરનાં નામ, સરનામાં, સમય સાથેની જાહેરાત વાયરલ કરી દેવાઈ. બીજા દિવસે આપેલાં સરનામે યુનિયન લીડરો પહોંચ્યાં તો બહાર ટોળેટોળાં જોઈ તેઓ ખુદ ડઘાઈ ગયા.
'ઓહો, દેશમાં આટલા બધા લોકોને હડતાલ પાડતાં શિખવું છે, એમ ?'
એક નેતાએ તો જોશમાં આવીને સૂત્ર પણ પોકારી નાખ્યું, 'કામદાર એક્તા ઝિંદાબાદ..!'
બીજા નેતાએ બહાર જામેલા ટોળા ને પૂછ્યું, 'લ્યા, કઈ કંપની, કયું સેક્ટર, કયાં આટલું બધું શોષણ થાય છે તે તમે આમ ટોળાંબંધ હડતાલ પાડવાનું શિખવા નીકળ્યા છો?'
ટોળાંમાંથી એક જણ દબાતા સૂરે કહે, 'અમે પોલિટિકલ વર્કરો છીએ, એક મોટી રાજકીય પાર્ટીના સંનિષ્ઠ કાર્યકરો, દાયકાઓથી પાર્ટીમાં અમે મજૂરી જ કરીએ છીએ. પણ મલાઈ બીજા લોકો લઈ જાય છે... તમને કઈ પાર્ટી એનો આવી ગયો હશે.'
હડતાલ કોચિંગ સેન્ટરમાં પહેલા જ દિવસે કાયમી હડતાલ પાડી યુનિયન લીડરો રવાના થઈ ગયા.
સ્માઈલ ટિપ
'ગો સ્લો...' વગર હડતાલ જાહેર કરે, પણ આખેઆખું સરકારી તંત્ર આ હડતાલિયું એલાન આપોઆપ નિભાવે જ છે.


