- વેચાણવેરો - સોહમ મશરુવાળા
GST કાયદા હેઠળ સરકારને જ્યારે રિફંડ આપવાનું આવે છે તે સમયે અરજદાર સમક્ષ આપત્તિઓનો પહાડ રજૂ કરી તેને પાર કરવા ફરજ પાડે છે. GST કાયદાની જોગવાઈનું મનસ્વિ અર્થઘટન કરીને અને પરિપત્ર ઉપર આધાર રાખીને રિફંડની અરજીઓ ફગાવી નાખવામાં આવતી હોય છે. એક્ષપોર્ટ ઓરીયન્ટેડ યૂનિટ (EOU) જ્યારે નિકાસ કરે અને જે વેરાશાખ એકઠી થાય તેવી જમા રકમનું રિફંડ કલમ ૫૪ હેઠળ રિફંડ મળવાપાત્ર થાય. પરંતુ ખાતાના મતે તે રિફંડ મળવાપાત્ર નથી અને વિવાદ ઉપસ્થિત થયો. આ બાબતે ગુજરાત હાઇકોર્ટ દ્વારા શાહ પેપરપ્લાસ્ટ ઇન્ડસ્ટ્રિઝ લિ.વિ.યૂનિયન ઓફ ઇન્ડિયા તથા અન્ય (R/SCA No. 18892 ઓફ ૨૦૨૩) ના કેસમાં તાજેતરમાં ખૂબ જ રસપ્રદ ચૂકાદો આપ્યો છે જેની આજના લેખમાં ચર્ચા કરવામાં આવી છે.
કેસની હકીકત
અરજદાર EOU એકમ છે અને જમા વેરાશાખનું તેના દ્વારા રિફંડની અરજી કરવામાં આવી હતી. ખાતા દ્વારા તે અરજદારને તારીખ ૬-૭-૨૦૨૨ પહેલાના સમયની અરજીઓ અન્વયે રિફંડનો હકારાત્મક જવાબ આપી રિફંડ પણ આપી દીધેલ. (BIC દ્વારા તારીખ ૬-૭-૨૦૨૨ના રોજ પરિપત્ર નં ૧૭૨/૦૪/૨૦૨૨- GST જાહેર કરવામાં આવેલ હતો. જેનું અર્થઘટન કરીને અધિકારીએ અરજદારની રિફંડની અરજીઓ નકારી નાખી અને અગાઉ માન્ય રાખેલ રિફંડની અરજીની ચૂકવેલ રકમ વસુલાત કરવા માટે આદેશ પસાર કરવામાં આવ્યા. અંતે માન. ગુજરાત હાઇકોર્ટના શરણે જઈ રીટ દાખલ કરી.
અરજદાર દ્વારા CBICનો પરિપત્ર નં ૧૭૨/૦૪/૨૦૨૨- GST ગેરબંધારણીય છે તેમ રજૂઆત કરવામાં આવી. વધુમાં આ પરિપત્ર GSTકાયદાની કલમ ૧૬ની જોગવાઈની સત્તા વિરૂધ્ધનો છે. અરજદાર દ્વારા નિકાસ કરવામાં આવે છે માટે સરકારનો અભિગમ કે રિફંડ નિયમ ૮૯ (૪)/ (બી) હેઠળ અરજી કરવી તે ખોટો છે અને રિફંડ નિયમ ૮૯(૪) પ્રમાણે જ આપવાનું થાય. પરિપત્ર દ્વારા નવો પ્રતિબંધ થોપી ના બેસાડાય જ્યારે કાયદામાં કોઈ જોગવાઈ ના હોય.
સરકારની દલીલ
સરકાર દ્વારા દલીલ કરવામાં આવી કે EOU દ્વારા વ્યવહાર ડિમ્ડ એક્ષપોર્ટ છે. અને નોટીફિકેશન નં ૪૮/૨૦૧૭નો લાભ પણ ભોગવ્યો છે. માટે રિફંડની અરજી નિયમ ૮૯(૪) હેઠળ કરવાની થાય અને રિફંડ નકારાતા આદેશ યોગ્ય છે. પરિપત્ર પુર્વ તારીખથી લાગુ પડે.
ગુજરાત હોઈકોર્ટનો ચૂકાદો
ગુજરાત હાઈકોર્ટે ખાસ નોંધ્યુ કે પ્રસ્તુત કેસમાં અરજદાર દ્વારા નિકાસ કરેલ છે અને નોટીફિકેશન નં ૪૮/૨૦૧૭ હેઠળ લાભ લીધેલ કોઈ ખરીદ નથી. માટે સરકારનો મંતવ્ય ખોટો છે કે રિફંડની અરજી નિયમ ૮૯(૪એ) હેઠળ કરવાની થાય. તથા પરિપત્રનો પેરા ૨.૨ પણ લાગુ પડશે નહીં. આમ, રિફંડ માન્ય રાખ્યું હતું.


