Get The App

વિશિષ્ટ સંજોગોમાં ત્રણ દિવસમાં નોંધણીનો દાખલો મળશે

Updated: Nov 9th, 2025

GS TEAM

Google News
Google News
વિશિષ્ટ સંજોગોમાં ત્રણ દિવસમાં નોંધણીનો દાખલો મળશે 1 - image

- વેચાણવેરો - સોહમ મશરુવાળા

GST કાયદા હેઠળ નોંધણી નંબરની અરજી કરતી વખતે સંખ્યાબંધ વિગતોની માંગણી કરવામાં આવે છે. નવો GST નંબર લેતા- લેતા ઘણી વખત બે માસથી પણ વધુ સમય નીકળી જાય છે અને ધંધો થઈ શકતો નથી. સરકાર દ્વારા GST 2.0 લાવ્યાથી ખૂબ જ બધા સુધારા અને ફેરફાર કરવામાં આવ્યા છે જેનાથી સરળતા થાય અને લાભદાયક રહે. નોંધણી નંબરની પદ્ધતિ વિશિષ્ટ સંજોગોમાં ખૂબ જ સરળ અને ત્વરાથી પૂર્ણ થઈ જાય તેના માટે તા. ૩૧ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ નોટિફિકેશન નં. ૧૮/૨૦૨૫ સેન્ટ્રલ ટેક્સ દ્વારા સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (ફોર્થ એમેન્ડમેન્ટ) નિયમો જાહેર કર્યા છે જેની આજના લેખમાં ચર્ચા કરવામાં આવી છે.

કેટલા દિવસમાં નોંધણી પ્રાપ્ત થાય ?

નવો નિયમ ૯-એ દાખલ કરવામાં આવ્યો છે જે તારીખ ૧ નવેમ્બર, ૨૦૨૫થી અમલમાં લાવવામાં આવ્યો છે જેના હેઠળ વિશિષ્ટ સંજોગોમાં ત્રણ દિવસમાં અરજી કર્યા તારીખથી નોંધણી નંબર આપી દેવામાં આવશે GST કાયદા હેઠળ.

વિશિષ્ટ સંજોગો

નોટિફિકેશન નં. ૧૮/૨૦૨૫ સેન્ટ્રલ ટેક્સ દ્વારા નવો નિયમ ૧૪-એ દાખલ કરવામાં આવ્યો છે જેમાં ત્રણ દિવસોમાં નોંધણીનો દાખલો તેવા અરજદારને આપવામાં આવશે જેમની માસિક બાહ્ય સપ્લાયની આઉટપુટ ટેક્સની જવાબદારીની રકમ રૂા. ૨,૫૦,૦૦૦/-થી ઓછી થવાની હોય આવો વિકલ્પ અરજદાર દ્વારા નિયમ ૧૪-એ GST નંબરની નોંધણીની અરજી કરતી વખતે પસંદ કરવાનો રહેશે. ખાસ નોંધ લેવી કે આ જોગવાઈનો લાભ લેવા માટે અરજદારને આધાર ઓથેન્ટીકેશન કરવું ફરજીયાત છે અને જો તેમ ન કરવામાં આવે તો ત્રણ દિવસમાં નોંધણીનો દાખલો લેવાની સુવિધા પામી નહી શકે. ખાસ નોંધ લેવી કે આ વિકલ્પ હેઠળ નોંધણીનો દાખલો એકથી વધુ રાજ્યમાં મળશે નહીં.

વેરો રૂા. 2.50 લાખથી વધી જાય તો ?

નિયમ ૧૪-એ (૫) હેઠળ તેમ કરવાની જોગવાઈ કરવામાં આવી છે કે નિયમ ૧૪ એ (૧) કરેલી અરજીનો વિકલ્પ પાછો આપવા માટે નોંધાયેલ વ્યક્તિએ GST Reg 32 ફોર્મમાં અરજી કરવાની રહેશે. આવી અરજી જો તારીખ ૧.૪.૨૦૨૬ પહેલા કરવામાં આવી હોય તો કમ સે કમ ત્રણ માસના પત્રકો ભરેલા હોવા જોઈએ અને જો તારીખ ૧.૪.૨૦૨૬ પછી અરજી કરવામાં આવે તો ૧ માસના પત્રકો ભરેલા હોવા જોઈએ તથા નોંધણી લીધી હોય ત્યારથી તમામ પત્રકો ભરેલા હોવા જોઈએ અધિકારી દ્વારા અરજીની સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ વધુ યોગ્ય જણાતા હકારાત્મક આદેશ નમૂના GST Reg. 33 માં પસાર કરવાનો રહેશે. અન્યથા પરિસ્થિતિમાં અરજી ફગાવી નાખવા માટે અધિકારીએ ચોક્કસ કારણો દર્શાવવાના રહેશે અને નમૂના REG 05 માં નિયત સમયમાં આદેશ કરવાનો રહેશે જે તારીખે આદેશ પસાર કરવામાં આવ્યો હશે તે પછીના માસથી રૂા. ૨.૫ લાખથી વધુ જવાબદારીવાળું પત્રક ભરી શકાશે.