Get The App

નિયમ 86એ હેઠળ સત્તા વાપરવા માટે નક્કર કારણ હોવા અનિવાર્ય

Updated: Nov 16th, 2025

GS TEAM

Google News
Google News
નિયમ 86એ હેઠળ સત્તા વાપરવા માટે નક્કર કારણ હોવા અનિવાર્ય 1 - image

- વેચાણવેરો - સોહમ મશરુવાળા

GST કાયદા હેઠળ સરકારને વેરાશાખ અટકાયત કરવા માટે અપાર શક્તિ આપેલી છે. વિવિધ જોગવાઈ હેઠળ વેરાશાખ ભોગવવા ઉપર રોક લગાડવાની સત્તા અધિકારીઓ દ્વારા વાપરવામાં આવતી હોય છે. CGST નિયમ ૮૬એ હેઠળ અધિકારીને ઈલેકટ્રોનીક ક્રેડીટ લેજરમાં વેરાશાખ બ્લોક કરવાની સત્તા છે. 

નિયમ ૮૬એ એક પ્રકારનો એન્ટીઈવેઝન હથિયાર છે. જે વિશિષ્ટ સંજોગોમાં વાપરી શકાય. કોઈ ચોક્કસ કારણ વગર નિયમ ૮૬એ હેઠળ સત્તા વાપરવામાં આવે તે અયોગ્ય ગણાય. તાજેતરમાં આ બાબતે વિવાદ અલ્હાબાદ હાઈકોર્ટ સમક્ષ મે. પીલકોન ઈન્ફાસ્ટ્રકચર પ્રા.લી. વિ. યુ.પી. રાજ્ય અને અન્ય (Writ Tax No. 4634 of 2025) સમક્ષ ઉપસ્થિત થયો. જેની આજના લેખમાં ચર્ચા કરવામાં આવી છે.

નિયમ ૮૬એ શું છે ?

આ નિયમ હેઠળ કમિશ્નર અથવા તેનો અધિકૃત અધિકારીની પાસે GST કાયદા હેઠળ ક્રેડીટનો ઉપયોગ કરવાથી ટેક્સ પેયરને રોકી શકે છે, જ્યારે વેરાશાખ ફોડ કરીને માંગી હોય અથવા અયોગ્ય રીતે કલેમ કરી હોય અથવા બોગસ બિલ ઉપર લીધી હોય અથવા એવા સપ્લાયર સાથેનો વ્યવહાર હોય જે અસ્તિત્વમાં જ ન હોય અથવા સપ્લાય ખરેખર કરવામાં આવ્યો ન હોય. આ સત્તા વાપરતા પહેલા ચોક્કસ કારણ જાણી લેવા જરૂરી છે અને જો તે ના હોય તો અધિકારીનો આદેશ અયોગ્ય ગણવાનો થાય.

કેસની હકીકત

અરજદારના ઈલેક્ટ્રોનીક ક્રેડીટ લેજરમાં રૂા. ૧૩,૯૬,૨૨૦ ની રકમ GST અધિકારી દ્વારા નિયમ ૮૬એ હેઠળ બ્લોક કરવામાં આવી હતી. આ કરવા માટે GSTN દ્વારા ૨૪-૭-૨૦૨૫ ના રોજ એક ઈમેઇલ કરવામાં આવી હતી. આ ઈમેઇલનો આધાર લઈ અરજદાર દ્વારા હાઈકોર્ટ સમક્ષ રીટ કરવામાં આવેલ હતી.

અરજદારની દલીલ

અરજદાર દ્વારા દલીલ કરવામાં આવી કે GSTશ તરફથી પ્રાપ્ત થયેલ ઇમેઈલમાં નિયમ ૮૬એ હેઠળ કોઈ ચોક્કસ કારણ આપેલા નથી અને અધિકારીનું આ સત્તા વાપરવા માટેનું કારણ દર્શાવવામાં આવેલું નથી લેખિતમાં નિયમ ૮૬એ હેઠળ Reason on to belive લેખિતમાં આપવા ખૂબ જ જરૂરી છે વધુમાં સરકાર દ્વારા કોઈ આદેશ અથવા તો કોમ્યુનિકેશન આપ્યા વગર સીધેસીધી વેરાશાખ બ્લોક કરી દીધી જે અયોગ્ય છે.

સરકારની દલીલ

સરકાર દ્વારા રજુઆત કરવામાં આવી કે અધિકારીએ યોગ્ય રીતે નિયમ ૮૬એ હેઠળ સત્તા વાપરી છે. આ કરતાં પહેલા ચોક્કસ કારણ કે સપ્લાયર બંધ છે તેમ પણ ઈમેઇલમાં લેખિતમાં આપવામાં આવેલું હતું. વધુમાં ઈલેક્ટ્રોનીક ક્રેડીટ લેજરની વિગતમાં એક નંબર લખવામાં આવ્યો છે. 

જે એક પ્રકારની એલર્ટ નોટીસ છે જેની માહિતી DGGI પાસેથી અધિકારીએ પ્રાપ્ત કરી હતી અને અરજદારને આનાથી કોઈ વાંધો હોય તો નિયમ ૮૬(એ)(૨) હેઠળ કમિશ્નરને રજૂઆત કરી શકે છે. આમ, બ્લોકનો ઓર્ડર યોગ્ય ઠરાવવા રજુઆત કરી.

હાઈકોર્ટનો ચુકાદો

અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા નોંધ્યું કે ખાતાના અધિકારી દ્વારા પોતાની પાસે લેખિતમાં કારણો રાખ્યા હતા અને આ સત્તા વાપરવા માટે ચોક્કસ કારણ પણ હતી તેવી ધારણા છે. નિયમ ૮૬એ હેઠળ સત્તાનો ઉપયોગ કરતા પહેલા એવું ખૂબ જ જરૂરી છે. આમ કરવા માટે પાકો આદેશ-નક્કર પૂરાવા હોવા જરૂરી છે. માત્ર DGGIની માહિતીના આધારે આ સત્તા ના વપરાય. પ્રસ્તુત કેસમાં રિઝન ટૂ બીલીવનો અભાવ છે અને અધિકારી ઉપર ફરજ છે કે તેના વગર પગલા ના લે. આમ, અરજી માન્ય રાખી અને બ્લોકનો આદેશ ફગાવી નાખ્યો.