Get The App

GST રિટર્નમાં થયેલી ભૂલ હવે અણમાફી નથી

Updated: Jan 25th, 2026

GS TEAM

Google News
Google News
GST રિટર્નમાં થયેલી ભૂલ હવે અણમાફી નથી 1 - image

- વેચાણવેરો - સોહમ મશરુવાળા

ગુજરાત હાઇકોર્ટનો તાજેતરનો ચુકાદો અંબિકા ઓટો સેલ્સ અને સર્વિસ અને એએનઆર વિરુદ્ધ યુનિયન બેંક ઓફ ઇન્ડિયા (આર/એસસીએ ૧૨૭૭/૨૦૨૪)  GST વ્યવસ્થામાં માનવીય દ્રષ્ટિકોણને ફરી જીવંત કરતો ઐતિહાસિક ચુકાદો છે.

કેસની હકીકતો

આ કેસમાં અરજદાર એક વાહન વેચાણ અને સર્વિસ સાથે સંકળાયેલ વેપારી હતો. તેણે વાહન ઉત્પાદક પાસેથી માલ ખરીદ્યો અને તેના પર GST ચૂકવીને યોગ્ય રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) લીધો. બાદમાં ઉત્પાદક કંપનીએ સ્કીમ અથવા ડિસ્કાઉન્ટ હેઠળ ક્રેડિટ નોટ્સ જારી કરી. વેપારીએ આ ક્રેડિટ નોટ્સ સામે સમકક્ષ ડેબિટ નોટ્સ જારી કરી અને તેના પર GST ચૂકવ્યો. આ રીતે વેપારીએ હકીકતમાં પોતાની ITC ઘટાડી દીધી હતી અને સરકારને યોગ્ય કર ચૂકવ્યો હતો. પરંતુ GST પોર્ટલની ડિઝાઇન એવી હતી કે તે માત્ર ક્રિડેટ નોટને ધ્યાનમાં લેતી હતી, ડેબિટ નોટ દ્વારા ચૂકવાયેલ કરને ધ્યાનમાં લેતી નહોતી. પરિણામે GSTR-2Aમાં ITC મિસમેચ દેખાયો. GST અધિકારીઓએ આ મિસમેચના આધારે વેપારી પાસેથી દબાણ હેઠળ સમગ્ર ITC રિવર્સ કરાવી અને DRC-03 ભરાવીને માતબાર રકમ વસૂલ કરી.

અરજદારની દલીલો

અરજદાર તરફથી હાઇકોર્ટમાં મજબૂત દલીલો કરવામાં આવી કોઈ કરચોરી નથી - વેપારીએ દરેક સ્ટેજ પર કર ચૂકવ્યો છે, રેવન્યુ ન્યુટ્રલિટી- સરકારને એક પણ રૂપિયાનો નુકસાન નથી. ડેબિટ નોટ દ્વારા ITC અસરકારક રીતે રિવર્સ થઈ ગઈ હતી, DRC-03 દબાણ હેઠળ ભરાવાયું હતું, સ્વૈચ્છિક નહોતું, માત્ર પોર્ટલની મર્યાદા આધારે ન્યાય નકારી શકાય નહીં. 

સરકાર પક્ષની રજૂઆત

સરકાર તરફથી દલીલ કરવામાં આવી કે GST કાયદામાં રિટર્ન સુધારવાની ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. એક વખત સમય પસાર થયા પછી સુધારણા શક્ય નથી. પોર્ટલ ટેકિનકલ રીતે બંધ હોવાથી અધિકારીઓ કંઈક કરી શકતા નથી.

ગુજરાત હાઇકોર્ટનું વિશ્લેષણ

ગુજરાત હાઇકોર્ટે આ મુદ્દાને માત્ર ટેકિનકલ દ્રષ્ટિકોણથી નહીં, પરંતુ કાયદાના હેતુ અને ન્યાયના સિદ્ધાંતથી જોયો. કોર્ટએ જણાવ્યું કે GST એક સુધારાત્મક કર પ્રણાલી છે, દંડાત્મક નહીં. કોર્ટએ સ્પષ્ટ કહ્યું કે, જો ભૂલ બોનાફાઈડ છે, - જો કરચોરી નથી, - જો સરકારને આવકનું નુકસાન નથી, તો માત્ર પોર્ટલની મર્યાદાને આધારે કરદાતાને સુધારણાથી વંચિત રાખી શકાય નહીં. કોર્ટએ બોમ્બે હાઇકોર્ટના 'સ્ટાર એન્જિનિયર્સ' કેસ સહિતના ચુકાદાઓનો આધાર લઈ કહ્યું કે કાયદાનું પુરપોઝિવ ઇન્ટરપ્રિટેશન કરવું જરૂરી છે. ગુજરાત હાઇકોર્ટએ. સરકારનો આદેશ રદ કર્યો, - પોર્ટલ ખોલીને અથવા મેન્યુઅલ રીતે રિટર્ન સુધારવાની મંજૂરી આપી, - DRC-03 દ્વારા કરવામાં આવેલી વસૂલાતને ગેરકાયદેસર ગણાવી. આ ચુકાદો વેપારીઓ માટે મોટી રાહતરૂપ છે.