Get The App

LUT વિલંબીત ફાઇલ કરવાથી રિફંડ નકારી ના શકાય

Updated: Mar 15th, 2026

GS TEAM

Google News
Google News
LUT વિલંબીત ફાઇલ કરવાથી રિફંડ નકારી ના શકાય 1 - image

- વેચાણવેરો - સોહમ મશરુવાળા

GST કાયદા હેઠળ સરકાર દ્વારા નિકાસ કરવા માટે બે પધ્ધતિ આપી છે જેમાં IGST ભરીને નિકાસ થઈ શકે અને વિના IGST ભરે પણ નિકાસ થઈ શકે. નિકાસના સપ્લાયને GST કાયદા હેઠળ ''Zero-Rated સપ્લાય તરીકે માન્યતા આપવામાં આવી છે. તેનો મૂળભૂત હેતુ એ છે કે નિકાસકારો પર કોઈ પણ પ્રકારનો વેરાનો બોજો ન આવે અને આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય ઉદ્યોગોના ઉત્પાદન સ્પર્ધાત્મક રહે. ઘણી વખતે તેમ બને છે કે નિકાસકાર દ્વારા વિના IGST ભરીને નિકાસ કરવા માટે LUT ની અરજી કરવાની મુદત તારીખ વિત્યા બાદ GST પોર્ટલ ઉપર નમૂનો GST RFD011 માં અરજી કરવામાં આવે છે. આવા સંજોગોમાં અરજી વિલંબીત કરી ગણાય અને ઘણી વખત આવી મોડી અરજીના કારણે લાચાર વેપારીને રિફંડ લેવામાં પ્રચંડ મુશ્કેલીઓ ભોગવવી પડે છે. આવો જ બનાવ કર્ણાટકા હાઈકોર્ટ સમક્ષ મેં પ્રાઇમ પરફ્યુમરી વર્કસ વિ. સહાયક કમિશ્નર સીજીએસટી ((Writ petition No. 11076/2024) બન્યો જેમાં ખૂબ જ મહત્ત્વનો ચૂકાદો આપ્યો છે જેની આજના લેખમાં ચર્ચા કરવામાં આવી છે.

કેસની હકીકત

અરજદાર એક પાર્ટનશીપ ફર્મ છે અને નાણાકિય વર્ષ ૨૦૨૨-૨૩માં નિકાસ કરેલ. ત્યારબાદ તારીખ ૩.૧૨.૨૦૨૩ના રોજ રિફંડની અરજી કરવામાં આવેલી હતી. ખાતા દ્વારા તારીખ ૨૮.૧૨.૨૦૨૩ના રોજ કારણદર્શક નોટીસ પાઠવીને રિફંડની અરજી કેમ અમાન્ય ન રાખવી તે બાબતે પૂછડું પછાડયું. અરજદાર દ્વારા તેનો જવાબ તારીખ ૧૧.૧.૨૦૨૪ના રોજ કરેલ જેના પછી ખાતા દ્વારા રિફંડની અરજી ફગાવી નાખવામાં આવી હતી. ખાતાના મત પ્રમાણે અરજદાર દ્વારા LUT ની અરજી નિકાસ કરતા પહેલાં કરી ન હતી જેના લીધે નિયમ ૧૯(એ)નું ઉલ્લંઘન થયું ગણાય. અરજદારની દલીલ

અરજદાર દ્વારા દલીલ કરવામાં આવી કે LUT ની અરજી મોડી કરવાથી કઈ રિફંડનો દાવો ડામાડોળ થઈ જતો નથી અને તે એવી કોઈ મુખ્ય જોગવાઈનું ઉલ્લંઘન નથી જેનાથી રિફંડ મળવાપાત્ર ન થાય. વધુમાં CBIC દ્વારા જાહેર કરેલ પરિપત્ર ક્રમાંક F.No. 349/47/2017-GST તારીખ ૧૫.૩.૨૦૧૮ ઉપર આધાર રાખીને તેમ રજૂઆત કરી કે LUT ની અરજી નિકાસ કરતા પહેલાં કરવી એ ફરજીયાત નથી પણ માત્ર પ્રોસીજેરલ અને ડાયરેકટરી છે. આમ રિફંડ યોગ્ય છે.

સરકારની દલીલ

સરકાર દ્વારા ઠોસ રજૂઆત કરવામાં આવી કે CBIC ના પરિપત્ર પ્રમાણે અને GST ના નિયમો પ્રમાણે LUT ની અરજી નિકાસ કરતા પહેલા કરવી ફરજીયાત છે.

હાઈકોર્ટનો ચૂકાદો

હાઈકોર્ટે ખાસ નોંધ્યું કે પરિપત્ર જોતાં તેમ ફલીત થાય છે નિયમ ૯૬એ પ્રમાણે LUT ની અરજી ન કરવી તે કોઈ સુધારી ન શકાય તેવી ડિફેક્ટ નથી. પ્રક્રિયાત્મક ભૂલ માટે અને ટેકનિકલ કારણસર લાભ નકારી ના શકાય અને મૂળભૂત ખામી ન હોવાથી રિફંડ માન્ય રાખ્યું હતું.